ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગથી બિટકોઈનમાં સપ્તાહના પ્રારંભમાં ઘટાડો
- અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠક તથા ફુગાવાના આંક પર બજારની નજર
મુંબઈ : ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા મુખ્ય ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં ગયા સપ્તાહમાં આવેલો ઉછાળો સપ્તાહના પ્રારંભમાં આંશિક ધોવાઈ ગયો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનમાં ૪૦૦૦ ડોલર સુધીની અફડાતફડી જોવા મળી હતી. બિટકોઈનની પાછળ એથરમના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૪૦૪૬૭ ડોલર જ્યારે ઉપરમાં ૪૪૦૬૯ ડોલર વચ્ચે અથડાઈ મોડી સાંજે ૪૨૨૬૨ ડોલર મુકાતો હતો. એથરમ પણ ૮૦ ડોલર ઘટી ૨૨૪૯ ડોલર મુકાતો હતો.
અમેરિકાના ફુગાવાના આંકડા તથા ૨૦૨૩ની ફેડરલ રિઝર્વની અંતિમ બેઠક પર રોકાણકારોની નજર રહેલી છે. ફુગાવાનો આંક ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ક્યારે ઘટાડો કરશે તેના સંકેત આપશે.
અમેરિકામાં લેબર માર્કેટ મજબૂત આવતા ફેડરલ રિઝર્વ ૨૦૨૪ના પ્રારંભિક સમયમાં વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી શકયતા હવે ઘટી ગઈ છે.
વર્તમાન વર્ષમાં બિટકોઈનમાં ૧૫૦ ટકાથી વધુનો વધારો થયો છે, પરંતુ ૨૦૨૧માં જોવા મળેલી ૬૯૦૦૦ ડોલરની સપાટીથી તે હજુ ઘણો પાછળ છે.
ક્રિપ્ટોકરન્સીઝની વૈશ્વિક માર્કેટ કેપ પણ ઘટી ૧.૫૮ ટ્રિલિયન ડોલર રહી હતી.