ATMથી લઈને વ્યાજ દર સુધી: 1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે બૅન્કના 5 નિયમો
Bank New Rules in February 2025: દેશની વિવિધ બેન્ક દ્વારા આપવામાં આવતી સેવાઓમાં આવતીકાલથી મોટા ફેરફારો જોવા મળશે. જેની સીધી અસર ખાતેદારોને થશે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, અને કેનેરા બેન્ક જેવી ટોચની બેન્ક ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા નવા નિયમો લાવી રહી છે. બેન્કિંગ ફ્રોડમાં પણ ઘટાડો કરવા બેન્કો વિવિધ ફેરફારો કરી રહી છે.
ATMમાંથી રોકડ ઉપાડના ચાર્જમાં ફેરફાર
1 ફેબ્રુઆરી, 2025થી ATMમાંથી રોકડ ઉપાડવાના ચાર્જ વધી શકે છે. નિયમો અનુસાર, તમે એટીએમમાંથી દર મહિને માત્ર 3 વખત મફતમાં રોકડ ઉપાડી શકો છો. જો કે, દરેક ટ્રાન્ઝેક્શન માટે 25 રૂપિયાની ફી લેવામાં આવશે. અગાઉ 20 રૂપિયા ફી વસૂલાતી હતી. પોતાની બેન્ક સિવાય અન્ય કોઈપણ બેન્કના એટીએમમાંથી પૈસા ઉપાડવા પર તમારે 30 રૂપિયાની ફી ચૂકવવી પડશે. નિયમો અનુસાર, એક દિવસમાં વધુમાં વધુ 50 હજાર રૂપિયા ઉપાડી શકાય છે.
વ્યાજ દરમાં ફેરફાર
બચત ખાતા પર વધુ વ્યાજનો લાભ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક સહિત અન્ય બેન્કો આપી શકે છે. 1 ફેબ્રુઆરીથી સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજ દર 3 ટકાથી વધારીને 3.5 ટકા કરવામાં આવશે. વરિષ્ઠ નાગરિકોને બચત ખાતા પર 0.5 ટકાનો વધારાનો લાભ મળશે.
મિનિમમ બેલેન્સમાં ફેરફાર
1 ફેબ્રુઆરીથી મિનિમમ બેલેન્સમાં ફેરફાર થશે. આવી સ્થિતિમાં, ખાતાધારકોએ બચત ખાતામાં વધુ રકમ જમા રાખવી પડશે. પહેલા ખાતેદારો માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ઓછામાં ઓછા રૂ. 3000નું બેલેન્સ હોવુ જરૂરી હતું. હવે તે વધારી રૂ. 5000 કરવામાં આવ્યું છે. પંજાબ નેશનલ બેન્કના ગ્રાહકો માટે તેમના ખાતામાં મિનિમમ બેલેન્સ 1,000 રૂપિયાથી વધારીને 3,500 રૂપિયા કરવામાં આવશે. કેનેરા બેન્ક દ્વારા મિનિમમ બેલેન્સની મર્યાદા રૂ. 1000થી વધારી રૂ. 2500 કરવામાં આવશે. જો મિનિમમ બેલેન્સ સુધી પૈસા જાળવવામાં ન આવે તો ખાતાધારકોને દંડ ભરવો પડી શકે છે.
આ પણ વાંચોઃ UPIથી લઈને બૅન્કિંગમાં બદલાશે નિયમ: પહેલી ફેબ્રુઆરીથી લાગુ થશે ચાર મોટા ફેરબદલ
એટીએમ ટ્રાન્ઝેક્શન મર્યાદા
1 ફેબ્રુઆરી, 2025થી કોટક મહિન્દ્રા બેન્ક તેના ગ્રાહકો માટે ATM સંબંધિત નિયમોમાં ફેરફાર કરશે. વાસ્તવમાં, ગ્રાહકો માટે સામાન્ય સુવિધાઓ સહિત ફીમાં ફેરફાર થશે. વિવિધ પ્રકારની બેન્કિંગ સેવાઓ માટેની ફી બેન્ક દ્વારા નક્કી કરવામાં આવશે.
ડિજિટલ બેન્કિંગ સેવા
1 ફેબ્રુઆરીથી ડિજિટલ બેન્કિંગ સેવાઓમાં પણ ફેરફાર થશે. ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ સંબંધિત સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવશે. ટ્રાન્ઝેક્શન સર્વિસને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવા નવી સેવાઓ ઉમેરી શકાય છે. ડિજીટલ પેમેન્ટ કરી વધુ કેશબેકનો લાભ આપવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે.