Bitcoin એ 100000 ડોલરની સપાટી કૂદાવી બનાવ્યો રેકોર્ડ, ટ્રમ્પ-પુતિનને કારણે થયું શક્ય?
Bitcoin Crossed USD 1 lakh Crores Level: ક્રિપ્ટોમાર્કેટમાં છેલ્લા બે સપ્તાહના બ્રેક બાદ ફરી પાછી તેજી પુરજોશમાં આવી છે. આજે વહેલી સવારે બિટકોઈન 1 લાખ ડોલરની રેકોર્ડ સપાટી કુદાવી 1,03,900 ડોલર થયો હતો. હાલ, 7.47 ટકા ઉછાળે 103258.40 ડોલરની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.
છેલ્લા એક વર્ષમાં દોઢ ગણુ રિટર્ન
ક્રિપ્ટો માર્કેટે ફરી એકવાર રિટર્ન મામલે શેરબજાર, ગોલ્ડ, કોમોડિટી માર્કેટને પાછળ પાડ્યા છે. છેલ્લા એક વર્ષમાં બિટકોઈનમાં દોઢ ગણુ રિટર્ન છૂટ્યું છે. બિટકોઈન તેની વાર્ષિક લો 38521.89 ડોલર સામે 169.71 ટકા વધી 103900.47 ડોલરની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે.
ક્રિપ્ટોકરન્સીમાં ઉછાળા પાછળનું કારણ
- SECના નવા અધ્યક્ષ પદે પોલ એટકિંસની નિમણૂકની સકારાત્મક અસર
- પુતિને બિટકોઈન કે અન્ય વર્ચ્યુઅલ કરન્સી પર કોઈપણ પ્રતિબંધ ન લાદવાની જાહેરાત કરી
- ક્રિપ્ટોના સમર્થક ડોનાલ્ડ ટ્રમ્પની શપથ વિધિ પહેલાં જ રોકાણકારોએ રોકાણ વધાર્યું
- બિટકોઈન ઈટીએફમાં છેલ્લા એક વર્ષમાં 32 અબજ ડોલરનું રોકાણ
આ પણ વાંચોઃ સેબીની કડકાઈ અને નબળા રિટર્નને પગલે IPOમાં રોકાણકારોનો રસ ઓછો થયો
SECના નવા અધ્યક્ષ પોલ એટકિંસ
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્ર પ્રમુખ પદે શપથ લીધા પહેલાં જ ક્રિપ્ટો માર્કેટ પ્રત્યે સકારાત્મક ફેરફારો થતાં જોવા મળ્યા છે. પોલ એટકિંસને SECના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેઓ ક્રિપ્ટો કરન્સી માટે સકારાત્મક નિર્ણયો લઈ શકે છે. અગાઉના ગેરી જેન્સલરે ડિજિટલ એસેટ પર આકરા નિયમો ઘડ્યા હતા. વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પની નિમણૂક ક્રિપ્ટો કરન્સી માટે અનુકૂળ છે.
પુતિનના નિર્ણયની અસર
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં આર્થિક મંચ પર જાહેરાત કરી કે, બિટકોઈન તથા અન્ય વર્ચ્યુઅલ કરન્સી પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નહીં લાદે. વિશ્વના ટોચના નેતાઓમાં સામેલ પુતિનની આ જાહેરાતથી બિટકોઈનમાં તેજીનું ઘોડાપુર આવ્યું છે. બીજી તરફ અમેરિકામાં ટ્રેડેડ બિટકોઈન ઈટીએફમાં આ વર્ષે રોકાણ અનેકગણું વધ્યું છે. છેલ્લા એક વર્ષમાં 32 અબજ ડોલરનું રોકાણ નોંધાયુ છે. આ સાથે ક્રિપ્ટો કરન્સીની માર્કેટ કેપ 3.68 લાખ કરોડ ડોલરે પહોંચી છે.