ભારતીય અર્થતંત્ર માટે માઠા સમાચાર, નાણાકીય વર્ષ 2024-25માં GDP 6.4 ટકા રહેવાનો અંદાજ
India GDP Growth Rate: બજેટ પહેલા અર્થતંત્ર માટે માઠા સમાચાર આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ(2024-2025)માં દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર 6.4% રહેવાનો અંદાજ છે. ગત નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 8.2%ના દરે વૃદ્ધિ પામી હતી. 7 જાન્યુઆરી 2025ના રોજ જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે.
2024-25માં GDP 6.4 ટકા રહેવાનો અંદાજ
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસે(NSO) નાણાકીય વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય આવકનો અંદાજ જાહેર કરતાં કહ્યું કે, વાસ્તવિક GDP આ નાણાકીય વર્ષમાં 6.4 ટકાના દરે વધવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2023-24 માટે GDP વૃદ્ધિનો કામચલાઉ અંદાજ 8.2 ટકા રહેવાની વાત કહેવામાં આવી હતી. NSOનો ચાલુ નાણાકીય વર્ષ માટેનો GDP વૃદ્ધિનો અંદાજ ભારતીય રિઝર્વ બૅન્કના અંદાજ કરતાં ઓછો છે. RBIએ નાણાકીય વર્ષ 2024-25માં GDP 6.6%ના દરે વધવાનો અંદાજ લગાવ્યો છે.
RBIનો અંદાજ
જો આપણે પહેલા ત્રિમાસિકની વાત કરીએ તો દેશનો વિકાસ દર 6.7% હતો. જ્યારે બીજા ક્વાર્ટરમાં આ વૃદ્ધિ ઘટીને 5.4 ટકા રહ્યો હતો. જેની કોઈને પણ અપેક્ષા નહોતી. ત્રીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર વધવાની ધારણા હોવા છતાં, તે મૂળ અંદાજ કરતાં નબળો રહેવાની ધારણા છે. RBIએ નાણાકીય વર્ષ 2024-25માં 6.6%ના દરે GDP વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે.
બીજી તરફ અન્ય સંસ્થાઓએ પણ ભારતનો GDP 7%થી નીચે રહેવાનો અંદાજ મૂક્યો છે. મહત્ત્વની વાત એ છે કે, દેશનું બજેટ પહેલી ફેબ્રુઆરીએ આવવાનું છે. આ સ્થિતિમાં NSOનો આ અંદાજ ખૂબ જ મહત્ત્વનો છે. આ ઉપરાંત ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં RBIની પોલિસી બેઠક પણ યોજાવાની છે. તેના અંદાજ પર પણ બધાની નજર રહેશે.