ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘુ થશે! RBI ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારે તેવી શક્યતા, NPCIની પણ ભલામણ
ATM Cash Withdrawal Rules: નેશનલ પેમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ રોકડનો ઉપાડ કરવા માટેના ATM-ઓટો ટેલરિંગ મશીનમાંથી નાણાંનો ઉપાડ કરવાનો ચાર્જ મોટા ભાગની બૅન્કમાં ટ્રાન્ઝેક્શન દીઠ રૂ. 21ને બદલે રૂ. 22નો ચાર્જ લેવાની ભલામણ કરી છે. કસ્ટમર્સને અત્યારે મહિને પાંચ ટ્રાન્ઝેક્શન કોઈપણ જાતનો ચાર્જ લીધા વિના કરવાની છૂટ આપવામાં આવી રહી છે. મહિને પાંચથી વધુ ટ્રાન્ઝેક્શન કરે તેના માટે આ ફી લેવા માટેની ભલામણ કરવામાં આવી છે. પોતાની બૅન્કના એટીએમ સિવાયની બૅન્કના એટીએમમાં જઈને વ્યવહાર કરવા માટે લેવાતી ફી એટલે કે ઇન્ટરચેન્જ ફી પણ રૂ.17થી વધારીને રૂ.19 કરવા દેવાની માગણી બૅન્કોએ કરી છે.
એટીએમ ઇન્ટરફેસ ફીમાં પણ થશે વધારો
રોકડના વ્યવહાર સિવાયના વ્યવહાર માટે ખાતેદારો પાસે લેવાતી રોકડના વ્યવહાર માટે એટીએમ ઇન્ટરફેસ ફી રૂ.17થી વધારીને રૂ.19 કરવાની પણ ભલામણ કરી છે અને નોન ટ્રાન્ઝેક્શન માટેની ફી રૂ.6થી વધારીને રૂ. 7 કરવાની ભલામણ કરી છે. એટીએમના વ્યવહારની સુવિધા આપતી તમામ બૅન્કો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી એનપીએ પ્રસ્તુત ભલામણ કરી છે.
એક બૅન્કના કાર્ડનો બીજી બૅન્કમાં ઉપયોગ કરવામાં પણ વધુ નાણાં ચૂકવવા પડશે
એક બૅન્કના કાર્ડનો બીજી બૅન્કના એટીએમમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે પહેલી બૅન્ક પાસેથી બીજી બૅન્ક ચાર્જ વસૂલે છે. પહેલી બૅન્કે બીજી બૅન્કને ચાર્જ ચૂકવવો પડે છે. ટ્રાન્ઝેક્શન દીઠ રૂ.21 ચાર્જ અને નાણાકીય વ્યવહાર સિવાયના બૅન્ક બેલેન્સ જોવા સહિતના વ્યવહાર માટે રૂ.7 ચૂકવવાની ભલામણ કરવામાં આવી છે.
એપીસીઆઈ કે પછી રિઝર્વ બૅન્કે હજુ સુધી નથી કરી સ્પષ્ટતા
જો કે બૅન્કિંગ સેક્ટરમાંથી ઊભી થયેલી આ માગણી અંગે બૅન્કિંગ સર્કલમાં ચર્ચા છે. પરંતુ એપીસીઆઈ કે પછી રિઝર્વ બૅન્ક હાલને તબક્કે આ અંગે ફોડ પાડવાનું ટાળી રહ્યા છે. અત્યારે મેટ્રોશહેરમાં રોકડના પાંચથી વધુ ટ્રાન્ઝેક્શન થાય તેના પર ટ્રાન્ઝેક્શન દીઠ રૂ. 21નો ચાર્જ લેવામાં આવી રહ્યો છે. જ્યારે નોન મેટ્રો શહેરમાં ત્રણથી વધુ ટ્રાન્ઝેક્શન મહિને થાય તો તેના પર ચાર્જ લેવામાં આવે છે.
આ પણ વાંચો: IT રિટર્નની જૂની સિસ્ટમ કે નવી સિસ્ટમ ફાયદાકારક? જાણો કઈ પદ્ધતિમાં સૌથી વધુ ટેક્સ લાગશે?
આ અંગે ચર્ચા-વિચારણા કરીને નિર્ણય પર આવવા માટે ઇન્ડિયન બૅન્ક ઍસોસિયેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરના વડપણ હેઠળ બીજી એક કમિટીની રચના કરવામાં આવી છે. તેમાં સ્ટેટ બૅન્ક અને એચડીએફસી બૅન્કના સભ્યોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ કમિટી મેટ્રો, નોન મેટ્રો, અર્ધશહેરી વિસ્તારોમાં ચાર્જ કઈ રીતે લેવા તે અંગેની ભલામણ કરશે.
એનપીસીઆઈની ભલામણ મે 2024માં અને એટીએમ ઇન્ટરચેન્જ કમિટીની ભલામણ સપ્ટેમ્બર 2024માં આવી ગઈ છે. હવે નિર્ણય લેવાનો રિઝર્વ બૅન્કના હાથમાં છે. નાના શહેરોમાં એટીએમ ઓપરેટ કરવાનો ચાર્જ ખાસ્સો વધી ગયો છે. રોકડ મશીનમાં મૂકવા, ટ્રાન્સપોર્ટથી ચલણી નોટ્સ મોકલવા માટેનો ખર્ચ વધી રહ્યો છે.