Get The App

પિંક ટેક્સ : દેશની મહિલાઓને શા માટે આપવો પડે છે આ ટેક્સ? જાણો વિગતવાર

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
પિંક ટેક્સ : દેશની મહિલાઓને શા માટે આપવો પડે છે આ ટેક્સ? જાણો વિગતવાર 1 - image


Pink Tax on Women: સામાન્ય રીતે ઈન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ અને GST જેવા ટેક્સ વિશે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે પિંક ટેક્સ વિશે ક્યારેય સાંભળ્યું છે? આમ જોઈએ તો પિંક ટેક્સ એ સરકાર દ્વારા લેવામાં આવતો કોઈ ઓફિશિયલ ટેક્સ નથી. પરંતુ આ ટેક્સ કંપનીઓ દ્વારા માત્ર મહિલા પાસેથી વસૂલવામાં આવે છે. તો જાણીએ શું છે પિંક ટેક્સ અને કેવી રીતે તે લેવામાં આવે છે.

પિંક ટેક્સ શા માટે ચર્ચામાં છે?

મહિલાઓ દ્વારા જે પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, તેના પર પિંક ટેક્સ લગાવવામાં આવે છે. ભારતીય ફાર્માસ્યુટિકલ જાયન્ટ બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શોએ સોશિયલ મીડિયા પર પિંક ટેક્સ અંગે પોસ્ટ કરી છે. જે હાલ ખૂબ વાયરલ છે. ત્યારબાદ જ આ પિંક ટેક્સ બાબતે ચર્ચાઓ શરુ થઇ છે. જો કે પિંક ટેક્સ વૈશ્વિક મુદ્દો છે. કિરણે પોતાની પોસ્ટમાં મીડિયા પર્સનાલિટી ડૉ.સંજય અરોરાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમના વિડીયોમાં ડો.સંજયએ મહિલાઓ અને પુરૂષોના ઉત્પાદનોના ભાવમાં તફાવત દર્શાવ્યો છે.

પિંક ટેક્સ શું છે?

પિંક ટેક્સ કોઈ સામાન્ય ટેક્સ નથી. ખાસ કરીને કોઈ પ્રોડક્ટ મહિલાઓ માટે બનાવવામાં આવતી હોય ત્યારે એવું કહી શકાય કે આ ટેક્સ લિંગ ભેદ દર્શાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવો ટેક્સ છે કે જે મહિલાઓ તેમનાં માટે બનાવવામાં આવતી પ્રોડક્ટ માટે ચૂકવતી હોય છે. 

કેવી રીતે વસૂલવામાં આવે છે આ ટેક્સ?

સામાન્ય રીતે મેકઅપની વસ્તુઓ, નેઇલ પેઇન્ટ, લિપસ્ટિક, આર્ટિફિશિયલ જ્વેલરી, સેનિટરી પેડ્સ વગેરેની કિંમત ઘણી વધુ હોય છે. આ સિવાય એક પ્રોડક્ટ્સ કે જે મહિલાઓ તેમજ પુરુષો બંને દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે જેમકે પરફ્યુમ, પેન, બેગ, હેર ઓઈલ, રેઝર અને કપડાં વગેરેની કિંમત મહિલાઓ પુરુષોના પ્રમાણમાં વધુ ચૂકવે છે. એટલે કે આ પ્રોડક્ટ્સ બનાવતી કંપની એક જ હોવા છતાં તેની કિંમત અલગ અલગ હોય છે. આ ઉપરાંત સલૂનમાં પણ વાળ કાપવા માટે, મહિલાઓને પુરુષો કરતાં વધુ પૈસા ચૂકવવા પડે છે. પિંક ટેક્સ આ રીતે વસૂલવામાં આવે છે.

પિંક ટેક્સ પાછળ બજાર

લોકો સામાન્ય રીતે એવું માનતા હોય છે કે મહિલાઓ પોતાની સુંદરતા પ્રત્યે ઘણી સભાન હોય છે. આથી તેઓ પુરુષોના પ્રમાણમાં પર્સનલ કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ વધુ કરે છે. જેનો ફાયદો આ કંપનીઓ ઉઠાવે છે. તેઓ આ પ્રોડક્ટ્સને સારું પેકેજિંગ અને માર્કેટિંગ દ્વારા તે ખરીદવા માટે મહિલાઓને આકર્ષિત કરે છે. તો આમ જોવા જઈએ તો સમાન પોઝીશન માટે કામ કરતા મહિલા અને પુરુષની સેલેરીમાં પુરુષ વધુ સેલેરી મેળવે છે પણ આ પિંક ટેક્સની બાબતમાં મહિલાઓ પુરુષના પ્રમાણમાં વધુ ટેક્સ ચૂકવે છે. 

પિંક ટેક્સએ વૈશ્વિક સમસ્યા છે

પિંક ટેક્સ માત્ર ભારતીય મુદ્દો નથી. યુએસ અને યુકેના રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે નિયમિતપણે મહિલાઓની પર્સનલ કેર વસ્તુઓ પુરૂષો કરતાં વધુ મોંઘી હોય છે. આ સિવાય ડ્રાય ક્લિનિંગ જેવી સેવાઓ પણ મહિલાઓના કપડા માટે વધુ ચાર્જ વસૂલ કરે છે.

મજુમદાર-શોએ પિંક ટેક્સ અંગે ગ્રાહકોને શક્તિશાળી સંદેશ આપ્યો હતો. તેણે કહ્યું, "પિંક ટેક્સ! એ શરમજનક લિંગ પૂર્વગ્રહ છે. મહિલાઓએ આવા ઉત્પાદનોથી દૂર રહેવું જોઈએ. મહિલાઓએ આ કંપનીઓનો બહિષ્કાર કરવો જોઈએ."

પિંક ટેક્સ : દેશની મહિલાઓને શા માટે આપવો પડે છે આ ટેક્સ? જાણો વિગતવાર 2 - image


Google NewsGoogle News