EPFOના 7 કરોડ યુઝર્સ માટે મોટું અપડેટ, PF ખાતાના નિયમો બદલાયા, જાણી લો શું થયા ફેરફાર
Image Source: Twitter
EPFO Rule Change: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO)એ કર્મચારીઓના PF ખાતા અંગે નવા નિયમો જાહેર કર્યા છે. આ ફેરફાર તમામ PF ખાતાધારકો માટે છે. જો તમે પણ એક PF એકાઉન્ટ હોલ્ડર છો તો તમારા માટે આ નિયમ રજૂ કરવામાં આવ્યા છે. EPFO એ PF ખાતામાં તેની વિગતો સુધારવા અને અપડેટ કરવા માટે કેટલાક નવા નિયમો રજૂ કર્યા છે. ચાલો જાણીએ કે, EPFO દ્વારા કયા નિયમોને રજૂ કરવામાં આવ્યા છે?
EPFOએ નામ, જન્મ તારીખ જેવી અંગત માહિતી સુધારવા માટે નવી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર (SOP) ગાઇડલાઇન જાહેર કરી છે. જે હેઠળ સભ્યોની પ્રોફાઇલ અપડેટ કરવા માટે SOP વર્ઝન 3.0ને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આ નવા નિયમ બાદ UAN પ્રોફાઇલમાં અપડેટ અથવા સુધારા માટે દસ્તાવેજો આપવા પડશે. આ સાથે જ ડિક્લેરેશન આપીને પણ અરજી કરી શકો છો.
EPFOએ પોતાની ગાઇડલાઇનમાં કહ્યું કે, ઘણી વાર જોઈ શકાય છે કે, અનેક પ્રકારની ભૂલો હોય છે જે સુધારવા માટે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પરેશાની ડેટા અપડેટ ન થવાના કારણે થાય છે. આવી સ્થિતિમાં આ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.
બે કેટેગરીમાં થશે ફેરફાર
નવી ગાઇડલાઇન પ્રમાણે નવા નિર્દેશ હેઠળ EPFOએ પ્રોફાઇલમાં થનારા ફેરફારને મેજર અને માઇનર કેટેગરીમાં વહેંચ્યા છે. માઇનર ફેરફારો માટે સંયુક્ત ઘોષણા રિકવેસ્ટ સાથે ઓછામાં ઓછા બે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. બીજી તરફ મોટા એટલે કે, મેજર સુધારા માટે ઓછામાં ઓછા ત્રણ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. તેમાં ફિલ્ડ કાર્યાલયમાં સભ્યોની પ્રોફાઇલને અપડેટ કરવામાં વધુ સાવચેતી રાખવા માટે જણાવ્યું છે. જેથી કોઈ પણ પ્રકારની ગડબડ અથવા છેતરપિંડી ન થઈ શકે.
બીજી તરફ મોટા ફેરફારો માટે ઓછામાં ઓછા ત્રણ જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. એ ધ્યાન રાખવું જરૂરી છે કે, આધાર સંબંધિત ફેરફારોના કિસ્સામાં આધાર કાર્ડ અથવા એક્ટિવ મોબાઇલ નંબર સાથે લિંક કરેલ ઈ-આધાર કાર્ડ સહાયક દસ્તાવેજ તરીકે પૂરતો હશે.
કયા ફેરફાર માટે કેટલા દસ્તાવેજ
- નાના ફેરફાર માટે દસ્તાવેજોની યાદીમાંથી ઓછામાં ઓછા બે દસ્તાવેજોની જરૂર છે.
- મોટા ફેરફાર માટે દસ્તાવેજોની યાદીમાં ઓછામાં ઓછા ત્રણ દસ્તાવેજોની જરૂર છે.
તમને જણાવી દઈએ કે, EPF સભ્યો પાસે મેમ્બર ઈ-સર્વિસ પોર્ટલ દ્વારા સુધારણા માટે સંયુક્ત ડિક્લેરેશન રજૂ કરવાનો વિકલ્પ છે. એ ધ્યાન રાખવું મહત્તવપૂર્ણ છે કે, વર્તમાન એમ્પ્લોયર દ્વારા મેનેજ કરવામાં આવી રહેલા EPF ખાતા સંબંધિત ડેટામાં જ સુધારા કરી શકાય છે. એમ્પ્લોયરો પાસે અગાઉના અથવા અન્ય સંસ્થાઓના EPF ખાતામાં કોઈપણ ફેરફાર કરવાનો અધિકાર નથી. EPFOએ કહ્યું કે સદસ્યને પોતાના રજિસ્ટર્ડ પોર્ટલ પર લોગિન કરી, દસ્તાવેજો સાથે જોડી અરજી જમા કરાવવાની જવાબદારી રહેશે.