જંગી રોકાણને પગલે SIP ની AUM જુલાઈમાં રૂ. 13 લાખ કરોડને પાર
- મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની એકંદર એસેટસ પણ વધી 65 લાખ કરોડની નજીક પહોંચી
મુંબઈ : સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટસ પ્લાન્સ (એસઆઈપી) એસેટસ જુલાઈમાં ૫.૩૦ ટકા વધી રૂપિયા ૧૩.૦૯ લાખ કરોડ પર પહોંચી ગઈ હતી. મજબૂત ઈન્ફલોસને કારણે એસેટસ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)માં આ વધારો જોવા મળ્યો છે. જુલાઈમાં એસઆઈપી મારફત રૂપિયા ૨૩૩૩૨ કરોડનોે ઓલ ટાઈમ હાઈ ઈન્ફલોસ જોવા મળ્યો છે એમ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના ડેટા જણાવે છે.
પારિવારિક બચતોમાં મ્યુચ્યુઅલ ફન્ડસનો હિસ્સો વધારા તરફી રહ્યો છે, જે ઈન્વેસ્ટમેન્ટ માટે મ્યુચ્યુઅલ ફન્ડસ પર પસંદગી વધી રહ્યાના સંકેત આપે છે.
બજારમાં ટૂંકા ગાળાની વધઘટ છતાં લાંબા ગાળે સ્થિર વળતર પૂરું પાડવા મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ સક્ષમ હોવાની માન્યતાને આનાથી બળ મળે છે, એમ એમ્ફીના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
મ્યુચ્યુઅલ ફન્ડસની કુલ એયુએમમાં એસઆઈપીની એયુએમનો આંક જે જૂનમાં ૨૦.૩૦ ટકા હતો તે જુલાઈમાં ૨૦.૨૦ ટકા રહ્યો છે. ૩૫.૨૯ લાખના નેટ વિક્રમી ઉમેરા સાથે એસઆઈપી ખાતાની સંખ્યા ૯.૩૪ કરોડ રહી છે.
ઉદ્યોગની કુલ એયુએમ રૂપિયા ૬૪.૯૭ લાખ કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ રહી હતી. ઋણ લક્ષી મ્યુચ્યુઅલ ફન્ડસ તથા ઈક્વિટી લક્ષી મ્યુચ્યુઅલ ફન્ડસના ઈન્ફલોસની આગેવાની હેઠળ એયુએમનો ઊંચો આંક જોવા મળ્યો છે.
ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ સેગમેન્ટની એયુએમ રૂપિયા ૨૯.૩૪ લાખ કરોડ સાથે ઓલટાઈમ હાઈ રહી છે. જે ઉદ્યોગની કુલ એયુએમના ૪૫ ટકા જેટલી છે.
ઈક્વિટી સ્કીમમાં જંગી ઈન્ફલોસને કારણે એયુએમમાં વધારો જોવા મળ્યો છે.
રિટેલ રોકાણકારોના વધતા જતા વિશ્વાસને કારણે મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. પેસિવ ફન્ડસની એયુએમ જુલાઈમાં વધી રૂપિયા ૧૦.૯૫ લાખ કરોડ રહી હતી જે ઉદ્યોગની કુલ એયુએમના ૧૭ ટકા જેટલી હતી.