ગુજરાતમાં અદાણી જૂથની માલિકીના મુંદ્રા, હજીરા અને દહેજ પોર્ટને ફાયદો પહોંચાડવામાં પણ ગોલમાલઃ કોંગ્રેસ
Congress Slams On Modani For Gujarat Ports Concession: અદાણી જૂથ અને કેન્દ્રની ભાજપ સરકારની ગેરકાયદે સાંઠગાંઠ સામે કોંગ્રેસ સહિતના વિપક્ષો સતત આરોપો કરી રહ્યા છે. આ સાથે તેણે અદાણી જૂથ વિરુદ્ધ તપાસ માટે જોઇન્ટ પાર્લામેન્ટ કમિટીની રચના કરીને તપાસ કરવાની માગ કરી છે. કોંગ્રેસ જનરલ સેક્રેટરી જયરામ રમેશે ગુજરાતમાં અદાણી પોર્ટ્સને 75 વર્ષ માટે મુંદ્રા, હજીરા અને દહેજ પોર્ટનો કંટ્રોલ આપવાનો માર્ગ મોકળો કર્યો હોવાના આરોપો સાથે બૂટ (બિલ્ડ-ઓપરેટ-ઓન-ટ્રાન્સફર-BOOT) લૂંટનું કેન્દ્ર બન્યું હોવાનો દાવો કર્યો છે.
લોકસભા ચૂંટણી પહેલાં શું રંધાયું?
કોંગ્રેસ જનરલ સેક્રેટરી જયરામ રમેશે X પર પોસ્ટ કરતાં કહ્યું છે કે, ‘ગુજરાત સરકારમાં પોર્ટ ક્ષેત્રે અદાણી પોર્ટના એકાધિકારનું સ્પષ્ટ જીવંત ઉદાહણ જોવા મળે છે. ગુજરાત સરકાર ખાનગી પોર્ટ્સને BOOTના આધારે 30 વર્ષની છૂટ આપે છે. બાદમાં તેની માલિકી ગુજરાત સરકારને સોંપવામાં આવે છે. આ મોડલના આધારે હાલ અદાણી જૂથ મુંદ્રા, હજીરા અને દહેજ પોર્ટ્સનું નિયંત્રણ ધરાવે છે. જો કે, 2024ની લોકસભા ચૂંટણી પહેલાં અદાણી પોર્ટ્સે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી) સમક્ષ આ છૂટની મર્યાદા 30 વર્ષથી લંબાવી 75 વર્ષ કરવા માગ કરી હતી.
આ પણ વાંચોઃ'મને એક પછી એક થપ્પડ અને જૂતાં વડે માર્યો...', સરકારી કર્મીના આપ MLA પર ગંભીર આક્ષેપ
અદાણી જૂથને આ રીતે લાભ અપાયો
ગુજરાત મેરીટાઈમ બોર્ડે આ સંદર્ભે 12 માર્ચ, 2024ના રોજ બેઠક યોજી પોર્ટની સંપત્તિ અને સંચાલન માટે વધુ બીડ્સ મંગાવ્યા હતા. તેમજ તેના ઓપરેટર અદાણી પોર્ટ્સ સાથે નાણાકીય બાબતોના મુદ્દે ફરીથી વાટાઘાટો કરવા અને પોર્ટ્સના વિકાસ અને સંચાલન માટે રેટ સ્ટ્રક્ચરમાં ફેરફારની ભલામણો કરી હતી. તેના થોડા દિવસ બાદ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ અને મુખ્ય મંત્રીએ જીએમબીની ભલામણો રદ કરી દીધી હતી, જેથી અદાણી પોર્ટ્સની 75 વર્ષની માગનો માર્ગ મોકળો કર્યો હતો.
અદાણી પોર્ટ્સના એકાધિકારથી મોટું નુકસાન
જયરામ રમેશે દાવો કર્યો છે કે, ‘આ ધોળા દિવસે કરવામાં આવેલી લૂંટથી બે ગંભીર પરિણામ આવશે. એક અદાણી પોર્ટ્સ ગુજરાતના પોર્ટ સેક્ટર પર એકાધિકાર હાંસલ કરશે, જેનાથી માર્કેટમાં પ્રતિસ્પર્ધાને નુકસાન થશે. બીજું સામાન્ય પ્રજા માટે મોંઘવારી વધશે. અદાણી પોર્ટ્સનું મૂલ્યાંકન વધશે અને ઉધાર લેવાનો ખર્ચ ઘટશે. જેનાથી ગુજરાત સરકારની આવકમાં પણ કરોડોનું નુકસાન થશે.’
જો કે, બાદમાં તેમણે કટાક્ષ કર્યો હતો કે, ‘મોદી છે તો અદાણી માટે બધું જ શક્ય છે.’
આ પણ વાંચોઃ યોગીના ગઢમાં ભાજપનું ટેન્શન વધારશે ચિરાગ પાસવાન? NDA ગઠબંધનને લઈને મોટી જાહેરાત
અદાણી અને સરકારની ચૂકવણી યાદીમાં તફાવત
રાજ્ય સરકારના નાણા વિભાગે જીએમબી પાસે અદાણી પોર્ટ્સ પાસેથી 2027-28ના રોજ પૂર્ણ થતી છૂટ બાદ અદાણી પોર્ટ્સ પાસે વસૂલ કરવામાં આવતી રોયલ્ટીની આવકની રકમ પર સ્પષ્ટતા મંગાવી હતી. જેમાં જીએમબીએ અદાણી પોર્ટ્સ દ્વારા સરકારને ચૂકવાતી પ્રતિ વર્ષની રકમ રૂ. 1700 કરોડ દર્શાવી હતી, જ્યારે અદાણીએ રૂ. 394 પ્રતિ વર્ષ હોવાનો દાવો કર્યો હતો. આ ઘટના બાદ તુરંત અધિકારીઓની બદલી થઈ ગઈ હતી. એટલું જ નહીં, તે આંકડા પણ કંપનીની અનુકૂળતા મુજબ બદલવામાં આવ્યા હતા. આ પ્રકારના આક્ષેપ કોંગ્રેસે કર્યા છે.