Get The App

બિટકોઇન ઐતિહાસિક ઊંચાઈએઃ જાણો એક લાખ ડૉલરની સપાટી કૂદાવી તે પાછળના પાંચ મહત્ત્વના કારણ

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
બિટકોઇન ઐતિહાસિક ઊંચાઈએઃ જાણો એક લાખ ડૉલરની સપાટી કૂદાવી તે પાછળના પાંચ મહત્ત્વના કારણ 1 - image


Bitcoin Price : સૌથી જૂની અને સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી એવો બિટકોઇન ગુરુવારે પહેલી વાર 100000 અમેરિકન ડૉલરનો આંક પાર કરી ગયો હતો. ક્યારેક જેના ભવિષ્ય વિશે જ શંકા કરાતી હતી એવા બિટકોઇનમાં આવેલી આ તેજીના મૂળમાં 5 પરિબળો રહેલા છે. ચાલો જાણીએ કે બિટકોઇનને ઐતિહાસિક ઊંચાઈ પર લઈ જનારા એ 5 પરિબળો કયા છે. સાથે એ પણ જાણીએ કે ભારતમાં ક્રિપ્ટોકરન્સી કાયદેસર છે કે નહીં.

1...ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન મળ્યું

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડિજીટલ કરન્સીને સમર્થન આપવાનું અને એના માટે અનુકૂળ વાતાવરણ સર્જવાનું તથા અમેરિકાને વિશ્વના ‘ક્રિપ્ટો કેપિટલ’માં ફેરવવાનું વચન આપ્યું છે, જેને લીધે બિટકોઇનમાં અભૂતપૂર્વ ઊછાળ જોવા મળ્યો છે. તાજેતરમાં ટ્રમ્પે ક્રિપ્ટો સમર્થક પૉલ એટકિન્સને ‘સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન’(SEC)ના અધ્યક્ષ પદે નિયુક્ત કર્યા, જેને લીધે વિશ્વભરમાં ક્રિપ્ટોકરન્સી પ્રત્યે વિશ્વાસનું વાતાવરણ સર્જાય એવો માહોલ બન્યો છે. પૉલ એટકિન્સ રિસ્ક કન્સલ્ટન્સી ફર્મ ‘પેટોમાક ગ્લોબલ પાર્ટનર્સ’ના સ્થાપક છે, જે બૅંકો, ટ્રેડિંગ કંપનીઓ અને ક્રિપ્ટોકરન્સી ઈન્ડસ્ટ્રીઝની કંપનીઓને સેવા આપે છે. 

2...ટ્રમ્પની પોતાની કંપનીને ક્રિપ્ટો સેક્ટરમાં રસ જાગ્યો છે 

ટ્રમ્પની પોતાની સોશિયલ મીડિયા કંપની ‘ટ્રમ્પ મીડિયા ઍન્ડ ટૅક્નોલોજી ગ્રૂપ’ ક્રિપ્ટો ટ્રેડિંગ ફર્મ ‘બક્ત’(Bakkt)ને ખરીદી લેવા માટે વાટાઘાટો કરી રહી હોવાના અહેવાલ આવ્યા છે, એને લીધે પણ બિટકોઇનમાં રોકાણને વધુ વેગ મળ્યો.

3...અમેરિકન કોંગ્રેસમાં ક્રિપ્ટો તરફી ધારાશાસ્ત્રીઓનો પ્રવેશે

ટ્રમ્પની જીતને પગલે 'હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ' અને 'સેનેટ'ની બનેલી અમેરિકન કોંગ્રેસમાં ક્રિપ્ટો તરફી ધારાશાસ્ત્રીઓનો પ્રવેશ થયો છે, જેમણે અમેરિકાનું ક્રિપ્ટોકરન્સીનું વૈશ્વિક હબ બનાવવાના ટ્રમ્પના વિઝનને સમર્થન આપ્યું છે. ટ્રમ્પે પોતાના વહીવટીતંત્રમાં ક્રિપ્ટોના સમર્થક એવા હોવર્ડ લ્યુટનીક અને ઈલોન મસ્કનો પણ સમાવેશ કર્યો છે.

4...દક્ષિણ કોરિયામાં રાજકીય ડ્રામા

ફક્ત પશ્ચિમી દેશો જ નહીં, ક્રિપ્ટોની ઉથલપાથલ પર એશિયાના દેશોમાં થતી ગતિવિધિઓ પણ અસર કરતી હોય છે. આ ક્ષેત્રે તાજેતરમાં આવેલો ઊછાળ દક્ષિણ કોરિયામાં ભજવાયેલા રાજકીય નાટકને પણ આભારી છે. ત્યાં રાષ્ટ્રપ્રમુખ યુન સુક યેઓલ દ્વારા માર્શલ લોની આશ્ચર્યજનક ઘોષણા કરવામાં આવી હતી, પણ પછી સંસદસભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કરતાં ફક્ત છ કલાકની અંદર તેને હટાવી લેવાયો હતો. હવે વિપક્ષ તેમના રાજીનામાની માંગ કરી રહ્યો છે અને તેમના મહાભિયોગ માટે દબાણ કરી રહ્યો છે. દેશના સંરક્ષણ પ્રધાન આ કટોકટીને કારણે રાજીનામું આપી દીધું છે.

5...અન્ય દેશોનો હકારાત્મક પ્રતિભાવ

અમેરિકાએ ક્રિપ્ટોકરન્સીને બંને હાથે વધાવવાનું શરૂ કર્યું એટલે એની વિશ્વસનીયતા વધી છે, જેને પરિણામે ચીન, બ્રાઝિલ, રશિયાએ પણ ક્રિપ્ટોમાં રસ દાખવ્યો છે. તાજેતરમાં ચીને વ્યક્તિગત ક્રિપ્ટો માલિકી પરના નિયંત્રણો હટાવ્યા છે. બ્રાઝિલ અને રશિયા પણ અનામત માટે બિટકોઇન પર વિચાર કરી રહ્યા છે. મોટામોટા દેશો આ દિશામાં હકારાત્મક વલણ અખત્યાર કરશે તો બિટકોઇન સહિત અન્ય ક્રિપ્ટોકરન્સી પણ વધુ સધ્ધર થશે. 

આ પણ વાંચો : Bitcoinએ 100000 ડૉલરની સપાટી કૂદાવી બનાવ્યો રેકોર્ડ, ટ્રમ્પ-પુતિનને કારણે થયું શક્ય?

શું ભારતમાં બિટકોઇન કાયદેસર છે?

ફક્ત બિટકોઇન જ નહીં, તમામ ક્રિપ્ટોકરન્સી ભારતમાં કાયદેસર છે. અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પણ સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટોકરન્સીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.   

ભારતમાં કાયદા અને નિયમો કડક છે

  • જોકે, ભારતમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત કરવેરા કાયદા (taxation laws) અને નિયમો કડક છે. 
  • ‘વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતો’ (VDAs) માંથી થતા નફા પર 30 % જેવો ધરખમ ટેક્સ ચૂકવવો પડે છે. 50,000 રૂપિયાથી વધુના દરેક વ્યવહાર પર 1 % ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS)નો લાગે છે. 
  • TDS કુલ વેચાણની રકમ પર લાગુ થાય છે, પછી ભલે નફો થયો હોય કે નહીં. રિફંડ મેળવવા માટે આવકવેરા રિટર્ન (ITR) માં એની વિગતો દર્શાવવી પડે છે.
  • એક પ્રકારના VDAથી બીજા પ્રકારના નુકસાનને સરભર કરવું પણ શક્ય નથી. ઉદાહરણ તરીકે, ઈથરિયમમાં ટ્રેડિંગથી થતા નુકસાનનો ઉપયોગ બિટકોઇનમાં ટ્રેડિંગથી થતા લાભને સરભર કરવા માટે કરી શકાતો નથી.

આ પણ વાંચો : ભારત પર વિદેશી દેવું વધીને 647 અબજ ડૉલર પાર, લાંબા ગાળાની ઉધારી સાત ટકા વધી

બિટકોઇનમાં રોકાણ આ રીતે કરી શકાય 

બિટકોઇનમાં રોકાણ કરવા માટે સૌપ્રથમ પ્રમાણિત ક્રિપ્ટો એક્સચેન્જ પસંદ કરીને, KYC વિગતો સાથે તમારી નોંધણી કરાવો. પછી બેંક ટ્રાન્સફર જેવી સલામત સિસ્ટમનો ઉપયોગ કરીને ભંડોળ જમા કરાવો. અસ્કયામતોને સુરક્ષિત ક્રિપ્ટો વૉલેટમાં રાખીને એનો વેપાર કરવો. ટેક્સ નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જરૂરી છે. 

ક્રિપ્ટો ટ્રેડિંગના જોખમો પણ ઘણા છે

કિંમતોની અસ્થિર પ્રકૃતિને કારણે ક્રિપ્ટો ટ્રેડિંગ અત્યંત જોખમી છે. એમાં હેકિંગ થઈ શકે છે અને કૌભાંડો પણ. નિયમનકારી ફેરફારોને કારણે પણ ક્રિપ્ટોકરન્સી કડડભૂસ થઈ શકે છે.

ભારતમાં આગામી સમયમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ આવી જાય તોય નવાઈ નહીં, કેમ કે સરકાર RBIની પોતાની અલગ ‘સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી’ (સીબીડીસી) માર્કેટમાં લાવવા વિશે વિચારી રહી છે.

આ પણ વાંચો : ઓનલાઇન ખરીદીના શોખીનો માટે કામના સમાચાર

Bitcoin

Google NewsGoogle News