બોર્નવિટા હવે હેલ્ધી ડ્રિંક નહિં, કેન્દ્ર સરકારે પગલાં લઈ નોટિફિકેશન જાહેર

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
બોર્નવિટા હવે હેલ્ધી ડ્રિંક નહિં, કેન્દ્ર સરકારે પગલાં લઈ નોટિફિકેશન જાહેર 1 - image


Bournvita Healthy drink news: કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ કંપનીઓને બોર્નવિટાને હેલ્ધી ડ્રિંક કેટેગરીમાંથી દૂર કરવા આદેશ આપ્યો છે. આ સંદર્ભે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે નોટિફિકેશન જારી કરી છે. જે અનુસાર, તમામ ઈ-કોમર્સ વેબસાઈટ્સે પોતાના પ્લેટફોર્મ પરથી બોર્નવિટા સહિત તમામ પીણાંને હેલ્ધી ડ્રિંક કેટેગરીમાંથી દૂર કરવા નિર્દેશ કર્યો છે. 

માર્કેટ સ્ટડી અનુસાર, ભારતમાં એનર્જી ડ્રિંક અને સ્પોર્ટ્સ ડ્રિંક માર્કેટની સાઈઝ 4.7 અબજ ડોલર છે. જે વર્ષ 2028ના અંત સુધી 5.71 ટકા (CAGR)ના વાર્ષિક ગ્રોથ સાથે વધવાનો આશાવાદ છે.

મંત્રાલયે નોટિફિકેશનમાં કહ્યું કે, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ અધિનિયમ 2005ની કલમ (3) અંતર્ગત રચાયેલી સમિતિએ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, આ પ્રોડક્ટ હેલ્ધી ડ્રિંકની પરિભાષાને અનુરૂપ નથી.

ઉલ્લેખનીય છે, હેલ્ધી ડ્રિંકને ફૂડ ખાદ્ય સુરક્ષા પ્રણાલી અધિનિયમ 2006 હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. આ પ્રકારની પ્રોડક્ટને 2 એપ્રિલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા એનર્જી ડ્રિંક કે હેલ્ધી ડ્રિંક શબ્દનો દુરપયોગ ન કરવા નિર્દેશ કર્યો હતો.

સુગરનું વધુ પ્રમાણ મળી આવતા નોટિસ

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગતવર્ષે બોર્નવિટા બનાવતી કંપની મોન્ડેલિજ ઈન્ટરનેશનલ ઈન્ડિયા લિ.ને નોટિસ પાઠવી હતી. જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, આ પ્રોડક્ટમાં મોટાપ્રમાણમાં સુગર મળી આવી હોવાની ફરિયાદ છે. તેમજ તેમાં સામેલ અમુક સામ્રગી બાળકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જેથી કંપનીને પોતાની પ્રોડક્ટની તમામ ભ્રામક જાહેરાતો, પેકેજિંગ અને લેબલની સમીક્ષા કરી પરત લેવા આદેશ આપ્યો હતો.

આ પ્રકારના પાવડર કેટલા સુરક્ષિત

બોર્નવિટા સહિતના એનર્જી ડ્રિંક અને એનર્જી પાવડર બાળકો માટે વાસ્તવમાં આરોગ્યપ્રદ છે કે નહિં, તેમાં પૂરતા પોષણ મળે છે કે નહિં તે અંગે નિષ્ણાતે જણાવ્યું છે કે, ચોકલેટ પાવડરમાં નુકસાન પર કોઈ ખાસ રિસર્ચ થયુ નથી. જો તેમાં પૂરતા પોષક તત્વો અને સારી ગુણવત્તાને આધિન બનાવવામાં આવ્યું હોય તો તેનાથી કોઈ ખાસ નુકસાન થતુ નથી. જો કે, વધુ પડતું સુગરનુ પ્રમાણ બાળકોને નુકસાન કરી શકે છે.

આ પ્રોડક્ટ્સને હેલ્ધી કેટેગરીમાંથી હટાવવા નિર્દેશ

એફએસએસએઆઈએ તમામ ઈ-કોમર્સ કંપનીઓને ડેરી આધારિત, અનાજ આધારિત અને મિલેટ આધારિત ડ્રિંકિંગ પ્રોડક્ટ્સને હેલ્ધી કે એનર્જી ડ્રિંક રૂપે લેબલ ન કરવા આદેશ કર્યો હતો.  એનર્જી ડ્રિંક શબ્દનો ઉપયોગ માત્ર કાર્બોનેટેડ અને નોન-કાર્બોનેટેડ પીણા આધારિત સ્વાદયુક્ત પ્રોડક્ટ માટે થાય છે.


Google NewsGoogle News