ડિસેમ્બરમાં ફુગાવો ઘટતા ફેબુ્રઆરીમાં વ્યાજ દર ઘટવાની શકયતા વધી ગઈ
- આર્થિક વિકાસ દરના અંદાજ પણ નીચા આવતા દર ઘટાડા માટે સ્થિતિ સાનુકૂળ
મુંબઈ : અમેરિકામાં એક તરફ આર્થિક સ્થિતિ મજબૂત બની રહ્યાના સંકેતે ત્યાં વ્યાજ દરમાં ઘટાડો આક્રમક નહીં હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે ભારતમાં ફુગાવામાં ઘટાડા સાથોસાથ આર્થિક વિકાસ દરની ધીમી ગતિને જોતા રિઝર્વ બેન્ક ફેબુ્રઆરીની બેઠકમાં વ્યાજ દર ઘટાડશે તેવી શકયતા જોવાઈ રહી છે.
નવેમ્બરનો રિટેલ ફુગાવો જે ૫.૪૮ ટકા હતો તે ડિસેમ્બરમાં ઘટી ૫.૨૨ ટકા પર આવી ગયો છે. ઓકટોબરમાં ૬.૨૧ ટકાની સરખામણીએ ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે ક્રુડ તેલના ભાવ ફરી વધવા લાગતા રિઝર્વ બેન્ક માટે સ્થિતિ ફરી કપરી બનતી જાય છે. ડિસેમ્બરનો ફુગાવો ચાર મહિનાની નીચી સપાટીએ છે.
ભારતમાં ફુગાવો નીચે આવી રહ્યો છે અને વૈશ્વિક વાતાવરણ પણ વ્યાજ દર ઘટાડવા માટે સાનુકૂળ બન્યું છે ત્યારે વ્યાજ દર ઘટવાની શકયતા વધી ગઈ છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું.
વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજોમાં પણ ઘટાડો મુકાઈ રહ્યો છે. ગયા નાણાં વર્ષમાં ૮.૨૦ ટકા રહ્યા બાદ વર્તમાન નાણાં વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર ૬.૪૦ ટકા રહેવાની સરકાર દ્વારા ધારણાં મૂકવામાં આવી છે.
કૃષિ ઉત્પાદન તંદૂરસ્ત રહેવાના પ્રાથમિક અંદાજોમાં જણાઈ રહ્યું છે. કૃષિ ઉત્પાદન સારુ રહેવા સાથે ખાધ્ય પદાર્થોના ભાવ પણ નીચે આવી રહ્યા છે.
જો કે અમેરિકામાં આર્થિક ડેટા મજબૂત આવતા ત્યાં વર્તમાન વર્ષમાં બે વખત વ્યાજ દર ઘટવાની જે વાત હતી તે હવે શકય બનશે કે કેમ તે સામે સવાલ હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.