અનંત અંબાણી બન્યા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પાંચ વર્ષનો રહેશે કાર્યકાળ
Anant Ambani Appointed Executive Director of Reliance Industries : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે અનંત અંબાણીને કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ આગામી પહેલી મેથી આ જવાબદારી સંભાળશે અને પદનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે. તેઓ વર્ષ 2023થી કંપનીમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. હવે તેઓ માર્કેટ કેપિટલાઈઝેશન પ્રમાણે ભારતની સૌથી મોટી કંપનીમાં સક્રિય ભૂમિકા નિભાવશે. આટલું જ નહીં કંપનીએ અનંત અંબાણીને Whole Time Director પણ બનાવ્યા છે.
રિલાયન્સ કંપનીએ સ્ટોક એક્સ્ચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું છે, કે 'રિલાયન્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 25મી એપ્રિલે થયેલી બેઠકમાં હ્યુમન રિસોર્સ, નૉમિનેશન અને રિમ્યુનેશનની ભલામણો સ્વીકારાઈ. નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીને 'હૉલ ટાઈમ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર' નિયુક્ત કરાયા.
નોંધનીય છે કે આ સિવાય પણ અનંત અંબાણી રિલાયન્સ સમૂહની અન્ય કંપનીઓમાં પણ મહત્ત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. અનંત અંબાણી વર્ષ 2020ના માર્ચ મહિનામાં જિયો પ્લેટફોર્મ્સના બોર્ડના સદસ્ય બન્યા. બાદમાં 2021માં રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ અને રિલાયન્સ ન્યૂ સોલાર એનર્જી તથા 2022માં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડ મેમ્બર બન્યા હતા.
અનંત અંબાણીના ભાઈ આકાશ અંબાણી અને બહેન ઈશા અંબાણી પહેલેથી જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આકાશ અંબાણી રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન છે જ્યારે ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.