SME IPOમાં છ ઈન્વેસ્ટમેન્ટ બેંકરોની ભૂમિકાની તપાસ

- એકથી ત્રણ ટકાની પ્રમાણિત રેન્જની તુલનાએ ઈસ્યુ છલકાવવાની ખાતરી માટે આઈપીઓ ફંડના ૧૫ ટકા જેટલી ફી વસુલતા ઈન્વેસ્ટમેન્ટ બેંકરો

- ચાઈના બાદ હવે ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ બેંકરો પર સેબીની તવાઈ

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
SME IPOમાં છ ઈન્વેસ્ટમેન્ટ બેંકરોની ભૂમિકાની તપાસ 1 - image


નવી દિલ્હી રૂ ચાઈનાએ તાજેતરમાં તેના મૂડી બજારમાં ઈન્વેસ્ટમેન્ટ બેંકરોની ગુનાહિત ભૂમિકાને લઈ કેટલાક બેંકરોની જેલના સળીયા પાછળ ધકેલ્યા બાદ હવે ભારત સરકાર અને ખાસ મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પણ સફાળા જાગ્યું હોય એમ પ્રાઈમરી માર્કેટમાં બેફામ  બનેલા અને અસંખ્ય એસએમઈ આઈપીઓ લાવી ચાલતાં બેરોકટોક ભરણું અસાધારણ છલકાવવાની અને લિસ્ટિંગ સાથે શેરોમાં તોફાન મચાવવાની પ્રવૃતિઓને લઈ દંડાત્મક પગલાં લેવાની કવાયત શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

મૂડી બજાર નિયમનકારી સંસ્થા સેબીએ નાના બિઝનેસોને આઈપીઓ લાવવા આગળ લાવતી છ જેટલા સ્થાનિક ઈન્વેસ્ટમેન્ટ બેંકની ગેરપ્રવૃતિ મામલે ચિંતા વ્યક્ત કરી તેમની ભૂમિકાની તપાસ શરૂ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

 સેબીએ આમ તો આ મામલામાં આ વર્ષની શરૂઆતમાં તપાસ શરૂ કરી હતી અને બેંકો દ્વારા ચાર્જ કરાતી ફી પર ફોક્સ કર્યાનું સૂત્રોએ પોતાની ઓળખ નહીં આપવાની શરતે જણાવ્યું હતું. આ મામલામાં મળતી માહિતી મુજબ ઈન્વેસ્ટમેન્ટ બેંકો દ્વારા કંપનીઓ પાસેથી આઈપીઓ થકી ઊભા કરવામાં આવનાર ફંડના ૧૫ ટકા જેટલી ફી વસુલવામાં  આવી રહી છે. જે ભારતમાં ૧થી ૩ ટકાની પ્રમાણીત ગણાતી રેન્જ કરતાં અનેકગણી વધુ ચાર્જ કરાઈ રહી હોવાનું જોવાયું છે.

ભારતમાં વાર્ષિક રૂપિયા પાંચ કરોડથી લઈ રૂ.૨૫૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓનું બીએસઈ અને  એનએસઈ પર અલગ અલગ પ્લેટફોર્મ્સ પર લિસ્ટિંગ થતું હોય છે. મોટા કદના આઈપીઓની તુલનાએ નાના-મધ્યમ કદના એસએમઈ આઈપીઓ કે જેનું આકલન-મંજૂરી એક્સચેન્જો દ્વારા આપવામાં આવે છે એમાં ઓછું ડિસ્કલોઝર કરવાનું રહે છે. જ્યારે મોટા કદના આઈપીઓને સેબી દ્વારા મંજૂરી આપવામાં આવે છે.

સૂત્રોનું કહેવું છે કે, સેબીની પ્રાથમિક તપાસ સૂચવે છે કે, આઈપીઓ ઓવરસબક્રાઈબ કરવાની ખાતરી આપવા ઊંચી ફી ચૂકવવામાં આવતી હોવાનું કહેવાય છે. સેબી હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો અને સામાન્ય રિટેલ ઈન્વેસ્ટરો બન્ને થકી મોટી સંખ્યા અને કદમાં જંગી બીડ્સ ભરવા નિયમોને તોડનારા બેંકો અને કેટલાક ઈન્વેસ્ટરોની સાંઠગાઠથી થતી પ્રવૃતિઓ પર લગામ લગાવવા માગે છે. સૂત્રોનું કહેવું છે કે, આ બીડ્સ ખરેખર સાચી હોતી નથી અને એલોટમેન્ટ સમયે કેન્સલ કરાતી હોય છે, પરંતુ ઊંચુ ભરણું છલકાયું હોવાનું જોઈ સામાન્ય રોકાણકારો રોકાણ કરવા લલચાતા હોય છે.

ભારતમાં નાના બિઝનેસો એટલે કે એસએમઈ સેગ્મેન્ટના આઈપીઓ માટે ૬૦થી વધુ ઈન્વેસ્ટમેન્ટ બેંકો સક્રિય છે. માર્ચ ૨૦૨૪ના પાછલા નાણા વર્ષમાં નાની ૨૦૫ કંપનીઓએ રૂ.૬૦૦૦ કરોડથી વધુ મૂડી ઊભી કરી છે, જે એ પૂર્વેના વર્ષમાં ૧૨૫ કંપનીઓએ રૂ.૨૨૦૦ કરોડ ઊભા કરાયા હતા.

એપ્રિલથી ઓગસ્ટના ચાલુ વર્ષના સમયગાળામાં ૧૦૫ કંપનીઓએ રૂ.૩૫૦૦ કરોડથી વધુ મૂડી આઈપીઓ થકી ઊભી કરી છે. સેબીના વરિષ્ઠ અધિકારી અશ્વની ભાટીયાએ અગાઉ જણાવ્યું હતું કે, નાના અને મધ્યમ કદની કંપનીઓના આઈપીઓમાં ચકાસણીમાં અભાવ-ઊણપ થઈ રહી છે. સેબી આ માટે નિયમો વધુ આકરાં કરવાની ટૂંક  સમયમાં દરખાસ્ત કરશે.


Google NewsGoogle News