ક્રેડિટ કાર્ડ દ્વારા બેફામ આર્થિક વહેવારો કરતાં ચેતજો, IT વિભાગ ટેક્સ લાગુ કરી નોટિસ મોકલી શકે
Credit Card Financial Transactions: પરમેનન્ટ એકાઉન્ટ નંબર સાથે જોડાયેલા ક્રેડિટ કાર્ડ પર કરવામાં આવતા દરેક આર્થિક વહેવારો પર આવકવેરા ખાતાના અધિકારીઓની સતત નજર રહેતી હોવાથી ક્રેડિટ કાર્ડ પર બેફામ ખર્ચ કરનારાઓએ ચેતતા રહેવાની જરૂરી છે. કેટલીકવાર આવકવેરા અધિકારીઓ ક્રેડિટ કાર્ડ પર કરેલી ખરીદીની રકમ પર આવકવેરો લાગુ કરી દે છે. આમ ક્રેડિટ કાર્ડના માઘ્યમથી કરવામાં આવેલી ઊંચા મૂલ્યની ખરીદીની વિગતો કરદાતા તેના ઇન્કમટેક્સના રિટર્નમાં ન દર્શાવવામાં આવે તો કરદાતાની તકલીફમાં વધારો થઈ શકે છે.
બીજા શબ્દોમાં કહીએ તો ક્રેડિટ કાર્ડના માઘ્યમથી ઊંચા મૂલ્યના આર્થિક વહેવારો કરવામાં આવે તો કરદાતાની વેરાની જવાબદારી વધી શકે છે. ક્રેડિટ કાર્ડ પર કરેલા ખર્ચાઓ અને તમે જાહેર કરેલી તમારી વાર્ષિક આવક વચ્ચે સમાનતા હોવી જરૂરી છે.
ક્રેડિટ કાર્ડના માઘ્યમથી ઊંચા મૂલ્યના આર્થિક વહેવારો કરવામાં આવે તો કરદાતાની વેરાની જવાબદારી વધી શકે
આવકવેરાનું રિટર્ન ફાઈલ કરતી વેળાએ કરદાતાએ તેના ક્રેડિટ કાર્ડના દરેક ખર્ચાઓની વ્યવસ્થિત વિગતો તેના રિટર્નમાં દર્શાવવી જરૂરી છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરેલો ખર્ચ રૂ. 1 લાખ કે રૂ. 10 લાખથી વધી જાય તેના પર આવકવેરા ખાતું ખાસ નજર રાખે છે. આ ખર્ચાઓ પર દેખરેખ રાખતી સિસ્ટમ તેની પાસે મોજૂદ છે. બેન્કોને, પોસ્ટ ઓફિસને કે પછી કંપનીઓને ક્રેડિટ કાર્ડથી મોટી રકમના આર્થિક વહેવારો થાય તેવા દરેક કિસ્સાઓની વિગતો આવકવેરા ખાતાને આપી દેવાની સૂચના આપી દેવામાં આવી છે.
તેને માટે અલગથી ફોર્મ 61-એ તૈયાર કરવામાં આવ્યું છે. આ ફોર્મ ક્રેડિટ કાર્ડ પર કરેલા મોટા ખર્ચાઓની વિગતો આપવા માટે ભરવું ફરજિયાત છે. આ વિગતો જે તે ક્રેડિટ કાર્ડ ધારક તેના આવકવેરાના રિટર્નમાં દર્શાવે છે કે નહિ તેના પર આવકવેરા ખાતું સતત નજર માંડીને બેસી રહે છે. આ ખર્ચાઓ આવકવેરાના રિટર્નમાં ન દર્શાવવામાં આવે તો આવકવેરા અધિકારીઓ તે વ્યક્તિના રિટર્નની વધુ બારીકાઈથી ચકાસણી કરે છે.
આમ તો પહેલી જૂન 2020થી ક્રેડિટ કાર્ડ પર કરવામાં આવેલા ઊંચા મૂલ્યના આર્થિક વહેવારો કરદાતાના વાર્ષિક ખર્ચના સ્ટેટમેન્ટ 26-એએસમાં રિફ્લેક્ટ થાય જ છે. તેનો ઉપયોગ કરીને હવે આવકવેરા અધિકારીઓ તે વિગતો કરદાતાના રિટર્નમાં રિફ્લેક્ટ થાય છે કે નહિ તેની કવાયત કરી રહ્યું છે. તેને આધારે કરદાતાઓને નોટિસ પણ પાઠવવામાં આવી રહી છે. 26-એએસમાં રિફ્લેક્ટ થતી માહિતી કરદાતાના રિટર્નમાં રિફ્લેક્ટ ન થતી હોવાનું જણાય ત્યારે તેને આ નોટિસ આપવામાં આવે છે. હા, આવકવેરાનું રિટર્ન ફાઈલ કરીને આ વિગતો ન છુપાવનારાઓને નોટિસ મળવાની સંભાવના ઓછી થઈ જાય છે. હા, કરદાતાની કુલ આવક જ 10 લાખ હોય અને તેનો ક્રેડિટ કાર્ડનો ખર્ચ જ વરસે દહાડે રૂ. 12થી 15 લાખનો થતો હોય તો તેવા સંજોગોમાં પણ આવકવેરા ખાતું કરદાતાને નોટિસ પાઠવી દે છે.
આ સંજોગોમાં વેરાની જવાબદારીમાંથી બચવા માટે ક્રેડિટ કાર્ડ ધારકે કોને માટે તે ખરીદી કરી તેની વિગતો આવકવેરા ખાતાને આપવાની રહે છે. આ વિગતો સંતોષજનક લાગે તો તેવા કિસ્સાઓમાં આવકવેરા અધિકારીઓ નોટિસ આપ્યા પછી વેરાની ડીમાન્ડ ઊભી કરતાં નથી. પરંતુ તેમાં કરદાતા નિષ્ફળ જાય તો તેને માથે વેરાની જવાબદારી આવી શકે છે. જોકે નાણાંકીય વર્ષ દરમિયાન ક્રેડિટ કાર્ડથી કરવામાં આવેલી ખરીદી રૂ. 2 લાખથી ઓછી હોય તો તેવા સંજોગોમાં કરદાતાને તકલીફ પડવાની સંભાવના ઓછી થઈ જાય છે.
કેટલાક લોકો શેરબજારમાં રોકાણ કરવા માટે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતાં હોવાનું જોવા મળે છે. તેને કારણે પણ વાર્ષિક આર્થિક વહેવારો વધી જતાં હોવાથી કરદાતાની આવકવેરો ભરવાની જવાબદારીમાં વધારો થઈ શકે છે. આવકવેરા અધિકારીઓની સ્ક્રૂટિનીમાં તમારા આર્થિક વહેવારો વધુ ઘ્યાનમાં આવે તો તમને નોટિસ મળવાની અને તમારી વેરાની જવાબદારી વધવાની સંભાવના વધી જાય છે. ક્રેડિટ કાર્ડથી એક જ ઝાટકે રૂ. 1 લાખથી વધુ રકમની ચૂકવણી કરવામાં આવે તો પણ તેની ચકાસણી આવકવેરા અધિકારીઓ કરે છે. આ સંજોગોમાં ક્રેડિટ કાર્ડથી અવિચારી ખરીદી કરવાથી કરદાતા દૂર રહે તે જ તેમના હિતમાં છે. ક્રેડિટ કાર્ડનો સમ્યક-સમતોલ ઉપયોગ તેમને આવકવેરા ખાતાની નજરથી બચાવી શકે છે.