ફેડરલ બાદ રિઝર્વ બેંકની આગામી ધિરાણ નીતિ પર બેંકરો તેમજ ઉદ્યોગોની નજર
- અમેરિકા તથા ભારતમાં ગણિતો વચ્ચે તફાવત છે તેને ધ્યાનમાં રાખતા રિઝર્વ બેન્ક ફેડરલ રિઝર્વને અનુસરશે તેમ જણાતું નથી
- આરબીઆઈની ૭થી ૯ ઓકટોબરના યોજાનારી મીટિંગ
મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અડધા ટકાના ઘટાડા બાદ હવે દેશના બેંકરો,ઉદ્યોગો, રોકાણકારો તથા લોનધારકોની નજર હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની આવતા મહિનાની બેઠક પર નજર રહેલી છે.
ફેડરલ રિઝર્વ પહેલા યુકે, કેનેડા તથા યુરોઝોનમાં વ્યાજ દરમાં ઘટાડાના પ્રારંભ થઈ ચૂકયો છે ત્યારે રિઝર્વ બેન્ક પણ તેમના પગલે ચાલશે તેવી ઉદ્યોગો ખાસ કરીને ઓટો ઉદ્યોગ તથા લોનધારકો અપેક્ષા રાખી રહ્યા છે. રિઝર્વ બેન્કે ફેબુ્રઆરી, ૨૦૨૩થી ૬.૫૦ ટકા વ્યાજ દર જાળવી રાખ્યો છે.
જુલાઈ તથા ઓગસ્ટનો ફુગાવો આરબીઆઈના ચાર ટકાના ટાર્ગેટ કરતા નીચો રહ્યો છે. જુલાઈમાં ૩.૫૪ટકા તથા ઓગસ્ટનો રિટેલ ફુગાવો ૩.૬૫ ટકા રહ્યો છે. ફુગાવાના ટાર્ગેટ કરતા નીચા સ્તર તથા વર્તમાન વર્ષનું ચોમાસુ સારુ રહેતા રિઝર્વ બેન્ક ઓકટોબરની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાનું શરૂકરશે એમ એક બેન્કરે જણાવ્યું હતું. જો કે ખાધાખોરાકીના ફુગાવાના ઊંચા સ્તરને ધ્યાનમાં રાખતા આરબીઆઈ પા ટકા ઘટાડાથી પ્રારંભ કરશે, એવો તેમણે મત વ્યકત કર્યો હતો.
ઓકટોબરની બેઠકમાં વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરી ૨૦૨૫ના મધ્ય સુધીમાં આરબીઆઈ એકંદર એક ટકો ઘટાડો કરી રેપો રેટ ૫.૫૦ ટકા સુધી લઈ આવશે તેવી બ્રોકરેજ પેઢી નોમુરા દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. અમેરિકા તથા ભારતમાં આર્થિક વિકાસ દર તથા ફુગાવાના ગણિતો વચ્ચે તફાવત છે તેને ધ્યાનમાં રાખતા રિઝર્વ બેન્ક ફેડરલ રિઝર્વને અનુસરશે તેમ જણાતું નથી એમ એક સ્ટોક બ્રોકરે જણાવ્યું હતું.
એસબીઆઈના ચેરમેન સી. એસ. શેટ્ટીએ પીટીઆઈને અગાઉ આપેલી એક મુલાકાતમાં ૨૦૨૪માં વ્યાજ દરમાં ઘટાડો જોવા નહીં મળવાની ધારણાં મૂકી હતી. ખાધાખોરાકીના ફુગાવાને ધ્યાનમાં રાખી તેમની આ ધારણાં આવી પડી છે.
રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની બેઠક ૭થી ૯ ઓકટોબરના મળી રહી છે. દેશમાં વાહનોના વેચાણમાં મંદી તથા જંગી ઈન્વેન્ટરીને ધ્યાનમાં રાખી વ્યાજ દરમાં ઘટાડો થાય તે જરૂરી છે એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના સુત્રોએ જણાવ્યું હતું. નહીં વેચાયેલા ઊતારૂ વાહનોની સંખ્યા ઓગસ્ટના અંતે ૭.૮૦ લાખ પર પહોંચી ગઈ છે જેનું કુલ મૂલ્ય રૂપિયા ૭૭૮૦૦ કરોડ જેટલું થવા જાય છે.