બિટકોઈનમાં 8 ટકાનો કડાકો ભાવ 88000 ડોલરની અંદર
- ટેરિફ બાબતે ટ્રમ્પના પુનરોચ્ચાર બાદ
- અમેરિકાની ચૂંટણીં બાદ ક્રિપ્ટોમાં આવેલો ઊભરો સમી ગયો
મુંબઈ : ચીન પર અમેરિકાના ઈન્વેસ્ટમેન્ટ પ્રતિબંધોને લઈને ઊભી થયેલી ચિંતાની અસર ક્રિપ્ટોકરન્સીસ માર્કેટ પર જોવા મળી હતી અને બ્લ્યુચીપ ક્રિપ્ટો બિટકોઈનની આગેવાની હેઠળ સોલાના, એકસઆરપી, એથરમ સહિતની ક્રિપ્ટોકરન્સીસમાં મોટા ગાબડાં પડયાનું જોવા મળ્યું હતું. ટ્રમ્પના વિજય બાદ ક્રિપ્ટો માર્કેટમાં આવેલો ઉછાળો સમી ગયો છે.
૯૫૦૦૦ ડોલરની સપાટીએ લાંબા સમય સુધી સ્થિર રહ્યા બાદ બિટકોઈને મંગળવારે ૮૮,૦૦૦ ડોલરની સપાટી ગુમાવી હતી. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનનો ભાવ નીચામાં ૮૭૮૨૦ ડોલર સાથે ત્રણ મહિનાની નીચી સપાટીએ જોવા મળ્યો હતો.
છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઉપરમાં ૯૬૧૨૯ ડોલર અને નીચામાં ૮૭૮૨૦ ડોલર જોવા મળી મોડી સાંજે ૮૭૯૦૦ ડોલર મુકાતો હતો. અન્ય ક્રિપ્ટો એથરમનો ભાવ ૨૩૭૭ ડોલર, એકસઆરપી ૨.૧૧ ડોલર, એથરમ ૨૩૮૦ ડોલર, સોલાના ૧૩૩ ડોલર મુકાતા હતા. ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ ઘટી ૨.૯૮ ટ્રિલિયન ડોલર રહી હતી.
કેનેડા તથા મેક્સિકો પર ટેરિફ જાહેર થયેલી તારીખ પ્રમાણે વસૂલવાનું શરૂ કરાશે એટલું જ નહીં મુખ્ય ક્ષેત્રોમાં ચીનના ઈન્વેસ્ટમેન્ટસ પરના અંકૂશો પણ આગળ વધશે તેવા ટ્રમ્પના નિવેદન બાદ ક્રિપ્ટો માર્કટસમાં ખેલાડીઓનું માનસ ખરડાયું હતું.
આ ઉપરાંત અમેરિકાના મુખ્ય આર્થિક ડેટા જેમ કે નબળા રિટેલ વેચાણ, કન્ઝયૂમર કોન્ફિડેન્સમાં ઘટાડો તથા ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં મંદીના અહેવાલે પણ બજાર પરનો વિશ્વાસ ડગમગાવી દીધો છે.
કેનેડા તથા મેક્સિકો પર ટેરિફના પુનરોચ્ચારથી બજારમાં ગભરાટ ફેલાયો છે. વૈશ્વિક સ્તરે નાણાં પૂરવઠામાં ઘટાડાની પણ બજાર પર અસર જોવા મળી રહી છે.અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ બિટકોઈન ૧,૦૮,૦૦૦ ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો હતો. ટ્રમ્પ ક્રિપ્ટોકરન્સીસની તરફેણમાં હોવાથી તેઓ ક્રિપ્ટો માર્કેટ માટે સાનુકૂળ નીતિ લાવશે તેવી ધારણાંએ બિટકોઈનમાં ઉછાળો આવ્યો હતો.
જો કે સત્તાગ્રહણ કર્યા બાદ ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી ક્રિપ્ટોસ માટે ખાસ નીતિ જાહેર કરવામાં નહીં આવતા બજારમાં અસમંજસની સ્થિતિ ઊભી થયાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.