વિશ્વનું પ્રથમ CNG બાઈક 'ગેમ ચેન્જર' સાબિત થઈ શકે છે, ધરાવે છે 330 કિ.મી.ની રેન્જ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
Bajaj Freedom 125 CNG Bike


Bajaj Freedom 125 CNG Bike: 5 જુલાઈએ લોન્ચ થયેલુ બજાજ ફ્રીડમ 125 બાઈક એ વિશ્વનું પ્રથમ CNG બાઈક છે. પેટ્રોલ અને સીએનજી બંને ઇંધણનો વિકલ્પ ધરાવતા આ બાઈકના લોન્ચિંગ સમયે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ હાઇવે મંત્રી નીતિન ગડકરી પણ હાજર હતા. તેમણે આ બાઈકની પ્રશંસા કરતા તેને ગેમ ચેન્જર ગણાવ્યું છે. 

દુનિયાનું પ્રથમ CNG બાઈક કેવું છે?

બજાજ ઓટોએ આ બાઇકને કોમ્યુટર સેગમેન્ટમાં લોન્ચ કર્યું છે. પરંતુ ટીમે આ બાઇકના લુક અને ડિઝાઇન પર શાનદાર કામ કર્યું છે. પરંતુ બાઇકને પહેલી જોતા મનમાં પહેલો પ્રશ્ન એવો આવશે કે  કંપનીએ બાઈકમાં CNG સિલિન્ડર ક્યાં મૂક્યું છે?

બજાજ ઓટોના દાવા મુજબ બાઈક 785MMની સૌથી લાંબી સીટ ધરાવે છે. જે આગળના ભાગમાં ફ્યુઅલ ટાંકીને ઘણી હદ સુધી આવરી લે છે. આ સીટ નીચે સીએનજી સિલિન્ડર મૂકવામાં આવ્યું  છે. જે 2 કિલોની કેપેસિટી ધરાવે છે. તેમજ સિલિન્ડરનું વજન 16 કિલો છે. આ બાઈકને એક મજબૂત ટ્રેલીસ ફ્રેમ આપવામાં આવી છે જે તેને લાઇટ અને મજબૂત બનાવે છે.

એક બટન દબાવતા જ ફ્યુઅલ મોડ બદલાઈ જશે

પેટ્રોલ અને સીએનજી બંને પર ચાલતા આ બાઈકમાં એક બટન દબાવતા જ ફ્યુઅલ મોડ બદલાઈ જશે. તેમજ આ બાઈકના કારણે બળતણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને આ સાથે જ તે કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો કરશે. 

બાઈક કેવું માઈલેજ આપશે?

125cc ક્ષમતાનું પેટ્રોલ એન્જિન ધરાવતા આ બાઈકનું એન્જિન 9.5PSનો પાવર અને 9.7Nmનો ટોર્ક જનરેટ કરે છે. મુખ્યત્વે CNG પર ચાલતું બાઇક હોવાથી કંપનીએ તેમાં માત્ર 2 લીટરની પેટ્રોલ ફ્યુઅલ ટેન્ક આપી છે. જે એક રીતે રિઝર્વ ફ્યુઅલ તરીકે કામ કરશે. 

કંપનીએ દાવો કર્યો છે કે આ બાઇક સંપૂર્ણ ટાંકીમાં (પેટ્રોલ + CNG) 330 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. જે 1 કિલો સીએનજીમાં 102 કિમી અને 1 લિટર પેટ્રોલમાં 67 કિમીની માઈલેજ આપે છે.

બાઈકની શો-રૂમ કિંમત શું છે અને કઈ રીતે બુક કરાવી શકાય?

બજાજ ઓટોએ બજાજ ફ્રીડમ 125 માટે બુકિંગ પણ શરૂ કરી દીધું છે. બાઇકના બેઝ 'ડ્રમ' વેરિઅન્ટની કિંમત 95,000 રૂપિયાથી શરૂ થાય છે. કંપનીની ઓફિશિઅલ વેબસાઇટ અને અધિકૃત શોરૂમ દ્વારા આ બાઇક બુક કરાવી શકાય છે. બજાજ ફ્રીડમ LED હેડલેમ્પ, ડિજિટલ સ્પીડોમીટર અને બ્લૂટૂથ કનેક્ટિવિટી જેવી સુવિધાઓથી સજ્જ છે.

આ બાઈકને ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે: NG04 ડિસ્ક LED, NG04 Drum LED અને NG04 Drum. LED વેરિયન્ટ પાંચ કલરમાં તો નોન-LED ડ્રમ વેરિઅન્ટ બે કલરમાં ઉપલબ્ધ છે. જેની કિંમત...

NG04 Disc LED: Rs 1,10,000

NG04 Drum LED: Rs 1,05,000

NG04 Drum: Rs 95,000

આ બાઈકએ 11 અલગ-અલગ ટેસ્ટ પાસ કર્યા 

બજાજ ફ્રીડમ 125ના લોન્ચ દરમિયાન, જાહેર થયેલા એક વીડિયોમાં કંપનીએ દાવો કર્યો છે કે બાઈકએ 11 અલગ-અલગ ટેસ્ટ પાસ કર્યા છે. એક ટેસ્ટમાં બાઇક પર 'ટ્રક રોલઓવર ટેસ્ટ' કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રકના ટાયર નીચે કચડાઈ જવા છતાં CNG ટાંકી અકબંધ હતી અને દબાણ પણ યથાવત હતું.

નીતિન ગડકરીએ CNG બાઇકના લોન્ચિંગમાં શું કહ્યું?

લોંચ ઈવેન્ટમાં હાજર રહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતના ક્રૂડ ઓઈલ આયાત બિલને ઘટાડવા અને વૈકલ્પિક ઈંધણને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ઓટોમોબાઈલ ઉદ્યોગના વિકાસની વાત કરવામાં આવે તો ભારત જાપાનને પછાડીને ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું છે, તે બદલ તેમણે ગર્વ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત બાઈકની કિંમત રૂ. 1 લાખથી ઓછી રાખવા પણ નિવેદન કર્યું હતું. જેથી બાઈક દેશમાં વધુ લોકપ્રિય બનશે. 

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'પરંપરાગત પેટ્રોલ બાઈક કરતાં CNG વાહનો વધુ સસ્તા અને પર્યાવરણ માટે વધુ સારા છે. નવા બજાજ બાઇકની ઓપરેટિંગ કિંમત ICE બાઈક કરતાં 50 ટકા ઓછી છે, તેમજ વધુ એવરેજ  મળવાના કારણે તેમાં ઘણો ફાયદો છે. આથી લોકોને એક વર્ષમાં તેમના પૈસા પાછા મળી જશે.'

વિશ્વનું પ્રથમ CNG બાઈક 'ગેમ ચેન્જર' સાબિત થઈ શકે છે, ધરાવે છે 330 કિ.મી.ની રેન્જ 2 - image



Google NewsGoogle News