અનંત અને રાધિકાના લગ્ન પહેલા ભારતમાં આ 10 સૌથી મોંઘા લગ્ન થયા હતા
Most Expensive Wedding In India: 12 જુલાઈએ એટલે કે આજે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન છે. આ લગ્નનું પ્રિ-વેડિંગ ઘણા સમયથી ચાલી રહ્યું છે. તેના સેલિબ્રેશનના ફોટો અને વીડિયો તો લોકો જોઈએ જ રહ્યા છે, પણ આ લગ્નના ખર્ચ અંગે પણ ઘણી ચર્ચાઓ ચાલી રહે છે. જેમાં લોકો આ લગ્નનો ખર્ચ રૂ. 3000 કરોડ થયો હોવાનું અનુમાન પણ લગાવી રહ્યા છે. એવામાં જાણીએ ભારતના દસ સૌથી મોંઘા લગ્ન વિષે...
1. સંજય હિંદુજા અને અનુ મહતાની હિંદુજા
ફેબ્રુઆરી 2015માં બિઝનેસમેન સંજય હિન્દુજા અને અનુ મહતાનીના લગ્ન થયા હતા. સુત્રો અનુસાર ઉદયપુરમાં સાત દિવસ સુધી ચાલેલા આ લગ્નમાં લગભગ 140 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પેરિસ હિલ્ટન, સલમાન ખાન, મુકેશ અંબાણી, જેનિફર લોપેઝ અને ટોની બ્લેરે તેમાં ભાગ લીધો હતો. મહેમાનોને ઉદયપુર લાવવા માટે 200 થી વધુ ચાર્ટર્ડ પ્લેન ભાડે રાખવામાં આવ્યા હતા.
2. વિક્રમ ચટવાલ અને પ્રિયા સચદેવ
ફેબ્રુઆરી 2006માં વિક્રમ ચટવાલ અને પ્રિયા સચદેવના લગ્ન ઉદયપુરના ઉમેદ ભવન પેલેસમાં થયા હતા. તેમના લગ્નનો સમારોહ 10 દિવસ સુધી દિલ્હી, મુંબઈ અને ઉદયપુરમાં ચાલ્યો હતો. જેમાં 126 દેશોમાંથી 600 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ લગ્નમાં બિલ ક્લિન્ટન, નાઓમી કેમ્પબેલ અને શાહરૂખ ખાન જેવી અનેક હસ્તીઓ સામેલ થઇ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્નમાં લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
3. આદિલ સાજન અને સના ખાન
ડેન્યુબ ગ્રુપના વંશજ આદિલ સાજન અને સના ખાનના લગ્ન એપ્રિલ 2017માં દુબઈના બુર્જ અર અરબમાં થયા હતા. જેમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને બિઝનેસમેનએ હાજરી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
4. વાસવાણી અને નવીન ફેબિયાની
વાસવાણી ગ્રુપની વારસદાર સોનમ વાસવાણી અને નવીન ફેબિયાનીના લગ્ન જૂન 2017માં વિયેનાના પ્રખ્યાત બેલ્વેડેર પેલેસમાં થયા હતા. સુત્રો અનુસાર આ લગ્નમાં 210 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
5. લલિત તંવર અને યોગિતા જૌનપુરિયા
તેમના લગ્ન માર્ચ 2011માં દિલ્હીમાં લલિતના ફાર્મ હાઉસમાં થયા હતા. જેમાં રાહુલ ગાંધી, ગુલઝાર, કપિલ દેવ, સચિન તેંડુલકર અને સુનીલ ભારતી મિત્તલ જેવી હસ્તીઓએ ભાગ લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી નેહા ધૂપિયાએ તેમાં પરફોર્મ કર્યું હતું. આ લગ્નમાં કુલ 500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
6. વનિષા મિત્તલ અને અમિત ભાટિયા
સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલની પુત્રી વનિષા મિત્તલ અને અમિત ભાટિયાના લગ્ન જૂન 2004માં થયા હતા. સગાઈનો સમારોહ ફ્રાન્સની રાજધાની પેરિસના પેલેસ ઑફ વર્સેલ્સ ખાતે તો લગ્ન પેરિસ નજીકના ઐતિહાસિક Chateau Veaux le Vicomte ખાતે થયા હતા. આ લગ્નમાં અભિનેત્રી કાઈલી મિનોગે પરફોર્મ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 550 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
7. સૃષ્ટિ મિત્તલ અને ગુલરાજ બહલ
સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલની ભત્રીજી સૃષ્ટિ મિત્તલ અને ગુલરાજ બહલે ડિસેમ્બર 2013માં સ્પેનિશ શહેર બાર્સેલોનામાં લગ્ન કર્યા હતા. તેમાં કેપ્ટન અમરિંદર સિંહ, સચિન પાયલટ, કુમાર મંગલમ બિરલા, સુનીલ મિત્તલ, અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને પણ ભાગ લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
8. બ્રહ્માણી રેડ્ડી અને રાજીવ રેડ્ડી
માઈનીંગ ટાયકૂન જી જનાર્દન રેડ્ડીની દીકરી બ્રહ્માણી રેડ્ડી અને રાજીવ રેડ્ડીના લગ્ન નવેમ્બર 2016માં થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાંચ દિવસ સુધી ચાલેલા આ લગ્નમાં લગભગ 800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. બેંગલુરુના પેલેસ ગ્રાઉન્ડમાં યોજાયેલા લગ્નમાં બ્રાઝિલના ડાન્સર્સે પરફોર્મ કર્યું હતું અને મહેમાનોને સોના અને ચાંદીના વાસણોમાં ભોજન આપવામાં આવ્યું હતું.
9. સુબ્રત રોયના પુત્રો સુશાંતો અને સીમંતો રોયના લગ્ન
સહારા ગ્રુપના દિવંગત ચીફ સુબ્રત રોયના પુત્રો સુશાંતો અને સીમંતો રોયના લગ્ન ફેબ્રુઆરી 2004માં થયા હતા. લખનઉના સહારા શહેરમાં આયોજિત આ લગ્નમાં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ ભાગ લીધો હતો. તેની ગણતરી દેશના સૌથી મોંઘા લગ્નોમાં થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્નમાં લગભગ 1,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
10. ઈશા અંબાણી અને આનંદ પીરામલ
મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન ડિસેમ્બર 2018માં આનંદ પીરામલ સાથે થયા હતા. પ્રિ-વેડિંગ સેરેમની ઉદયપુરમાં તો લગ્ન મુંબઈમાં અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયામાં થયા હતા. હિલેરી ક્લિન્ટન, બિયોન્સ, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે તેમાં ભાગ લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્નમાં 1,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મુંબઈમાં આજે 'લગ્ન લોકડાઉન' : અનંત-રાધિકાના લગ્નને કારણે અનેક ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ