બેંકોનો થાપણ પ્રવાહ ઇક્વિટી તરફ વળ્યો
- આજની યુવા પેઢી વધુ વળતર મળે તેવા સાધનોમાં રોકાણ કરી રહી છે
- બચતને ઈક્વિટીઝ જેવા રોકાણ સાધનો તરફ વાળવાની માનસિકતામાં વધારો
શેરબજારમાં ઉદ્ભવેલ તેજીની જોવાયેલી અસર
મુંબઈ : એક તરફ લિક્વિડિટીની ખેંચ અને બીજી બાજુ શેરબજારોમાં રેલીએ દેશની બેન્કોમાં થાપણ પ્રવાહ ઘટાડી દીધો છે જેને પગલે બેન્કો માટે સ્થિતિ પડકારરૂપ બનતી જાય છે. બચતકારો પોતાની બચત બેન્ક થાપણોમાં મૂકવાને બદલે હાલમાં ઊંચા વળતર પૂરી પાડતી ઈક્વિટીઝ માર્કેટસ તરફ વાળી રહ્યા છે. પોતાની બચતોને બેન્કના સેવિંગ ખાતા અથવા ફિક્સ્ડ ડિપોઝિટસમાં મૂકવાને બદલે બચતકારો તેને મ્યુચ્યુઅલ ફન્ડસની સ્કીમ્સ મારફત ઈક્વિટીઝ જેવા ઊંચા વળતર આપતા સાધનોમાં રોકી રહ્યાનું બેન્કિંગ સુત્રોએ જણાવ્યું હતું.
ટેકનોલોજીના વિકાસ સાથે બચતકારો માટે વિવિધ રોકાણ સાધનોમાં નાણાં રોકવાનું હાલમા ંસરળ બની ગયું છે. દેશની દરેક કમર્સિઅલ બેન્કોનો મળીને કરન્ટ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટ (કાસા) રેશિઓનું પ્રમાણ જે માર્ચ ૨૦૨૨ના ૪૫.૨૦ ટકા હતું તે સપ્ટેમ્બર ૨૦૨૩ના સમાપ્ત થયેલા ૧૮ મહિનાના અંતે પાંચ ટકા જેટલું ઘટી ૪૦.૫૦ ટકા પર આવી ગયું હતું.
કાસા રેશિઓ ઘટવાનું એક કારણ ફિક્સ્ડ ડિપોઝિટસના દરમાં વધારો પણ રહેલું છે. પરંતુ બચતકારો ખાસ કરીને શહેરી વિસ્તારના બચતકારો મુદતી થાપણોને બદલે ઈક્વિટીઝ જેવા રોકાણ સાધનો તરફ પણ વળ્યા છે.
ડિજિટાઈઝેશનને પરિણામે, બચતકારો માટે વધુને વધુ રોકાણ સાધનો અંગે જાણકારી મેળવવાનું આસાન બન્યું છે, જેની અસર મુદતી થાપણોમાં ઘટાડાના સ્વરૂપમાં પડી છે.
વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડસમાં રૂપિયા ૨૧૭૮૧ કરોડ સાથે ઈન્ફલોઝ ૨૨ મહિનાની ટોચે રહ્યો હતો. જાન્યુઆરીમાં સતત ૩૫માં મહિને નેટ ઈન્ફલોઝ જોવા મળ્યો હોવાનું એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના સુત્રોએ તાજેતરમાં જણાવ્યું હતું.
દેશના મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની એસેટ અન્ડર મેનેજમેન્ટ પણ વધી રૂપિયા ૫૨.૭૦ લાખ કરોડને પાર કરી ગઈ છે. સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) ખાતાની સંખ્યા પણ ૭.૯૦ કરોડથી વધુ રહી છે.
કાસા રેશિઓમાં સૌથી વધુ ઘટાડો ખાનગી બેન્કોમાં જોવા મળી રહ્યો છે કારણ કે દેશની યુવા પેઢી ટેકનોલોજીથી સારી રીતે વાકેફ છે અને તેઓ બેન્કો કરતા વધુ વળતર સાથેના રોકાણ સાધનોમાં ઈન્વેસ્ટ કરવાનું પસંદ કરી રહ્યા છે એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું.
બેન્કોમાં ધિરાણ વૃદ્ધિ પ્રમાણે થાપણ વૃદ્ધિ જોવા મળતી નથી જે ચિંતાનો વિષય બનતો જાય છે. વધુ થાપણ મેળવવા બેન્કોએ વ્યાજ દર વધારવાની ફરજ પડી રહી છે જે તેમના માર્જિન પર દબાણ લાવી રહ્યા છે.