વૈશ્વિક બજારોમાં 'બ્લેક ફ્રાઈડે' : શેરોમાં ઐતિહાસિક તેજીને બ્રેક

- સેન્સેક્સ ૮૮૬ પોઈન્ટ તૂટીને ૮૦૯૮૨ : નિફટી ૨૯૩ પોઈન્ટ ગબડીને ૨૪૭૧૮ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાં

- બીએસઇમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૪.૪૬ લાખ કરોડનું ધોવાણ : FPIs/FIIની રૂ.૩૩૧૦ કરોડની ચોખ્ખી વેચવાલી

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
વૈશ્વિક બજારોમાં 'બ્લેક ફ્રાઈડે' : શેરોમાં ઐતિહાસિક તેજીને બ્રેક 1 - image


જાપાનનો નિક્કી ૨૨૧૭ પોઈન્ટ તૂટયો 

મુંબઈ : વૈશ્વિક શેર બજારોમાં  આજે બ્લેક ફ્રાઈડે સર્જાયો હતો. એક તરફ ઈઝરાયેલ-ઈરાન વચ્ચે હમાસ મામલે યુદ્વનું ટેન્શન વધી રહ્યું છે, ત્યારે બીજી તરફ બેંક ઓફ જાપાન દ્વારા વ્યાજ દરમાં આશ્ચર્યજનક વધારો કરવામાં આવતાં અને યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા યથાવત રાખવામાં આવ્યા છતાં સપ્ટેમ્બરમાં ઘટાડો કરવાના આપેલા સંકેત અને બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજ દરમાં કરાયેલા ઘટાડાની અસર નહીં થઈ વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક ધબડકો બોલાઈ ગયો હતો. જાપાનના  ટોક્યો શેર બજારમાં વર્ષ ૨૦૧૧ના સુનામી બાદના સૌથી મોટા કડાકામાં આજે નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ આજે ૨૨૧૬.૬૩ પોઈન્ટ ૫.૮૧ ટકા તૂટી જવા સાથે ટોપીક્સ ઈન્ડેક્સ ૧૬૬ પોઈન્ટ ૬.૧૪ ટકા ગબડી ગયા હતા. આ સાથે બે દિવસમાં ૯ ટકાથી વધુ કડાકો બોલાઈ ગયો હતો. વૈશ્વિક બજારો પાછળ ફોરેન ફંડો ભારતીય શેર બજારોમાં ફરી વેચવાલ બન્યા સામે લોકલ ફંડોની શેરોમાં ખરીદી રહી હતી.

યુરોપ, એશીયાના બજારોમાં ગાબડાં

યુરોપ, અમેરિકાના બજારોમાં પણ ધોવાણ પાછળ ભારતીય શેર બજારોમાં આજે ઐતિહાસિક તેજીને બ્રેક લાગી કડાકો બોલાઈ ગયો હતો. ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ ફ્રન્ટલાઈન શેરોમાં હેમરીંગે સેન્સેક્સ ૮૮૫.૬૦ પોઈન્ટ તૂટીને ૮૦૯૮૧.૯૫ અને નિફટી ૫૦ સ્પોટ ૨૯૩.૨૦ પોઈન્ટ ગબડીને ૨૪૭૧૭.૭૦ બંધ રહ્યા હતા.સેન્સેક્સના પ્રમુખ તૂટનાર શેરોમાં મારૂતી સુઝુકી ૪.૬૩ ટકા, ટાટા મોટર્સ ૪.૧૭ ટકા, વિપ્રો ૩.૭૫ ટકા, જેએસડબલ્યુ સ્ટીલ ૩.૯૨ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૨.૮૪ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૮૪ ટકા, ટીસીએસ ૨.૫૬ ટકા, ટેક મહિન્દ્રા ૨.૧૨ ટકા, એચસીએલ ટેકનોલોજી ૧.૮૪ ટકા  ગબડયા હતા.

વૈશ્વિક બજારોમાં આજે બ્લેક ફ્રાઈડે બની સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. એશીયા-પેસેફિક દેશોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્સ ૨૨૧૬.૬૩ પોઈન્ટ તૂટીને ૩૫૯૦૯.૭૦, ટોપીક્સ ૧૬૬.૦૯ પોઈન્ટ તૂટીને ૨૫૩૭.૬૦, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૩૪.૮૮ પોઈન્ટ ઘટીને ૩૩૮૪.૩૯ રહ્યા હતા. જ્યારે યુરોપમાં સાંજે જર્મનીનો ડેક્ષ ૨૭૦ પોઈન્ટનો કડાકો, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૫૪ પોઈન્ટનો ઘટાડો અને લંડન શેર બજારનો ફુત્સી ૧૬ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.

૨૪૨૩૫ મજબૂત સપોર્ટ

ટેકનીકલી હવે નિફટી સ્પોટમાં નજીકના દિવસોમાં નવી લોંગ પોઝિશન માટે ૨૪૯૫૭ ઉપર નિફટી બંધ જરૂરી હોવાનું દર્શાવાઈ રહ્યું છે. નિફટી સ્પોટમાં ૨૪૨૩૫ મજબૂત સપોર્ટ બતાવાઈ રહ્યો છે.

ઓટો ઈન્ડેક્સ ૧૭૭૨ તૂટયો 

જાપાનના ટોક્યો શેર બજારમાં મંદીના કડાકા વચ્ચે ઓટોમોબાઈલ શેરોમાં આજે ફંડોએ હેમરીંગ કરી તેજીનો મોટો વેપાર હળવો કરવા લાગતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૭૭૨.૪૩ પોઈન્ટ ગબડીને ૫૭૯૪૨.૨૮ બંધ રહ્યો હતો. ટાટા મોટર્સ રૂ.૪૭.૭૦ તૂટીને રૂ.૧૦૯૬.૯૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૦.૪૫ તૂટીને રૂ.૨૭૪૮.૭૫, એમઆરએફ રૂ.૨૦૬૮.૪૫ તૂટીને રૂ.૧,૩૮,૧૫૧.૫૦, બજાજ ઓટો રૂ.૧૧૬.૩૦ તૂટીને રૂ.૯૬૧૭.૮૫, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૩૯.૭૫ તૂટીને રૂ.૪૦૪૮.૦૫ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ શેરો ગબડયા

કેપિટલ ગુડઝ શેરોમાં પણ જાણે કે તેજીના વળતાં પાણી થયા હોય એમ આજે કડાકો બોલાઈ ગયો હતો. હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૧૬.૭૦ તૂટીને રૂ.૪૬૯૫.૨૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૮૭.૮૦ ઘટીને રૂ.૭૫૭૯.૬૫, કાર્બોરેન્ડમ રૂ.૩૯.૧૦ ઘટીને રૂ.૧૬૬૮.૩૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૭૩.૦૪ પોઈન્ટ તૂટીને ૭૩૪૭૮.૧૧ બંધ રહ્યો હતો.

મેટલ ઈન્ડેક્સ ૯૮૫ પોઈન્ટ ગબડયો

ચાઈનાની આર્થિક સ્થિતિ સતત પડકારરૂપ રહેતાં અને ચાઈનાએ આઈએમએફ દ્વારા પ્રસ્તાવિત એક ટ્રીલિયન ડોલરના હાઉસીંગ બચાવ પેકેજને નકારતાં મેટલ-માઈનીંગ ક્ષેત્રે માંગ સ્થિતિ નબળી રહેવાના અંદાજોએ મેટલ શેરોમાં પણ કડાકો બોલાઈ ગયો હતો. હિન્દાલ્કો રૂ.૨૫.૩૫ ઘટીને રૂ.૬૪૮.૩૦, ટાટા સ્ટીલ રૂ.૪.૮૫ ઘટીને રૂ.૧૫૮.૨૦, કોલ ઈન્ડિયા રૂ.૧૫.૭૫ ઘટીને રૂ.૫૨૪.૫૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૫.૩૦ ઘટીને રૂ.૯૫૭.૯૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૯૮૫.૦૮ પોઈન્ટ તૂટીને ૩૧૯૦૦.૩૩ બંધ રહ્યો હતો.

પ્રોપર્ટી ક્ષેત્રે મંદીના એંધાણ

પ્રોપર્ટી માર્કેટમાં મહાનગરોમાં ઓવર સપ્લાયની સ્થિતિ સર્જાવા લાગી હોઈ મંદીના એંધાણ વચ્ચે ભાવો ઘટવા લાગ્યાના  અહેવાલે આજે રિયાલ્ટી શેરોમાં કડાકો બોલાઈ ગયો હતો. ફિનિક્સ મિલ્સ એક શેર એક બોનસ જાહેર થવા છતાં રૂ.૧૪૨.૪૫ તૂટીને રૂ.૩૪૬૫.૧૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૧૨૬.૯૫ ઘટીને રૂ.૩૦૦૦.૯૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૫૫.૩૦ ઘટીને રૂ.૧૬૯૯, મેક્રોટેક ડેવલપર્સ રૂ.૩૪.૮૫ ઘટીને રૂ.૧૨૩૭.૭૫ રહ્યા હતા.

શેરોમાં રોકાણકારોની સંપતિ ઘટી

આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૪.૪૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૭.૧૬ લાખ કરોડ રહી ગયું હતું.

DIIની રૂ.૨૯૬૬ કરોડની ખરીદી

એફઆઈઆઈઝની આજે  શુક્રવારે કેશમાં શેરોમાં રૂ.૩૩૧૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૯૬૫.૯૪ કરોડની ચોખ્ખી વેચવાલી  થઈ હતી. 

sensex

Google NewsGoogle News