Get The App

એશીયાના સૌથી ધનિક બેંકર ઉદય કોટકે રાતોરાત રૂ. 10 હજાર કરોડ ગુમાવ્યા

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
એશીયાના સૌથી ધનિક બેંકર ઉદય કોટકે રાતોરાત રૂ. 10 હજાર કરોડ ગુમાવ્યા 1 - image


- રિઝર્વ બેંક નવા ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરવા કે ઓનલાઈન ગ્રાહકો લેવા પર ત્વરિત અમલથી પ્રતિબંધ મૂકતાં

- માર્કેટ કેપિટલાઈઝેશનમાં કોટક મહિન્દ્રા બેંકને પાછળ મૂકી દેતી એક્સિસ બેંક : કોટક બેંકનું માર્કેટ કેપ ઘટીને રૂ,3,26,615 કરોડ

મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કોટક મહિન્દ્રા બેંક સામે ગઈકાલે નવા ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરવા કે ઓનલાઈન ગ્રાહકો લેવા પર ત્વરિત અમલથી પ્રતિબંધ મૂકતાં આ પગલાંની નેગેટીવ અસરે બેંકના સ્થાપક અને એશીયાના સૌથી ધનિક બેંકર ઉદ્દય કોટકે રાતોરાત એક દિવસમાં જ સંપતિમાં ૧.૩ અબજ ડોલર ગુમાવ્યા છે. કોટક મહિન્દ્રા બેંકના શેરનો ભાવ આજે રૂ.૨૦૦.૦૫ એટલે કે ૧૦.૮૫ ટકા તૂટીને રૂ.૧૬૪૩ રહી ગયો હતો.

કોટક મહિન્દ્રા બેંકનો શેર આજે રૂ.૨૦૦.૦૫ તૂટીને રૂ.૧૬૪૩ થઈ જતાં એટલે કે ૧૦.૮૫ ટકા ગબડતાં બેંકમાં હોલ્ડિંગ ધરાવતાં ઉદ્દય કોટકની સંપતિમાં ૧.૩ અબજ ડોલર જેટલું ધોવાણ થઈ ગયું છે. બ્લુમબર્ગ બિલિયોનેઈર્સ ઈન્ડેક્સ મુજબ ઉદ્દય કોટકની સંપતિ ૨૪, એપ્રિલના ૧.૩ અબજ ડોલર ઘટીને હવે ૧૪.૪ અબજ ડોલર રહી ગઈ છે. આ સાથે એક્સિસ બેંકના સારા પરિણામે શેરના ભાવમાં તેજી આવતાં એક્સિસ બેંક માર્કેટ કેપમાં હવે કોટક મહિન્દ્રા બેંકને પાછળ મૂકી દીધી છે. કોટક મહિન્દ્રા બેંકનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે ઘટીને રૂ.૩,૨૬,૬૧૫.૪૦ કરોડ રહી ગયું હતું. જ્યારે એક્સિસ બેંકનું માર્કેટ કેપિટલાઈઝેશન વધીને રૂ.૩,૪૮,૦૧૪.૪૫ કરોડ થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કોટક મહિન્દ્રા બેંકમાં ગવર્નન્સ અને બેંકની ટેકનોલોજી સિસ્ટમમાં ખામીઓના જોખમી મુદ્દાઓને લઈ ગઈકાલે પ્રતિબંધાત્મક પગલાં લીધા હતા. આરબીઆઈને છેલ્લા બે વર્ષથી કોટક બેંકમાં ડાટા સિક્યુરિટી અને લિક પ્રિવેન્શન સ્ટ્રેટેજીથી લઈ વેન્ડર રિસ્ક મેનેજમેન્ટ સહિતમાં વિવિધ પ્રક્રિયામાં ખામી જણાઈ હતી.

આ દરમિયાન કોટક દ્વારા આરબીઆઈના પગલાંના પ્રત્યાઘાતમાં જણાવાયું  હતું કે, બેંક તેની આઈટી સિસ્ટમને મજબૂત કરવા નવી ટેકનોલોજીસ અપનાવશે અને બાકી મામલે પણ ઉકેલ લાવવા આરબીઆઈ સાથે સતત કામ કરશે. 

 બેંકિંગ નિયામક તંત્ર સાથે ઉદ્દય કોટકનું આ પ્રથમ ઘર્ષણ નથી. અબજોપતિ બેંકરે અગાઉ બેંકમાં પોતાના હોલ્ડિંગના કદ મામલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને કોર્ટમાં પડકારી હતી. અલબત અંતે કોટક દ્વારા વર્ષ ૨૦૨૦માં તેના માલિકી હોલ્ડિંગમાં ઘટાડો કરવા સંમતિ આપીને વિવાદને શાંત કરાયો હતો. આ સાથે કોટક મહિન્દ્રા બેંકમાં નવા ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર તરીકે અશોક વાસવાનીની નિમણૂક કરાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉદ્દય કોટક દ્વારા વર્ષ ૧૯૮૫માં માત્ર રૂ.૩૦ લાખની પરિવાર અને મિત્રો પાસેથી લોન લઈને મહિન્દ્રા સાથે ભાગીદારીમાં ઈન્વેસ્ટમેન્ટ કંપની સ્થાપવામાં આવી હતી.


Google NewsGoogle News