બિટકોઈન 1 લાખ ડોલર નજીક! એક માસમાં 40 ટકા ઉછળી ફરી નવી ઐતિહાસિક ટોચે
Bitcoin All time High: બિટકોઈન ઈટીએફમાં વોલ્યૂમ વધતાં બિટકોઈનમાં અંધાધૂધ તેજી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં બિટકોઈન 5.50 ટકાથી વધુ ઉછળી 98342.13ની રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. ક્રિપ્ટો માર્કેટમાં બિટકોઈન સંબંધિત અન્ય ક્રિપ્ટોમાં પણ આકર્ષક ઉછાળો નોંધાતા માર્કેટ વોલ્યૂમ 206.67 અબજ ડોલર વધ્યા છે. આ સાથે ક્રિપ્ટો માર્કેટની માર્કેટ કેપ 3.2 લાખ કરોડે આંબી છે.
બિટકોઈન કેશમાં 18 ટકાનો ઉછાળો
બ્લેકરોક દ્વારા નાસડેક પર બિટકોઈન ઈટીએફ લોન્ચ થયા બાદ પાંચ નવેમ્બરે બિટકોઈન ઓપ્શન્સ ઈટીએફ શરૂ થતાં જ બિટકોઈનમાં તેજી આવી છે. જેમાં ટ્રેડિંગ વોલ્યૂમ 1.9 અબજ ડોલરની રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. પરિણામે બિટકોઈનની પેટા કરન્સી બિટકોઈન કેશ 18.31 ટકા ઉછળી 522.29 ડોલરે ટ્રેડ થઈ રહી છે. બિટકોઈન મોંઘો થતાં સંસ્થાકીય રોકાણકારો અને ક્રિપ્ટો ટ્રેડર્સ બિટકોઈન કેશ તરફ ડાયવર્ટ થયા હોય તેવુ ક્રિપ્ટો નિષ્ણાતોએ જણાવ્યું છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં આરોપ બાદ અદાણીનો મોટો નિર્ણય, 600 બિલિયન ડોલરનો બોન્ડ ઈશ્યૂ રદ કરવાની જાહેરાત
ટ્રમ્પની જીતથી ક્રિપ્ટો માર્કેટને ફાયદો
ટ્રમ્પની જીતથી ક્રિપ્ટો માર્કેટને ફાયદો થયો છે. છેલ્લા 14 દિવસમાં બિટકોઈન 30 ટકા જ્યારે એક માસમાં 40 ટકા ઉછળ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ડિજિટલ કરન્સીના સમર્થનમાં હોવાથી તેઓ સુધારાત્મક નીતિઓ ઘડશે તેવા આશાવાદ સાથે રોકાણકારો ક્રિપ્ટોમાં રોકાણ વધારી રહ્યા છે. મજબૂત સંસ્થાકીય રોકાણ અને ટેક્નિકલ ગ્રોથના પગલે બિટકોઈન ઝડપથી 1 લાખ ડોલરની સપાટી ક્રોસ કરશે, અને ત્યારબાદ માર્કેટ માહોલ સકારાત્મક રહ્યો તો 2025માં 2 લાખ ડોલરે પહોંચવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે.