Get The App

બિટકોઈનમાં ઝડપથી આગળ વધતી તેજીઃ 94000 ડોલરની સપાટી કૂદાવી

- ડોનાલ્ડ ટ્રમ્પની કંપની દ્વારા ક્રિપ્ટો ટ્રેડિંગ ફર્મને ખરીદવાની હિલચાલથી ક્રિપ્ટોકરન્સી માર્કેટને નવું બળ

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
બિટકોઈનમાં ઝડપથી આગળ વધતી તેજીઃ  94000 ડોલરની સપાટી કૂદાવી 1 - image


મુંબઈ : અમેરિકાના નિયુકત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સોશ્યલ મીડિયા કંપની ક્રિપ્ટો ટ્રેડિંગ ફર્મને ખરીદવા માટે વાટાઘાટ કરી રહી હોવાના અહેવાલ વચ્ચે બિટકોઈન છેલ્લા ચોવીસ કલાકમાં ઉછળી પ્રથમ જ વખત ૯૪૦૦૦ ડોલરની સપાટી પાર કરી ગયો હતો. 

ટ્રમ્પની કંપનીની આ હિલચાલથી ટ્રમ્પ વહીવટીતંત્ર ક્રિપ્ટોકરન્સીસ માર્કટ માટે સાનુકૂળ નીતિ તૈયાર કરશે તેવી અપેક્ષાને ટેકો મળ્યો છે. 

અમેરિકાના પ્રમુખપદે ટ્રમ્પના પુનરાગમન બાદ બિટકોઈનમાં ચાલીસ ટકા ઉછાળો આવ્યો છે અને વર્તમાન ૨૦૨૪ના પ્રારંભથી બિટકોઈનનો ભાવ બમણો થઈ ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનનો ભાવ ઉપરમાં  ૯૪૦૩૮ ડોલર જોવાયો હતો. જ્યારે નીચામાં ૯૧૦૭૨ ડોલર થઈ મોડી સાંજે ૯૩૩૦૦ ડોલર કવોટ કરાતો હતો. 

અન્ય ક્રિપ્ટોસ એથરમ વધી ૩૧૨૮ ડોલર, એકસઆરપી ૧.૧૦ ડોલર, ડોજકોઈન ૦.૩૯ ડોલર મુકાતા હતા. ક્રિપ્ટોસની વૈશ્વિક માર્કેટ કેપ ૩.૦૮ ટ્રિલિયન ડોલર રહી હતી. 

ટ્રુથ સોશ્યલ ચલાવતા ટ્રમ્પ મીડિયા અને ટેકનોલોજી જુથ ક્રિપ્ટો ટ્રેડિંગ પેઢી બક્કત ખરીદવા વાટાઘાટ કરી રહ્યું હોવાના અહેવાલોએ બિટકોઈનમાં રેલી આગળ ધપાવી હતી. 

ટ્રમ્પના શાસનમાં ક્રિપ્ટોકરન્સીસમાં નિયમનકારી ધોરણો ઓછા રહેશે જે બજાર માટે સાનુકૂળ બની રહેવાની ક્રિપ્ટોસના ખેલાડીઓ અપેક્ષા રાખી રહ્યા છે. પાંચમી નવેમ્બર જ્યારથી ટ્રમ્પનો વિજય થયો છે ત્યારથી ક્રિપ્ટોકરન્સીસમાં રેલી જોવા મળી રહી છે.

અમેરિકામાં સિક્યુરિટીસ એન્ડ એકસચેન્જ કમિશન (એસઈસી)ના વડાને બદલવાની પણ ટ્રમ્પ દ્વારા હિલચાલ શરૃ કરી દેવાયાના અહેવાલે ક્રિપ્ટો માર્કટને ટેકો મળ્યો હતો. 



Google NewsGoogle News