Get The App

સોનાની આયાત ગણતરીમાં મોટો છબરડો: નવેમ્બરની આયાત 53 ટન ઘટી

- ઈતિહાસમાં પહેલી જ વખત કોઈ કોમોડિટીના આયાત અંદાજમાં મોટા ફેરબદલ કરાતા દેશની વેપાર ખાધના આંકડા પણ બદલાઈ જશે

- સોનાની આયાત અંદાજની ગણતરીમાં પાંચ અબજ ડોલરની ભૂલ

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
સોનાની આયાત ગણતરીમાં મોટો  છબરડો:  નવેમ્બરની આયાત 53 ટન ઘટી 1 - image


મુંબઈ : ૨૦૨૪ના નવેમ્બર તથા જાન્યુઆરીની સોનાની આયાત અંદાજની ગણતરીમાં મોટો છબરડો બહાર આવ્યો છે અને સરકારે જારી કરેલા નવેસરના ડેટામાં આયાતમાં જંગી ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડાને કારણે દેશની વેપાર ખાધના આંકડા પણ બદલાઈ જશે.

ગત વર્ષના જાન્યુઆરીથી નવેમ્બરના ગાળા માટે સોનાની આયાત અંદાજના આંકડામાં સરકારે જોરદાર ઘટાડો કર્યો છે. ઈતિહાસમાં કોઈ કોમોડિટીના આયાત અંદાજમાં આ પહેલી વખત આટલો મોટો સુધારો કરાયો છે. નવેમ્બરની સોનાની આયાતનો આંક મૂલ્યની દ્રષ્ટિએ જે અગાઉ ૧૪.૮૦ અબજ ડોલર મુકાયો હતો તેમાં પાંચ અબજ ડોલર ઘટાડી ૯.૮૪ અબજ ડોલર કરાયો  છે. નવેમ્બરની ગોલ્ડની આયાત જે અગાઉ ૧૭૦ ટન મુકાઈ હતી તે હવે ઘટાડી ૧૧૭ ટન કરાઈ છે. 

જુલાઈમાં ગણતરીની પદ્ધતિ બદલાતા વેરહાઉસમાં આવેલા સોનાનું કાઉન્ટિંગ બે વખત થઈ જતા આ છબરડો થયાનું ચર્ચાઈ રહ્યું છે. જાન્યુઆરીથી નવેમ્બરના ગાળા માટે આયાત અંદાજ જે પહેલા ૭૯૬ ટન મુકાયા હતા તે ૧૩૨ ટન ઘટાડી હવે ૬૬૪ ટન મુકાયો છે. ડબલ કાઉન્ટિંગને કારણે અગાઉ મોટા આંક આવી પડયા  હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 

ઓકટોબરમાં સોનાનું આયાત મૂલ્ય ૭.૧૩ અબજ ડોલર રહ્યું હતું ત્યારે નવેમ્બરના ઊંચા આંક સામે બજારમાં આશ્ચર્ય ફેલાયું હતું. આયાત આંકમાં સુધારો આવી પડતા દેશની એકંદર વેપાર ખાધમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે એમ સરકારી સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. 

૨૦૨૪ના પ્રથમ અગિયાર મહિનામાં સોનાનું એકંદર આયાત બિલ હવે ૪૭ અબજ ડોલર થવા જાય છે, જે  સંપૂર્ણ ૨૦૨૩માં જોવા મળેલા ૪૨.૬૦ અબજ ડોલર કરતા ઘણું વધુ છે. 

અગાઉ જ્યારે ડેટા જાહેર કરાયા હતા ત્યારે ઊંચી આયાત માટે સોનાની માગમાં વધારો તથા રિઝર્વ બેન્ક દ્વારા ખરીદીમાં વૃદ્ધિને કારણભૂત ગણાવાઈ હતી.  ગયા વર્ષના બજેટમાં સોના પરની આયાત ડયૂટી ૧૫ ટકા પરથી ઘટાડી છ ટકા કરાતા અને ભૌગોલિકરાજકીય તાણને કારણે સોનામાં રોકાણ વધી રહ્યાનું પણ જણાવાતું હતું.

વિશ્વમાં ભારત સોનાનો બીજો મોટો વપરાશકાર દેશ છેઅને ઘરઆંગણે માગને પહોંચી વળવા તેણે આયાત પર નિર્ભર રહેવું પડે છે. સામાન્ય રીતે ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં દશેરા-દિવાળીના તહેવારો તથા લગ્નસરાની મોસમ પડતી હોવાથી આ ગાળામાં દેશમાં સોનાની માગ ઊંચી રહે છે.

ભારતની ગોલ્ડ આયાત મોટેભાગે સ્વિત્ઝરલેન્ડ, યુએઈ, આફ્રિકાના દેશો તથા પેરુ ખાતેથી થાય છે. ૨૦૨૪ના વર્ષમાં ભારતમાં ઈક્વિટી કરતા ગોલ્ડના રોકાણ પર સારુ વળતર મળ્યું હતું. ગયા વર્ષે સોના પર ૨૭ ટકા વળતર છૂટયું હતું. 


Google NewsGoogle News