ગંભીર સાઈડ ઈફેક્ટની ફરિયાદો બાદ એસ્ટ્રેઝેનેકાનો મોટો નિર્ણય, તમામ કોવિશીલ્ડ વેક્સિન પરત મગાવી
Astrazeneca Corona Vaccine: અગ્રણી ફાર્મા કંપની AstraZeneca એ એક મોટો નિર્ણય લીધો છે. કોરોના વેક્સિનનું ઉત્પાદન કર્યા બાદ ગંભીર આડઅસરોના આરોપો વચ્ચે કંપનીએ બજારમાંથી તમામ કોરોના વેક્સિન પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.
શું વિવાદને કારણે લીધો નિર્ણય?
બજારથી પાછી મગાવેલી વેક્સિનમાં ભારતમાં બનેલી કોવિશિલ્ડ વેક્સિનનો પણ સમાવેશ થાય છે. કંપનીએ કહ્યું કે અમે વૈશ્વિક સ્તરે વેક્સિન પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. અગાઉ કંપનીએ પણ વેક્સિનની આડઅસર થતી હોવાની કબૂલાત કરી હતી. જો કે, ફાર્મા જાયન્ટે કહ્યું હતું કે આ વેક્સિન અન્ય કારણોસર બજારમાંથી હટાવવામાં આવી રહી છે.
ભારતમાં કયા નામે વેચાઈ રહી હતી?
AstraZeneca દ્વારા ઉત્પાદિત કોરોના વેક્સિન ભારતમાં Covishield નામે રજૂ કરવામાં આવી હતી. હવે કંપનીએ વૈશ્વિક સ્તરે તેણે બનાવેલી કોરોના વેક્સિનને પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. અગાઉ, કંપનીએ કોર્ટના દસ્તાવેજોમાં સ્વીકાર્યું હતું કે તેના દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિન લોહીના ગંઠાઈ જવા જેવી ગંભીર આડઅસર કરી શકે છે. જોકે, ફાર્મા જાયન્ટે કહ્યું હતું કે વ્યવસાયિક કારણોસર કોવિશીલ્ડ વેક્સિનને બજારોમાંથી દૂર કરવામાં આવી રહી છે. મીડિયા અહેવાલોમાં દાવો કરાયો હતો કે હાલમાં વેક્સિન ઉત્પાદન કે સપ્લાય બંધ જ છે.
કઈ આડઅસર થવા અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી?
ઉલ્લેખનીય છે કે એસ્ટ્રાઝેનેકા દ્વારા ઉત્પાદિત કોરોના વેક્સિનથી TTS - થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ થવાનું કારણ સામે આવ્યું છે. AstraZeneca દ્વારા બનાવવામાં આવેલ વેક્સજેવરિયા નામની વેક્સિન યુકે સહિત ઘણા દેશોમાં સપ્લાય કરવામાં આવી હતી અને આ વેક્સિન હાલમાં દુર્લભ આડઅસરો માટે પણ તપાસ હેઠળ છે.