વૈશ્વિક બજારોમાં મંદીનો મહાકડાકો : સેન્સેક્સમાં 2222 પોઈન્ટનું ગાબડું

- નિફટી ૬૬૨ પોઈન્ટ ખાબકી ૨૪૦૫૫ : ૪, જૂન બાદનું સૌથી મોટું ગાબડું :

- તેજીના અતિરેકનો અંત : સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપકગાબડાં

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
વૈશ્વિક બજારોમાં મંદીનો મહાકડાકો : સેન્સેક્સમાં 2222 પોઈન્ટનું ગાબડું 1 - image


અમેરિકામાં મંદીના એંધાણ, ઈઝરાયેલ-ઈરાન યુદ્વની તૈયારી, બાંગ્લાદેશમાં તખ્તા પલટાની અસર 

મુંબઈ : ઈઝરાયેલા અને ઈરાન, લેબનોન વચ્ચે મહાસંગ્રામની તૈયારી અને પડોશી દેશ બાંગ્લાદેશમાં તખ્તા પલટો થતાં તેમ જ અમેરિકાના રોજગારીના ચિંતાજનક આંકડાએ અમેરિકામાં મંદીમાં સરી પડવાની દહેશત વચ્ચે આજે વૈશ્વિક શેર બજારોમાં મંદીનો મહા કડાકો બોલાઈ જઈ બ્લેક મન્ડે સર્જાયો હતો. જેમાં સૌથી વધુ ભંગાણ જાપાનના ટોક્યો શેર બજારોમાં ૧૩ ટકા જેટલું એક દિવસમાં નોંધાયું હતું. ભારતીય શેર બજારોમાં પણ લાંબાસમયથી એટલે કે લોકસભા ચૂંટણીના ૪, જૂનના પરિણામ બાદથી શરૂ થયેલી વિક્રમી તેજીના દોરમાં આખરે મોટો ઉથલો કરાવી ફંડો, મહારથીઓએ હેમરીંગ કરી શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાવી દીધો હતો. 

૪, જૂન બાદનો સૌથી મોટો કડાકો 

સેન્સેક્સ આગલા બંધ ૮૦૯૮૧.૯૫ સામે આજે ઈન્ટ્રા-ડે ૨૬૮૬.૦૯ પોઈન્ટ તૂટીને નીચામાં ૭૮૨૯૫.૮૬  સુધી આવી અંતે ૨૨૨૨.૫૫ પોઈન્ટ ગબડીને ૭૮૭૫૯.૪૦ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ પણ આગલા બંધની તુલનાએ આજે ઈન્ટ્રા-ડે ૮૨૪ પોઈન્ટ ખાબકીને નીચામાં ૨૩૮૯૩.૭૦ સુધી આવી અંતે ૬૬૨.૧૦ પોઈન્ટ ગબડીને ૨૪૦૫૫.૬૦ બંધ રહ્યો હતો. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી આજે માત્ર બે શેરો હિન્દુસ્તાન યુનિલિવર અને નેસ્લે ઈન્ડિયા પોઝિટીવ રહ્યા હતા. જ્યારે નિફટી ૫૦ના ૫૦ શેરોમાંથી પાંચ શેરો હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા, ટાટા કન્ઝયુમર, બ્રિટાનીયા, એચડીએફસી લાઈફ પોઝિટીવ રહ્યા હતા. આમ ૪, જૂન ૨૦૨૪ બાદનો આજે સેન્સેક્સ, નિફટીમાં મોટો કડાકો બોલાયો હતો. એ દિવસે સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૬૦૫૧.૩૫ પોઈન્ટ તૂટીને અંતે ૪૩૮૯.૭૩ પોઈન્ટ તૂટીને ૭૨૦૭૯.૦૫ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ટ્રા-ડે ૧૯૮૨.૪૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૨૧૨૮૧.૪૫ સુધી આવી અંતે ૧૩૭૯.૪૦ પોઈન્ટ ઘટીને ૨૧૮૮૪.૫૦ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૦૩૫ તૂટયો 

કેપિટલ ગુડઝ શેરોમાં પાછલા દિવસોમાં આક્રમક વિક્રમી તોફાની તેજીનો અતિરેક જોવાયા બાદ ધબડકાની તીવ્રતા પણ આકરી જોવાઈ હતી.ભારત ફોર્જ રૂ.૧૦૪.૨૦ તૂટીને રૂ.૧૫૫૦.૯૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૩૮.૪૦ તૂટીને રૂ.૩૫૨૭.૯૫, હનીવેલ ઓટોમેશન રૂ.૧૩૮૪.૬૫ પોઈન્ટ તૂટીને ૫૨૫૦૦.૫૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૦૫.૧૦ ઘટીને રૂ.૪૫૯૦.૧૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૦૩૪.૬૪ પોઈન્ટ તૂટીને ૭૦૪૪૩.૪૭ બંધ રહ્યો હતો.

ઓટો ઈન્ડેક્સ ૨૦૮૬ પોઈન્ટ ખાબક્યો 

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ વ્યાપક મોટા ગાબડાં પડયા હતા. મધરસન સુમી રૂ.૧૭.૮૦ તૂટીને રૂ.૧૭૫.૫૫, ટાટા મોટર્સ રૂ.૮૦.૨૫ તૂટીને રૂ.૧૦૧૬.૬૫, બોશ રૂ.૧૫૫૦.૬૫ તૂટીને રૂ.૩૨૩૪૬.૪૫, મારૂતી સુઝુકી રૂ.૫૩૦.૭૦ તૂટીને રૂ.૧૨,૨૦૦.૨૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૯.૯૫ ઘટીને રૂ.૨૬૭૮.૮૦, રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૦૮૫.૭૭ પોઈન્ટ તૂટીને ૫૫૮૫૬.૫૧ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ધોવાણ

બેંકિંગ શેરોમાં પણ ફંડોએ આજે વ્યાપક વેચવાલી કરી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગત સપ્તાહમાં નબળા ત્રિમાસિક પરિણામ જાહેર થતાં શેર રૂ.૩૬.૮૦ તૂટીને રૂ.૮૧૧.૧૦ રહ્યો હતો. એચડીએફસી બેંક રૂ.૪૪.૪૦ તૂટીને રૂ.૧૬૧૫.૧૫, કેનેરા બેંક રૂ.૫.૨૫ ઘટીને રૂ.૧૦૫.૨૫, એક્સિસ બેંક રૂ.૨૭.૬૫ ઘટીને રૂ.૧૧૩૩.૪૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૩.૭૫ ઘટીને રૂ.૧૧૭૨.૭૦, યશ બેંક રૂ.૧.૯૧ તૂટીને રૂ.૨૩.૫૪ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૫૪૫.૬૨ પોઈન્ટ તૂટીને ૫૬૯૪૧.૪૭ બંધ રહ્યો હતો.

આઈટી શેરો ગબડયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ આજે મોટું ધોવાણ થયું હતું. ટીસીએસ રૂ.૧૨૭.૭૦ તૂટીને રૂ.૪૧૫૫.૩૦, કોફોર્જ રૂ.૧૮૧.૭૦ તૂટીને રૂ.૫૯૦૦, ઈન્ફોસીસ રૂ.૭૦ તૂટીને રૂ.૧૭૫૧.૪૦, વિપ્રો રૂ.૧૬.૮૦ ઘટીને રૂ.૪૮૫.૨૦, ટેક મહિન્દ્રા રૂ.૫૪.૨૫ ઘટીને રૂ.૧૪૫૬.૨૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૪૨૯.૯૮ પોઈન્ટ તૂટીને ૩૯૨૦૦.૬૯ બંધ રહ્યો હતો.

રિલાયન્સ રૂ.૧૦૪ તૂટીને રૂ.૨૮૯૫

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોએ મોટું ઓફલોડિંગ કરતાં રૂ.૧૦૩.૭૫ તૂટીને રૂ.૨૮૯૪.૭૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩૬.૩૦ તૂટીને રૂ.૮૬૩.૫૫, ટાટા સ્ટીલ રૂ.૮.૪૦ ઘટીને રૂ.૧૪૯.૮૦, પાવર ગ્રીડ કોર્પ રૂ.૧૫ ઘટીને રૂ.૩૪૩,બજાજ ફાઈનાન્સ રૂ.૧૩૦ ઘટીને રૂ.૬૫૯૫.૧૫, ભારતી એરટેલ રૂ.૨૭.૭૫ ઘટીને રૂ.૧૪૬૬ રહ્યા હતા. જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર,રૂ.૨૨.૪૦ વધીને રૂ.૨૭૧૫.૯૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૧૫.૩૦ વધીને રૂ.૨૫૦૯.૬૫ રહ્યા હતા.

સ્મોલ કેપ, મિડ કેપ ઈન્ડેક્સ તૂટયા 

સ્મોલ, મિડ કેપ, બી ગુ્રપ, રોકડાના સંખ્યાબંધ શેરોમાં પેનીક સેલિંગ સાથે ઓછા વોલ્યુમે આજે ભાવોમાં ધબડકો બોલાઈ જતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૮૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૪૧૪ અને વધનારની સંખ્યા ૬૬૪  રહી હતી. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૨૨૯૭.૮૭ પોઈન્ટ તૂટીને ૫૨૩૩૧.૪૨ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ૧૭૧૮.૫૦ પોઈન્ટ તૂટીને ૪૫૯૫૬.૭૩ બંધ રહ્યા હતા.

રોકાણકારોની સંપતિનું ધોવાણ

શેરોમાં આજે સાર્વત્રિક ધબડકો બોલાઈ જતાં અનેક શેરોમાં કડાકાએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧૫.૨૨ લાખ કરોડ ધોવાઈ જઈને રૂ.૪૪૧.૮૪ લાખ કરોડ રહી ગયું હતું.

વૈશ્વિક બજારો પર છવાયેલા મંદીના વાદળો 

વૈશ્વિક બજારોમાં આજે સાર્વત્રિક મંદીનો કડાકો બોલાઈ ગયો હતો. જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૨.૪૦ ટકા એટલે કે ૪૪૫૧.૨૮ પોઈન્ટ તૂટીને ૩૧૪૫૮.૪૨ રહ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ ૨૪૭.૧૫ પોઈન્ટ તૂટીને ૧૬,૬૯૮.૩૬ બંધ રહ્યો હતો. ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૪૧.૦૭ પોઈન્ટ ઘટીને ૩૩૪૩.૩૨ રહ્યો હતો. યુરોપના બજારોમાં સાંજે ચાલુ બજારે લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ સાંજે ૨૨૯ પોઈન્ટ, જર્મનીનો ડેક્ષ ૫૬૮ પોઈન્ટ, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૧૮૧ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. અમેરિકી બજારોમાં સાંજે ફયુચર્સમાં ડાઉ જોન્સમાં ૧૨૩૫ પોઈન્ટનો કડાકો અને નાસ્દાકમાં ૧૦૮૫ પોઈન્ટનો કડાકો બતાવતા હતા

સેન્સેક્સના ૨૨૨૨ પોઈન્ટના  કડાકામાં રિલાયન્સનો સૌથી વધુ ૩૦૭ પોઈન્ટ હિસ્સો

કંપનીનું નામ

શેરનો ભાવ

વધઘટ

પોઈન્ટમાં

-

(૦૫-૦૮-૨૪)

(રૃ.માં)

હિસ્સો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

રૃ.૨૮૯૪.૭૦

-૧૦૩.૭૫

૩૦૭.૧૦

એચડીએફસી બેંક

રૃ.૧૬૧૫.૧૫

-૪૪.૪૦

૨૯૨.૫૧

ઈન્ફોસીસ લિમિટેડ

રૃ.૧૭૫૧.૪૦

-૭૦

૨૨૧.૨૮

આઈસીઆઈસીઆઈ

રૃ.૧૧૭૨.૭૦

-૨૩.૭૫

૧૪૬.૧૨

લાર્સન એન્ડ ટુબ્રો

રૃ.૩૫૨૭.૯૫

-૧૩૮.૪૦

૧૪૧.૫૫

ટાટા મોટર્સ લિ.

રૃ.૧૦૧૬.૬૫

-૮૦.૨૫

૧૨૩.૭૩

સ્ટેટ બેંક ઈન્ડિયા

રૃ.૮૧૧.૧૦

-૩૬.૮૦

૧૨૩.૬૦

ટાટા કન્સલ્ટન્સી

રૃ.૪૧૫૫.૩૦

-૧૨૭.૭૦

૧૧૩.૨૩

એક્સિસ બેંક લિ.

રૃ.૧૧૩૩.૪૫

-૨૭.૬૫

૬૮.૦૧

ભારતી એરટેલ

રૃ.૧૪૬૬.૦૦

-૨૭.૭૫

૬૪.૭૭

મારૃતી સુઝુકી લિ.

રૃ.૧૨,૨૦૦

-૫૩૦.૩૦

૬૧.૩૦

પાવર ગ્રીડ કોર્પ

રૃ.૩૪૨.૮૦

-૧૫.૨૦

૬૦.૬૩

Sensex

Google NewsGoogle News