SEBIની મોટી કાર્યવાહી, અનિલ અંબાણી સહિત 24 કંપનીઓ પર 5 વર્ષનો પ્રતિબંધ મૂકાતાં હડકંપ
Image: IANS |
Sebi bans Anil Ambani, 24 other entities: માર્કેટ રેગ્યુલેટર સેબીએ ડિફોલ્ટર ઉદ્યોગપતિ અનિલ અંબાણી, રિલાયન્સ હોમ ફાયનાન્સના પૂર્વ અધિકારીઓ સહિત 24 અન્ય કંપનીઓ પર ફંડ્સની હેરફેર કરવા બદલ પ્રતિબંધ મૂક્યો છે. તેઓ સિક્યુરિટી માર્કેટમાં કોઈ વ્યવહાર કરી શકશે નહીં.
અનિલ અંબાણીને 25 કરોડની પેનલ્ટી
સેબીએ અનિલ અંબાણીને સિક્યુરિટી માર્કેટમાં, કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર અથવા કી મેનેજરિયલ પર્સનલ તથા માર્કેટ રેગ્યુલેટર સાથે નોંધાયેલ કોઈપણ મધ્યસ્થી સહિતની ભૂમિકા પર પ્રતિબંધ લાદવા ઉપરાંત રૂ. 25 કરોડની પેનલ્ટી પણ ફટકારી છે. તેમજ રિલાયન્સ હોમ ફાયનાન્સ પર પણ છ માસનો પ્રતિબંધ લાદતાં રૂ. 6 લાખની પેનલ્ટી ફટકારી છે.
શું હતો મામલો?
સેબીએ 222 પાનાના અંતિમ આદેશમાં દર્શાવ્યું હતું કે, અનિલ અંબાણીએ RHFLના મુખ્ય અધિકારીઓની મદદથી RHFLમાંથી ફંડ ઉપાડી ગેરરીતિ આચરી લોન પેટે અન્ય કંપનીઓને આપ્યું હતું. RHFLના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે કૉર્પોરેટ લોનની નિયમિત સમીક્ષા અને આવી લોન પ્રક્રિયા રોકવા માટે સખત નિર્દેશો જારી કર્યા હોવા છતાં કંપની મેનેજમેન્ટે આ આદેશોની અવગણના કરી હતી. અનિલ અંબાણીના પ્રભાવ હેઠળ અમુક મુખ્ય અધિકારીઓ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ સંજોગોને જોતાં, ગુનો આચરવામાં વ્યક્તિગત અધિકારીઓની સાથે RHFL કંપની પણ પોતે તેટલો જ હિસ્સો બની છે.
આ પણ વાંચોઃ સરકાર દિગ્ગજ કંપનીઓ સાથે 1 લાખ કરોડના ટેક્સ વિવાદની પતાવટ કરશે
વધુમાં, બાકીની કંપનીઓએ RHFL પાસેથી ગેરકાયદેસર રીતે ફંડ્સ ડાયવર્ઝન કરવા ગેરકાયદેસર રીતે લોન મેળવવાની ભૂમિકા ભજવી છે. જેથી તેમના પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
અનિલ અંબાણીએ ભૂમિકાનો દુરુપયોગ કર્યો
અનિલ અંબાણીએ ADA ગ્રુપના ચેરપર્સન તરીકેના પદનો અને RHFLની હોલ્ડિંગ કંપનીમાં તેમના નોંધપાત્ર પરોક્ષ શેરહોલ્ડિંગનો દુરુપયોગ કરી છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું છે. કંપનીના મેનેજમેન્ટ અને પ્રમોટરે પોતાની સત્તાનો દુરુપયોગ કરતાં કોઈપણ પ્રકારની સંપત્તિ, રોકડ પ્રવાહ, નેટવર્થ અને આવક ન ધરાવતી કંપનીઓની હજારો કરોડની લોન મંજૂર કરી હતી. જેઓ લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા. જેમાં મોટાભાગના દેણદારો રિલાયન્સ હોમ્સના પ્રમોટર્સ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
9 લાખથી વધુ શેરધારકોને નુકસાન
રિલાયન્સ હોમ ફાયનાન્સે હજારો કરોડ રૂપિયાની લોનમાં ગેરરીતિ કર્યા બાદ ડિફોલ્ટ થઈ હતી. આ કૌંભાંડ જાહેર થતાં શેરની કિંમત બે વર્ષમાં જ રૂ. 60થી 0.75 થઈ હતી. અત્યારે પણ 9 લાખથી વધુ શેરધારકો મોટા નુકસાનનો સામનો કરી રહ્યા છે. 24 પ્રતિબંધિત સંસ્થાઓમાં રિલાયન્સ હોમ ફાયનાન્સ લિમિટેડ(RHFL)ના ભૂતપૂર્વ મુખ્ય અધિકારીઓ અમિત બાપ્ના, રવિન્દ્ર સુધલકર અને પિંકેશ આર શાહ સામેલ છે. જેમને પ્રતિબંધ અને પેનલ્ટીની સજા થઈ છે. અનિલ અંબાણી પર રૂ. 25 કરોડ, બાપ્ના પર રૂ. 27 કરોડ, સુધલકર પર રૂ. 26 કરોડ અને શાહ પર રૂ. 21 કરોડની પેનલ્ટી ફટકારાઈ હતી.
વધુમાં, રિલાયન્સ યુનિકોર્ન એન્ટરપ્રાઇઝિસ, રિલાયન્સ એક્સચેન્જ નેક્સ્ટ LT, રિલાયન્સ કૉમર્શિયલ ફાયનાન્સ લિમિટેડ, રિલાયન્સ ક્લિનજેન લિમિટેડ, રિલાયન્સ બિઝનેસ બ્રોડકાસ્ટ ન્યૂઝ હોલ્ડિંગ્સ લિમિટેડ અને રિલાયન્સ બિગ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સહિતની બાકીની સંસ્થાઓને દરેકને રૂ. 25 કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી છે.