આ ત્રણ અમીર ભારતીય પરિવારોની કુલ સંપત્તિ સિંગાપોરના જીડીપી જેટલી
Barclays report: સિંગાપોર એ એશિયાના સૌથી વધુ ધનિક દેશો પૈકીનો એક છે. એની જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ – કુલ ઘરેલું ઉત્પાદન) 460 બિલિયન ડોલર (38.6 લાખ કરોડ રૂપિયા) જેટલી છે. ભારતના ત્રણ સૌથી ધનાઢ્ય પરિવારોની સંપત્તિ ભેગી કરો તો એ આંકડો સિંગાપોરની જીડીપી જેટલો થવા જાય છે. તાજેતરમાં જાહેર કરાયેલા ‘બાર્કલેઝ’ના સૌથી ધનિક ભારતીયોના રિપોર્ટમાં આ હકીકત જાહેર કરવામાં આવી છે.
કયા ત્રણ પરિવાર? કોની કેટલી સંપત્તિ?
ભારતના જે ત્રણ પરિવારની કુલ સંપત્તિ સિંગાપોરના જીડીપી જેટલી થાય છે એ છે, અંબાણી પરિવાર, બજાજ પરિવાર અને બિરલા પરિવાર. બ્રિટિશ બહુરાષ્ટ્રીય બેંક ‘બાર્કલેઝ’ દ્વારા જાહેર કરવામાં આવેલા ‘હુરુન રિપોર્ટ’માં જણાવાયું છે કે, ભારતના ત્રણ સૌથી વધુ ધનિક પરિવારની કુલ સંપત્તિ સિંગાપોરની જીડીપી જેટલી થવા જાય છે. એમાં સમાવેશ થાય છે અંબાણી પરિવારનો, જેની સંપત્તિ છે રૂપિયા 25.8 લાખ કરોડ, બીજા નંબરે છે બજાજ પરિવાર, જેની સંપત્તિ છે રૂપિયા 7.1 લાખ કરોડ અને ત્રીજા ક્રમે છે બિરલા પરિવાર, જેની સંપત્તિ છે રૂપિયા 5.4 લાખ કરોડ.
બીજું શું છે બાર્કલેઝના રિપોર્ટમાં?
બાર્કલેઝના રિપોર્ટમાં જણાવાયું છે કે, પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોની યાદીમાં અદાણી પરિવાર રૂપિયા 15.4 લાખ કરોડનું મૂલ્ય ધરાવે છે. ત્યારબાદ પૂનાવાલા પરિવાર છે, જેનું મૂલ્ય 2.4 લાખ કરોડ રૂપિયા છે. એ પછી આવે છે દિવી પરિવાર, જેનું મૂલ્ય છે 91,200 કરોડ રૂપિયા.
આ દેશોની જીડીપી કરતાં વધારે છે કુલ સંપત્તિ
બાર્કલેઝના અહેવાલમાં લખાયું છે કે લિસ્ટમાં સામેલ ભારતના તમામ અબજોપતિ બિઝનેસ પરિવારો કુલ 130 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે, જે સ્વિટ્ઝર્લેન્ડ અને UAE જેવા દેશોની કુલ જીડીપી કરતાં પણ વધી જાય છે.
અન્ય રસપ્રદ આંકડા
રિપોર્ટમાં દર્શાવાયું છે કે ભારતમાં 124 પરિવારો એવા છે જેની ઓછામાં ઓછી નેટવર્થ 1 બિલિયન ડોલરની છે. એકલા અંબાણી પરિવારની સંપત્તિ ભારતની જીડીપીના 10 % કરતાં વધારે છે. એ ઉપરાંત, ભારતના ટોપ ટેન બિઝનેસ ફેમિલીની સંયુક્ત સંપત્તિ રૂપિયા 6,009,100 કરોડ થાય છે, એવું આ રિપોર્ટમાં લખ્યું છે.
રિપોર્ટમાં લખેલી એક રસપ્રદ હકીકત એ પણ છે કે, અનલિસ્ટેડ હોય એવી ભારતની સૌથી મૂલ્યવાન કંપની ‘હલ્દીરામ સ્નેક્સ’ છે, જેનું મૂલ્ય 63,000 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચોઃ તહેવારની સિઝનમાં 600 રૂપિયા સોનું થયું મોંઘું, જાણો અમદાવાદમાં આજના લેટેસ્ટ ભાવ
શું છે હુરુન રિપોર્ટ?
હુરુન રિપોર્ટ એ વિશ્વભરના ધનિકોની સંપત્તિની આકારણી કરતી અગ્રણી સંસ્થા છે. 1998 માં લંડનમાં સ્થપાયેલ આ સંસ્થા ભારત, ચીન, ફ્રાન્સ, યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા, જાપાન, કેનેડા અને લક્ઝમબર્ગમાં કાર્યરત છે અને એના રિપોર્ટની નોંધ વૈશ્વિક સ્તરે લેવાય છે.