એપલનું જડબેસલાક આયોજન, આગામી ત્રણ વર્ષમાં ભારતમાં પાંચ લાખ લોકોને નોકરી આપશે
Apple Expansion In India: વિશ્વની ટોચની લકઝરી સ્માર્ટફોન મેકર એપલ ભારતમાં બે પ્લાન્ટ સ્થાપિત કર્યા બાદ આગામી 3 વર્ષમાં મોટાપાયે વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. એપલ તેના વેન્ડર્સ મારફત આગામી 3 વર્ષમાં 5 લાખ લોકોને રોજગારી આપશે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ ભારતમાં એપલના 1.5 લાખ સપ્લાયર્સ અને વેન્ડર્સ છે. ટાટા ઈલેક્ટ્રોનિક્સ ભારતમાં એપલના બે પ્લાન્ટનું સંચાલન કરી રહી છે. વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે,એપલ ભારતમાં ભરતીનું પ્રમાણ વધારી રહી છે. જે આગામી 3 વર્ષમાં તેના વેન્ડર્સ અને કોમ્પોનન્ટ્સ સપ્લાયર્સ મારફત અંદાજિત 5 લાખ લોકોને રોજગારી આપશે. જો કે, એપલે આ અંદાજ વિશે કોઈ સત્તાવાર ટીપ્પણી કરી નથી.
40 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના
એપલે ભારતમાંથી આઈફોન મેન્યુફેક્ચરિંગ અને સેલિંગ મારફત નોંધનીય કમાણી કરતાં હવે તે સતત વિસ્તરણના માધ્યમથી મેન્યુફેક્ચરિંગ વધારવા માગે છે. જે હેઠળ તેણે રોકાણ યોજના પાંચગણી વધારી છે. આગામી 4-5 વર્ષમાં 40 અબજ ડોલર (રૂ. 3.32 લાખ કરોડ)નું રોકાણ કરવાની યોજના ધરાવે છે.
2023માં એપલે પ્રથમ વખત ભારતીય બજારમાંથી સૌથી વધુ કમાણી કરી હતી. ભારતમાં ઉત્પાદિત 10 મિલિયન આઈફોનની રેકોર્ડ નિકાસ કરી હતી. 2023-24માં એપલે 12.1 અબજ ડોલર આઈફોનની નિકાસ કરી હતી. જે 2022-23માં 6.27 અબજ ડોલર યુનિટ સામે 100 ટકા ગ્રોથ દર્શાવે છે.