નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ: બજેટ પહેલા PF મુદ્દે સરકારનો મોટો નિર્ણય
Provident Fund : કેન્દ્ર સરકાર દ્વારા બજેટ પહેલા 7 કરોડથી વધુ PF ધારકોને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત ગુરુવારે કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના (EPFO) એટલે કે PF ની રકમના વ્યાજમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. ફેબ્રુઆરીમાં EPFO એ નાણાકીય વર્ષ 2023-24 માં 8.25 ટકા વ્યાજના દરની જાહેરાત સામે નાણા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની જાહેરાત બાદ નાણા મંત્રાલયની મંજૂરી
નાણાકીય વર્ષ 2023-24 માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે (CBT) ફેબ્રુઆરી 2024 માં PF ના વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં CBT ના નિર્ણય પર નાણા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ, EPFO એ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ શેર કરતાં જણાવ્યું હતું કે, ગત વર્ષે 8.15 ટકા વ્યાજદરની સામે 2023-24 વર્ષ માટે 8.25 ટકા વ્યાજદર અંગેની જાહેરાત મે 2024 માં કરવામાં આવી હતી. જેની સામે હવે માત્ર કર્મચારીઓના ખાતામાં PF ની રકમ જમા થવાની રાહ છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2021-22 માં 8.10 ટકા વ્યાજદર હતું.
2022 માં 1977-78 પછીનું સૌથી ઓછું વ્યાજદર કરાયું
માર્ચ 2022 માં EPFO એ આશરે 7 કરોડ જેટલાં કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો હતો. જેમાં નાણાકીય વર્ષ 2020-21 ના 8.5 ટકા વ્યાજદરમાં ઘટાડો કરીને 2021-22 માં 8.1 ટકા વ્યાજદર કરવામાં આવ્યું હતું. જેમાં EPF ના વ્યાજદરમાં કપાત થતાં 1977-78 પછીનું સૌથી ઓછું વ્યાજ થયું હતું. જેમાં નાણાકીય વર્ષ 1977-78 માં EPF માં વ્યાજદર 8 ટકા હતું. આ પછી માર્ચ 2021 માં CBT દ્વારા 2020-21 માટે EPF ડિપોઝિટ પર 8.5 ટકા વ્યાજદર નક્કી કરવામાં આવ્યું હતું.
2013 થી 2020 સુધીમાં પણ વ્યાજદર વધ-ઘટ થયેલી
માર્ચ 2020 માં EPFO એ 2019-20 માટે EPF ડિપોઝિટ પર 8.5 ટકા વ્યાજદર કરવામાં આવ્યું હતું. EPFO એ તેના કર્મચારીઓને 2016-17 માં 8.65 ટકા અને 2017-18 માં 8.55 ટકા વ્યાજદર આપ્યું હતું. આ દરમિયાન વર્ષ 2015-16 માં વ્યાજદર થોડું વધારે 8.8 ટકા હતું. આ સાથે EPFO એ 2013-14 ની સાથે-સાથે 2014-15 માં પણ 8.75 ટકા વ્યાજદરમાં વધારો કર્યો હતો.
PF માં કઈ રીતે વ્યાજદર મળે છે.
નોંધનીય છે કે, EPFO એ ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના PF ખાતા પર દર વર્ષે વ્યાજદરની જાહેરાત કરે છે. જેમાં EPFO એ સાથે આશરે 7 કરોડ કર્મચારીઓ જોડાયેલાં છે. વ્યાજદરની પ્રક્રિયામાં સૌપ્રથમ EPFO માં નિર્ણય લેવામાં આવે છે, ત્યારબાદ અંતિમ મંજૂરી નાણા મંત્રાલાય દ્વારા આપવામાં આવે છે. જેમાં વર્ષમાં 31 માર્ચના દિવસે તેનું વ્યાજદર ચૂંકવવામાં આવે છે.