Get The App

ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતાં પહેલા જરૂર ચેક કરો આ 8 દસ્તાવેજ, છેલ્લી ઘડીએ નહીં કરવી પડે દોડાદોડ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતાં પહેલા જરૂર ચેક કરો આ 8 દસ્તાવેજ, છેલ્લી ઘડીએ નહીં કરવી પડે દોડાદોડ 1 - image


Image: Freepik

Income Tax Return: ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો સમય શરૂ થઈ ચૂક્યો છે. આઈટીઆર ફાઈલ કરતી વખતે ટેક્સપેયર્સને ઘણા દસ્તાવેજોની જરૂર પડે છે. પરંતુ ઘણી વખતે અંતિમ સમયે ખબર પડે છે કે તેમાંથી અમુક કે કોઈ એક ડોક્યુમેન્ટ તેમની પાસે નથી. પરંતુ તમે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની પ્રક્રિયાની વચ્ચે આવતી એવી મુશ્કેલીઓથી બચવા માગો છો તો તમામ જરૂરી દસ્તાવેજ પહેલેથી જમા કરીને રાખી લો. આમ તો દરેક ટેક્સપેયરને પોતાની આવક અને આર્થિક લેવડદેવડના હિસાબથી કંઈક અલગ-અલગ ડોક્યુમેન્ટ આપવા પડી શકે છે પરંતુ અમુક એવા મુખ્ય દસ્તાવેજ છે, જેની જરૂર મોટાભાગના લોકોને પડે છે. 

1. પાન કાર્ડ

ઈન્કમ ટેક્સ રિટર્ન ભરનાર તમામ લોકો માટે રિટર્ન ફાઈલ કરતી વખતે કે આવકવેરા ચલણ ભરતી વખતે પોતાનો કાયમી એકાઉન્ટ નંબર આપવો જરૂરી હોય છે. ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 139A(5) હેઠળ આવું કરવું જરૂરી છે.

2. આધાર કાર્ડ

પાન નંબરની સાથે જ ઈન્કમ ટેક્સ પેયર્સ માટે પોતાનું આધાર કાર્ડ બનાવીને પોતાના રિટર્નમાં તેની ડિટેલ આપવી પણ જરૂરી છે. આ સાથે જ આધાર કાર્ડને પોતાના પાનકાર્ડ સાથે લિંક પણ કરવાનું હોય છે. ઈન્કમ ટેક્સ રિફંડ મેળવવા માટે આવું કરવું જરૂરી છે.

3. ફોર્મ 16/ફોર્મ 16A

જો તમે નોકરી કરો છો, તો આઈટીઆર ફાઈલ કરવા માટે તમારી પાસે પોતાના એમ્પ્લોયર તરફથી જારી કરવામાં આવેલું ફોર્મ 16 હોવું પણ જરૂરી છે. આ ફોર્મમાં તમારા વેતન અને તેની પર કપાયેલા ટીડીએસની ડિટેલ હોય છે. જો તમારી આવકમાં વેતન સિવાય બેન્કથી મળનાર વ્યાજ, પ્રોફેશનલ ફી તરીકે મળેલી રકમ કે કોઈ અન્ય સ્ત્રોતથી થનારી આવક પણ સામેલ છે, તો તેની પર કાપવામાં આવેલા ટીડીએસનું સર્ટિફિકેટ પણ તમારી પાસે હોવું જોઈએ, જેને ફોર્મ 16A કહે છે. ફોર્મ 16A તમારા બેન્ક કે પેમેન્ટ કરનાર સંસ્થાની તરફથી જારી કરવામાં આવે છે.

4. ફોર્મ 26AS

રિટર્ન ફાઈલ કરતી વખતે તમારી પાસે ફોર્મ 26ASની જાણકારી પણ હોવી જોઈએ, જેમાં આખા નાણાકીય વર્ષ દરમિયાન તમારી તમામ મહત્વપૂર્ણ નાણાકીય લેવડદેવડની વિગતો રહે છે. આમાં પ્રોપર્ટીનું ખરીદ-વેચાણ, હાઈ-વેલ્યૂ ઈનવેસ્ટમેન્ટ અને ટીડીએસ/ટીસીએસ ટ્રાન્જેક્શનની ડિટેલ પણ સામેલ છે. તમારા રિટર્નમાં ભરવામાં આવેલી માહિતીનું ફોર્મ 26ASમાં ડિટેલ સાથે સરખું હોવું જરૂરી છે. આવું ન થવા પર ઈન્કમ ટેક્સ વિભાગ તમારી પાસે સ્પષ્ટતા માગી શકે છે.

5. એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ

ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે વધુ એક જરૂરી ડોક્યુમેન્ટ એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) છે, જેને તમારા તમામ આર્થિક લેવડ-દેવડની ઈન્કમ ટેક્સ વિભાગની પાસે વર્તમાન જાણકારીના આધારે તૈયાર કરવામાં આવે છે. AISમાં ફોર્મ 26AS સિવાય ટેક્સપેયરની આર્થિક લેવડદેવડ સાથે જોડાયેલી ઘણી અન્ય જાણકારીઓ પણ આપવામાં આવે છે. તેમાં સેવિંગ્સ એકાઉન્ટ પર મળેલું વ્યાજ, ડિવિડન્ડ ઈન્કમ, ભાડાથી થતી આવક, વિદેશોથી આવતું ધન અને શેરનું ખરીદ-વેચાણ સહિત ઘણા અન્ય ટ્રાન્જેક્શન સામેલ રહે છે.

6. ટેક્સ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ

ઈન્કમ ટેક્સ વિભાગની પાસે દરેક ટેક્સપેયર સાથે જોડાયેલું ટેક્સ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (TIS) પણ હોય છે. જેમાં કરદાતાના ઈન્કમ ટેક્સ રિટર્ન, કર ચૂકવણી, રિફંડ સહિત તેના આવક વેરા સાથે જોડાયેલી તમામ જાણકારીઓ રહે છે. આઈટીઆર ફાઈલ કરવાથી પહેલા ઉપર જણાવાયેલા તમામ દસ્તાવેજો એટલે ફોર્મ 16, ફોર્મ 16A, ફોર્મ 26AS, એસઆઈએસ અને ટીઆઈએસમાં આપવામાં આવેલી જાણકારીને ચેક કરવી અને તેની આંતિરક ખરાઈ કરવી જરૂરી છે. આવું એટલા માટે જેથી આવક વિભાગની પાસે હાજર જાણકારી અને તમારા રિટર્નમાં આપવામાં આવેલી વિગતોમાં કોઈ મિસ-મેચ ન હોય. જો કોઈ મિચમેચ છે તો પોતાની તરફથી આપવામાં આવેલી જાણકારીને સાચી સાબિત કરવા માટે તમારી પાસે જરૂરી પ્રૂફ હોવું જોઈએ. જો તમે તેને સમયસર ચેક કરો છો અને તેમાં કોઈ ભૂલ સામે આવે છે તો ટેક્સ પોર્ટલ પર ફીડબેક આપીને તમે તેમાં કરેક્શન કરાવી શકો છો. જો ટીડીએસ/ટીસીએસની ડિટેલમાં કોઈ ભૂલ છે તો તમે ડિડક્શન કરનારને કહીને તેને ઠીક કરાવી શકો છો.

7. ડિવિડન્ડ, ભાડા કે મૂડી લાભોની વિગતો

જો તમને ડિવિડન્ડ, મકાન ભાડે કે કોઈ અન્ય રીતે પેસિવ ઈન્કમ થાય છે તો તેની વિગતો પણ તમારે આવકવેરા રિટર્ન ભરતી વખતે પોતાની પાસે રાખવી જોઈએ. ઉદાહરણ તરીકે તમે જો શેરનું ખરીદ-વેચાણ કરો છો તો પોતાના ડીમેટ એકાઉન્ટને સમગ્ર નાણાકીય વર્ષનું સ્ટેટમેન્ટ કાઢીને રાખો. તેનાથી તમને પોતાનું રિટર્ન યોગ્ય રીતે ભરવામાં ખૂબ મદદ મળશે અને કોઈ મહત્વની જાણકારી છુટી જવાનું રિસ્ક ઓછું રહેશે. જોકે આવા દસ્તાવેજ તમારે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવાના હોતા નથી, પરંતુ ભવિષ્યમાં રેફરન્સ માટે તેની જરૂર પડી શકે છે, તેથી તેને સંભાળીને રાખો.

8. હોમ લોન વ્યાજ પ્રમાણપત્ર

જે ટેક્સપેયર હોમ લોનના વ્યાજ પર ટેક્સ છુટ દાવો કરી રહ્યાં છે, તેમને હોમ લોનનું વ્યાજ પ્રમાણપત્ર સાચવીને રાખવું જોઈએ, કેમ કે આઈટીઆર ભરવાનો સમય અને ભવિષ્યમાં રેફરન્સ માટે પણ તેની જરૂર પડી શકે છે. આ સિવાય વીમા પૉલિસી અને બીજા કર બચત સાધનો સાથે જોડાયેલા પેમેન્ટની રસીદો અને પ્રૂફ પણ સાચવીને રાખો.

રિટર્ન ભરવાની અંતિમ તારીખ

ઈન્કમ ટેક્સ એક્ટ અનુસાર તમામ કરદાતાઓ માટે આપવામાં આવેલી અંતિમ તારીખ સુધી કે તેના પહેલા પોતાનું આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. જે કરદાતાઓ માટે પોતાના એકાઉન્ટનું ઓડિટ કરાવવું જરૂરી નથી, તેમના માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ રહે છે. જે કોર્પોરેટ અને ટેક્સ પેયર્સને પોતાનું એકાઉન્ટ ઓડિટ કરાવવાનું છે, તેમના માટે ડેડલાઈન 31 ઓક્ટોબર છે. જે કોર્પોરેટ ટેક્સપેયર્સને ટ્રાન્સફર પ્રાઈસિંગ રિપોર્ટ આપવો પડે છે, તેમના માટે રિટર્ન ફાઈલિંગની અંતિમ તારીખ 30 નવેમ્બર છે. રિવાઈઝ્ડ એટલે કે સુધારેલા રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ડિસેમ્બર 2024 છે અને જે લોકોને 31 જુલાઈ સુધી રિટર્ન ફાઈલ કરવાનું હતું, પરંતુ કરી શક્યાં નહીં, તેમના માટે પેનલ્ટીની સાથે રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ડિસેમ્બર છે.


Google NewsGoogle News