લોકોના તળિયા ઝાટક ખાતાથી બૅન્કોને અબજોની કમાણી, મિનિમમ બેલેન્સ પર પેનલ્ટીથી છલકાઈ તિજોરી
Bank Account Minimum Balance: બૅન્ક ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ બૅન્ક તમારી પાસેથી ચાર્જ વસૂલે છે. મિનિમમ બેલેન્સનો આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં વિપક્ષે લોકસભામાં પૂછેલા લેખિત પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બૅન્કોએ મિનિમમ બેલેન્સ પેનલ્ટીમાંથી માત્ર 8500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેના ઉપર વિપક્ષે આકરા પ્રહાર કર્યા હતા.
લઘુત્તમ બેલેન્સ પેનલ્ટીની રકમમાં 38 ટકાનો વધારો
બૅન્ક ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ ખાતાધારકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે. જેમાં જાહેર ક્ષેત્રની બૅન્કોએ છેલ્લા પાંચ વર્ષમાં પેનલ્ટીથી રૂ. 8500 કરોડની કમાણી કરી છે. જો કે નાણાકીય વર્ષ 2020થી SBIએ લઘુત્તમ બેલેન્સ પેનલ્ટી વસૂલવાનું બંધ કરી દીધું છે. છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બૅન્કોની લઘુત્તમ બેલેન્સ પેનલ્ટીની રકમમાં 38 ટકાનો વધારો થયો છે.
મિનિમમ બેલેન્સ ન રાખવાથી કેટલી પેનલ્ટી લાગે?
આ મિનિમમ બેલેન્સની મર્યાદા શહેરો અને ગામડાઓ પ્રમાણે બદલાય છે. તેમજ દરેક બૅન્ક પણ વિવિધ મર્યાદા રાખતી હોય છે. જેમ કે એક શહેરમાં પંજાબ નેશનલ બૅન્કમાં મિનિમમ બેલેન્સની મર્યાદા રૂ. 2000 રૂપિયા છે. તો નાના શહેર માટે રૂ. 1000 અને ગામડાઓમાં રૂ. 500 પણ હોઈ શકે છે. તો ઇન્ડિયન બૅન્કની મર્યાદા અલગ હશે. આમ બૅન્ક દ્વારા મિનિમમ બેલેન્સ અને પેનલ્ટીની રકમ નક્કી કરવામાં આવે છે. જો તમારા ખાતામાં એ મિનિમમ બેલેન્સ નથી રહેતું તો તમારી પાસેથી બૅન્ક દ્વારા માસિક અથવા ત્રિમાસિક ચાર્જ વસૂલવામાં આવે છે.
આ પણ વાંચો: શેરબજારમાં પુરૂષો કરતાં મહિલાઓ ઓછી ખોટ કરે છે, સેબીના આ સર્વેની શું છે હકીકત?
મિનિમમ બેલેન્સમાંથી કઈ બૅન્કે સૌથી વધુ કમાણી કરી?
નાણાકીય વર્ષ 2020થી 2024 દરમિયાન લઘુત્તમ બેલેન્સ પેનલ્ટીમાંથી બૅન્કોએ રૂ. 8500 કરોડ એકત્ર કર્યા છે. SBIએ 2019-20માં મિનિમમ બેલેન્સ પેનલ્ટીથી રૂ. 640 કરોડ તો PNBએ 2023-24માં રૂ. 633 કરોડની કમાણી કરી છે. તેમજ નાણાકીય વર્ષ 2023-24માં બૅન્ક ઑફ બરોડાએ રૂ. 387 કરોડ, ઇન્ડિયન બૅન્કે રૂ. 369 કરોડ, કેનેરા બૅન્કે રૂ. 284 કરોડ અને બૅન્ક ઑફ ઇન્ડિયાએ રૂ. 194 કરોડની કમાણી કરી છે.