આર્થિક સંકટમાં ફસાયેલી લોકપ્રિય ક્લોથિંગ બ્રાન્ડ 'બેનેટન' વિશ્વભરમાં 500 સ્ટોર્સને તાળા મારશે
Benetton Ready Close 500 Stores: ફેશન વર્લ્ડમાં એક સમયની અગ્રણી ઈટલીની બ્રાન્ડ બેનેટને વિશ્વભરમાંથી 500 સ્ટોર્સ બંધ કરવા જઈ રહી છે. જેમાં ઈટલીમાં સ્થિત તેના 202 જેટલા સ્ટોર્સને તાળા મારી દીધા છે. કંપનીએ બિઝનેસ રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે, છેલ્લા લગભગ બે દાયકાથી કંપની નુકસાની અને ખોટનો સામનો કરી રહી છે.
ગ્રૂપની ખોટ ઘટાડવાની યોજના
છેલ્લા ઘણા વર્ષોથી આર્થિક તંગીનો સામનો કરી રહેલી ક્લોથિંગ બ્રાન્ડ બેનેટને પોતાની ખોટ અને દેવાંમાં ઘટાડો કરવાની યોજના ઘડી છે. કંપનીએ 2025માં તેની કુલ ખોટ ગતવર્ષે 2024ની 11 કરોડ યુરોની તુલનાએ ઘટાડી 5 કરોડ યુરો કરવાનો લક્ષ્યાંક મૂક્યો છે. જેના ભાગરૂપે વિશ્વભરમાંથી 500 જેટલા સ્ટોર્સ બંધ કરવા જઈ રહી હોવાનું કંપનીના સીઈઓ ક્લાઉડિયો સ્ફોર્ઝાએ જણાવ્યું હતું. 2023માં પણ કંપનીએ 23 કરોડની ખોટ કરી હતી. સ્ફોર્ઝાએ જુલાઈ, 2024માં સીઈઓ પદ સંભાળ્યા બાદ બિઝનેસનું રિસ્ટ્રક્ચરિંગ કરી રહ્યા છે. જેમાં કોસ્ટ કટિંગના ભાગરૂપે માલિકીના સ્ટોર્સ બંધ કરવા પર ફોકસ કરવા ઉપરાંત બ્રાન્ડની સ્ટ્રેટેર્જીમાં ફેરફારો સહિતની કવાયત સામેલ છે.
1965માં શરૂ થઈ હતી બેનેટન બ્રાન્ડ
ફેશન વર્લ્ડમાં ઈટલીની ક્લોથિંગ બ્રાન્ડ બેનેટને 1965માં પ્રવેશ કર્યો હતો. જે તેના ગુણવત્તા, ટકાઉપણાં અને સંકલનના માપદંડો સાથે પ્રચલિત બની હતી. તેનુ સ્લોગન ‘ઓલ ધી કલર્સ ઓફ ધ વર્લ્ડ’ તેના કલેક્શનમાં વ્યાપક કલર્સની ઉપલબ્ધતા જ નહીં પરંતુ યુદ્ધ, જાતિય ભેદભાવ, એઈડ્સ જેવા સામાજિક મુદ્દાઓ પ્રત્યે પણ પ્રતિબદ્ધતા ધરાવતા હતા.
આ પણ વાંચોઃ દુબઈ જતાં લોકો માટે ગુડ ન્યૂઝ, અમદાવાદ-મુંબઈ માટે અમીરાત નવુ એરક્રાફ્ટ A350 શરૂ કરશે
ગ્રાહકોની બદલાતી વર્તૂણક સાથે તાળો મેળવવામાં નિષ્ફળ
બેનેટન વર્ષ 2000થી તેની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા સતત ગુમાવી રહી છે. તે ગ્રાહકોની બદલાતી ટેવો અને વર્તૂણક સાથે તાળો મેળવવામાં નિષ્ફળ જતાં માર્કેટ હિસ્સો ગુમાવી રહી હતી. તેમાં પણ તેનુ ફ્રેન્ચાઈઝી મોડલ નિષ્ફળ રહેતાં કંપનીની ખોટ વધી હતી. જેમાં તેનું નુકસાન 3 કરોડ યુરોથી વધ્યું હતું. નબળા મેનેજમેન્ટના કારણે 10 કરોડ યુરોથી વધુની ખોટ કરી હતી. આ ખોટમાં ઘટાડો કરવા ગતવર્ષે 200 સ્ટોર્સ બંધ કર્યા હતા. અને આ વર્ષના અંત સુધી વધુ 300 સ્ટોર્સ બંધ કરશે.
900થી વધુ કર્મચારીઓને હાંકી કાઢ્યા
ગતવર્ષે જુલાઈમાં કંપનીએ તેના 908 કર્મચારીઓને હાંકી કાઢવાનો નિર્ણય લીધો હતો. જેમને છ મહિનાની વોલેન્ટરી બેનિફિટ આપી બરતરફ કર્યા હતા. તેઓને 50 હજાર યુરોનું વળતર પણ આપ્યું હતું. આ સાથે બેનેટને ગેરેંટી આપી હતી કે, આગામી ત્રણ વર્ષ સુધી તે કોઈ છટણી કરશે નહીં.