ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો અને મંદ જીડીપી ગ્રોથ માટે આરબીઆઈના પૂર્વ ગવર્નર જવાબદાર, નિષ્ણાતોએ આપ્યો મત
RBI Former Governor Policy: દેશના ફોરેક્સ રિઝર્વમાં સતત ઘટાડો તેમજ જીડીપી ગ્રોથ મંદ પડવા પાછળ આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. દેશનું ફોરેક્સ રિઝર્વ 3 જાન્યુઆરીએ 634 અબજ ડોલર સાથે 10 માસના તળિયે પહોંચ્યું છે. જે ઓલટાઈમ હાઈથી અત્યારસુધીમાં 70 અબજ ડોલર ઘટી ચૂક્યું છે. આ ઘટના માટે પણ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના પૂર્વ ઈક્વિટી હેડ સંદીપ સભરવાલ શક્તિકાંત દાસની પોલિસીને જવાબદાર ઠેરવી રહ્યા છે.
સભરવાલે સોશિયલ મીડિયા એક્સ પર ટ્વિટ કર્યું હતું કે, ભારતનું ફોરેક્સ રિઝર્વ દસ માસના તળિયે પહોંચ્યું છે. આરબીઆઈના પૂર્વ ગવર્નરની પોલિસીઓના કારણે રૂપિયો સ્થિર રહ્યો હતો. જ્યારે બીજી તરફ ડોલર તમામ કરન્સીઓના મુકાબલે ઝડપથી વધી રહ્યો હતો. સ્પોટ અને ફોરવર્ડ ડોલરની વેચવાલીના કારણે ફોરેક્સ રિઝર્વ ઘટ્યું છે. દાસએ જીડીપી ગ્રોથ જાણી જોઈને વધારીને રજૂ કર્યો અને કેશને સીમિત રાખતાં વ્યાજદરો ઊંચા રાખ્યાં, તેના કારણે જીડીપી ગ્રોથ મંદ પડ્યો છે. તેમની આ નીતિઓનો ભોગ દેશ બન્યો છે.
આ પણ વાંચોઃ ... તો હું ચૂંટણી નહીં લડું', દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે ભાજપને આપી 2 ચેલેન્જ
શક્તિકાંત દાસના કાર્યકાળ દરમિયાન, વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે રૂપિયાને સ્થિર કરવા માટે આરબીઆઈએ ફોરેક્સ રિઝર્વ માર્કેટમાં આક્રમક રીતે હસ્તક્ષેપ કર્યો હતો. જો કે આ ક્રિયાઓ તાત્કાલિક સ્થિરતા પ્રદાન કરવા માટે વ્યાપકપણે વખાણવામાં આવી હતી. પરંતુ વાસ્તવમાં તેની કિંમત ચૂકવવી પડી, જેનાથી રિઝર્વ ઘટી અને લિક્વિડિટી પણ ઘટી છે.
બજાર વિશ્લેષકોએ જણાવ્યું હતું કે દાસના કાર્યકાળ દરમિયાન, આરબીઆઈએ રૂપિયાની વોલિટિલિટી ઘટાડવા ફોરેક્સ રિઝર્વની વેચવાલી નોંધાવી હતી. આ અભિગમને ટૂંકા ગાળા માટે સ્થિરતા પ્રદાન કરવા માટે સફળ રહ્યો પરંતુ લાંબા ગાળે તેની વિપરિત અસરો થઈ.
ફોરેક્સ સળંગ પાંચ સપ્તાહ ઘટી
આરબીઆઈના તાજેતરના ડેટા અનુસાર, ભારતનું ફોરેક્સ રિઝર્વ સળંગ પાંચ સપ્તાહથી ઘટી 3 જાન્યુઆરી સુધીમાં 634.59 અબજ ડોલરે પહોંચ્યું હતું. જે સપ્ટેમ્બર અંતમાં 704.89 અબજ ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએ હતું.
ભારત માટે ચિંતાનો વિષય
નોમુરાના વિશ્લેષકોએ જણાવ્યું કે, આરબીઆઈની દખલગીરીથી કેપિટલ આઉટફ્લો અને ડોલર જમાખોરીમાં વૃદ્ધિ થઈ શકે છે. આગામી સમયમાં ડોલરની તેજીને ધ્યાનમાં લેતાં રૂપિયો વધુ તૂટવાની ભીતિ જોવા મળી છે. ભારતનો જીડીપી ગ્રોથ પણ 2024-25માં 6.4 ટકા રહેવાનો અંદાજ છે. જે ચાર વર્ષના તળિયે છે.