હવે પછીની મહામારી સામે ટકી રહેવા અમેરિકાએ દેવાબોજ ઘટાડવો પડશેઃ રાજન
- દેવાબોજ વધારી રહેલા દેશો મહામારી સામે પોતાને સંકટમાં મૂકી રહ્યા છે
મુંબઈ : અગાઉ કરતા વધુ મહામારીઓ આવવાના રહેલા જોખમોને ધ્યાનમાં રાખી અમેરિકા અને હરિફ દેશોમાં જાહેર દેવાને વધુ વધવા દેવું જોઈએ નહીં એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનને એક અહેવાલમાં કહેતા ટંકાયા હતા.
જે દેશો તેમના દેવાબોજને સતત વધારી રહ્યા છે તેઓ હવે પછીની મહામારી સામે પોતાને સંકટમાં મૂકી રહ્યા હોવાનું રાજને ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું.
વૈશ્વિક નાણાંકીય કટોકટી ઉપરાંત કોરોનાનો આપણે સામનો કરી ચૂકયા છીએ અને લોકો કહે છે, કે આગામી સદીમાં મહામારીઓ સમયાંતરે ત્રાટકતી રહેશે, માટે દેવાબોજ વધારીને આપણે ખૂશ થવું જોઈએ નહીં.
ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે (આઈએમએફ) ગયા મહિને જારી કરેલા રિપોર્ટમાં અમેરિકાના દેવામાં સતત વધારો થતો જોવા મળશે તેવી ચેતવણી ઉચ્ચારી છે એટલે પોતાની આ ચેતવણી અમેરિકા માટે બંધબેસે છે.
વર્તમાન વર્ષના અંત સુધીમાં અમેરિકા તથા ચીનની આગેવાનીમાં વૈશ્વિક જાહેર દેવું ૧૦૦ ટ્રિલિયન ડોલર અથવા વૈશ્વિક જીડીપીના ૯૩ ટકા પર પહોંચી જવાની આઈએમએફ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે.
આવશ્યકતાના સમયે કામ લાગી શકે માટે દેવાબોજ ઘટાડવો રહ્યો અને દેવાબોજના જોખમોને ઓછા આંકી શકાય નહીં. ઊંચા દેવાબોજને કારણે દેશો એકબીજાને મદદ કરી શકતા નથી જે વિશ્વ માટે વધુ એક નબળાઈ છે, એમ રાજને વધુમાં જણાવ્યું હતું.