Get The App

2014થી 2024ના સમયગાળા દરમિયાન બેંકોએ રૂ.16.6 લાખ કરોડના માંડીવાળેલા દેવામાંથી લગભગ 16 ટકા રકમ જ વસૂલ કરી

- રાઈટ ઓફ કરેલ લોનનો રિકવરી રેશિયો આશરે ૧૬ ટકા આસપાસ

- છેલ્લા ૧૦ વર્ષના ૧૩,૯૧,૫૧૫ કરોડ રૂપિયા હજુ પણ વસૂલ નથી થયા

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
2014થી 2024ના સમયગાળા દરમિયાન બેંકોએ રૂ.16.6 લાખ કરોડના માંડીવાળેલા દેવામાંથી લગભગ 16 ટકા રકમ  જ વસૂલ કરી 1 - image


અમદાવાદ : તાજેતરના એક રિપોર્ટ અનુસાર ભારતીય બેંકો ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન ૧૬.૬ લાખ કરોડ રૂપિયાના માંડી વાળેલ દેવામાંથી લગભગ ૧૬ ટકા રકમ જ વસૂલ કરી શકી છે તેમ એક આરટીઆઈમાં ખુલાસો થયો છે.આરટીઆઈ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં દેશની મધ્યસ્થ બેંક, આરબીઆઈ દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, ૧ એપ્રિલ, ૨૦૧૪થી ભારતીય બેંકોએ ૧૬,૬૧,૩૧૦ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા છે. સામે પક્ષે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીનો ડેટા દર્શાવે છે કે આ રકમમાંથી ફક્ત ૨,૬૯,૭૯૫ કરોડ રૂપિયા જ વસૂલ કરવામાં આવ્યા છે.

આરટીઆઈમાં માંગવામાં આવેલા જવાબના આંકડા અનુસાર જાહેર ક્ષેત્રની બેંકો એટલે કે સરકારી બેંકો ૧૨,૦૮,૬૨૧ કરોડ કરોડ રૂપિયાના રાઈટ-ઓફ સાથે સૌથી આગળ રહી છે, ત્યારબાદ ખાનગી ક્ષેત્રની બેંકોએ ૪,૪૬,૬૬૯ કરોડ રૂપિયા અને શહેરી સહકારી બેંકોએ ૬૦૨૦ કરોડ રૂપિયા માંડી વાળ્યા છે.

તમામ સેક્ટરની બેંકોનો વસૂલાત દર એટલે કે રિકવરી રેશિયો નીચો જ રહ્યો છે. જાહેર ક્ષેત્રની બેંકોએ ૨,૧૬,૫૪૭ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે, જ્યારે ખાનગી ક્ષેત્રની બેંકોએ ૫૩,૨૪૮ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. આરબીઆઈએ આરટીઆઈના જવાબમાં નોંધ્યું છે કે શહેરી સહકારી બેંકોનો વસૂલાતનો ડેટા ઉપલબ્ધ નથી.

આમ રાઈટ ઓફ કરેલ લોનનો રિકવરી રેશિયો આશરે ૧૬ ટકા આસપાસ છે અને છેલ્લા ૧૦ વર્ષના ૧૩,૯૧,૫૧૫ કરોડ રૂપિયા હજુ પણ વસૂલ નથી થયા. ઓગસ્ટ ૨૦૨૪ના એક અલગ આરટીઆઈનો જવાબ દર્શાવે છે કે બેંકોએ છેલ્લા પાંચ વર્ષમાં માત્ર ૧૮.૭ ટકા રાઈટ-ઓફ લોન વસૂલ કરી હતી. 

કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ નવેમ્બર ૨૦૨૪માં લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જાહેર કરેલા ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં બેંક રાઈટ-ઓફ રૂ. ૧.૭ લાખ કરોડ સુધી પહોંચી ગયો - જે વર્ષ ૨૦૨૦માં રૂ. ૨.૩૪ લાખ કરોડની ટોચ પર પહોંચ્યા પછી પાંચ વર્ષમાં સૌથી ઓછો છે.

જાહેર ક્ષેત્રની બેંકોમાં પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સૌથી વધુ રાઈટ-ઓફ નોંધાવ્યા છે, જ્યારે ખાનગી ક્ષેત્રની બેંકોમાં એચડીએફસી બેંક, એક્સિસ બેંક અને આઈસીઆઈસી બેંક આગળ છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪માં એકંદર રાઈટ-ઓફમાં ઘટાડો થયો હોવા છતાં ૨૦ ટકાથી વધુ બેંકોએ પાછલા વર્ષ કરતા વધુ રાઈટ-ઓફ નોંધાવ્યા છે. આરબીઆઈએ નોંધ્યું છે કે મોટાભાગના રાઈટ-ઓફ ટેકનિકલ, સમજદારીપૂર્વક અથવા વસૂલાત સંબંધિત કારણોસર થાય છે.


Google NewsGoogle News