બાંગ્લાદેશને ભારત સાથે દુશ્મની મોંઘી પડશે, ભોજન તો ઠીક, એક વાટકી ખાંડના પણ ફાંફા પડશે!
India Bangladesh Crisis: ભારત-બાંગ્લાદેશ વચ્ચે સંબંધોમાં તિરાડો વધી રહી છે. એક તરફ બાંગ્લાદેશની વચગાળાની સરકાર ભારત પર લોકોને ભડકાવવાનો આરોપ મૂકી રહી છે, તેણે ભારત સાથે બેન્ડવિડ્થ ટ્રાન્જિટ કરાર રદ કર્યો છે. તેમજ ડુંગળી-બટાકાંની આયાત માટે ભારતનો વિકલ્પ વિચારી રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સ્થિતિ વણસી રહી હોવાથી ભારતે પણ બાંગ્લાદેશમાં કેટલીક ચીજોની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે. જેની માઠી અસર ભારતને નહીં પણ બાંગ્લાદેશને જ થશે.
આહારમાંથી રોટલી થશે ગાયબ
રાજકીય વિશ્લેષકોના મતે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ સ્થિતિ જ રહી તો ભવિષ્યમાં બાંગ્લાદેશના ખાવાના ફાંફા પડી શકે છે. બાંગ્લાદેશ ભારતમાંથી મોટાપાયે ઘઉંની નિકાસ કરે છે. 2021-22માં ભારતે બાંગ્લાદેશને 119.16 કરોડ ડૉલરના ઘઉંની નિકાસ કરી હતી. જે 2020-21માં 31.03 કરોડ ડૉલર હતી. જો ભારતે બાંગ્લાદેશમાં ઘઉંની નિકાસ બંધ કરી દીધી તો તેના આહારમાંથી રોટલી ગાયબ થઈ શકે છે.
ચોખા મોંઘા થશે
બાંગ્લાદેશ ઘઉં ઉપરાંત ચોખાની આયાત પણ ભારતમાંથી કરે છે. જો ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ આકરું વલણ લીધું અને ચોખા પર પ્રતિબંધ લાદ્યો તો બાંગ્લાદેશમાં ચોખાની કિંમત રૅકોર્ડ સ્તરે પહોંચી શકે છે. તેમજ અછતનો પણ સામનો કરવો પડી શકે છે. ઉલ્લેખનીય છે, ભારતમાંથી 2021-22માં 61.39 કરોડ ડૉલરના ચોખા આયાત કર્યા હતા.
બાંગ્લાદેશમાં ખાંડનો પુરવઠો ખૂટી જશે
ઘઉં અને ચોખાની જેમ ભારત બાંગ્લાદેશને ખાંડ પણ સપ્લાય કરે છે. વર્ષ 2021-22માં ભારતમાંથી બાંગ્લાદેશમાં લગભગ 565.9 મિલિયન ડૉલર ખાંડની નિકાસ કરી હતી. 2020-21માં આ આંકડો 74.7 મિલિયન ડૉલર હતો. આનાથી સ્પષ્ટ છે કે જો ભારત બાંગ્લાદેશમાં ખાંડ મોકલવાનું બંધ કરશે તો ત્યાંના લોકોને મીઠાઈના ફાંફા પડી શકે છે. આ સિવાય ભારત બાંગ્લાદેશને રોજિંદા જીવનની જરૂરી ખાદ્ય ચીજો દૂધ, ફળો, શાકભાજી, મસાલા, કપાસ, તેલ ભોજન અને અન્ય પ્રોસેસ્ડ વસ્તુઓની નિકાસ કરે છે.