વિદેશમાં કામ કરવા ઈચ્છુક ભારતીયોમાં ઘટાડો છતાં આ 5 દેશ લોકોની પહેલી પસંદ, સરવેમાં ખુલાસો
BCG Survey: BCG એટલે કે બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ 'ઈન્ટરનેશનલ મોબિલિટી ટ્રેન્ડ્સ' માં જાણવા મળ્યું હતું કે વર્ષ 2023માં વિદેશમાં નોકરીની તક શોધી રહેલા ભારતીયોની સંખ્યામાં ઘટાડો થયો છે. વિદેશમાં કામ કરવા ઈચ્છુક ભારતીયોની સંખ્યા 2020માં 78 ટકાથી ઘટીને 2023માં 54 ટકા થઈ ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં પસંદગીના સ્થળ તરીકે ભારતની રેન્કિંગમાં પણ 6 પોઈન્ટનો વધારો થયો છે.
પસંગીના સ્થળ તરીકે ભારતની રેન્કિંગમાં વધારો
પસંદગીના સ્થળ તરીકે ભારતના રેન્કિંગમાં પણ છેલ્લા પાંચ વર્ષમાં 6 પોઈન્ટનો વધારો થયો છે. આ સાથે જ ભારતમાં કામ કરવા માંગતા લોકો માટે બેંગલુરુ અને દિલ્હી વધુ પસંદ કરવામાં આવતા સ્થળો છે. પરંતુ વૈશ્વિક શહેરોની યાદીમાં તેમનું રેન્કિંગ નીચે આવી ગયું છે. તેમજ 2018 માં રિપોર્ટ લોન્ચ થયા પછી પ્રથમ વખત અમદાવાદને ટોપ 100 વૈશ્વિક શહેરોમાં સામેલ કરવામાં આવ્યું છે.
હવે ભારતીયો નોકરી માટે પસંદ કરે છે આ દેશ
વિદેશમાં રોજગાર મેળવવા માંગતા ભારતીયોની પ્રાથમિકતાઓમાં મોટો ફેરફાર થયો છે. અગાઉ કામના મામલે UAE ભારતીયોની પહેલી પસંદ હતી, પરંતુ હવે આ યાદીમાં UAE છઠ્ઠા સ્થાને છે.
આ દેશ છે પ્રથમ પસંદગી
હવે ભારતીયો કારકિર્દી માટે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, જર્મની અને બ્રિટન જેવા દેશોને પસંદ કરી રહ્યા છે. તેમજ સ્થળાંતરની દ્રષ્ટીએ ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા અને યુકે જેવા દેશો વિશ્વના ટોચના 4 દેશોમાં સામેલ છે. જ્યારે શહેરોની યાદીમાં લંડન ટોચ પર છે અને ન્યૂયોર્ક પણ ટોપ-5માં સામેલ છે.