ટ્રમ્પને ટેરિફ નીતિ ભારે પડી! યુરોપ-કેનેડા ગાંઠતા નથી, ભારત-ચીન-રશિયા પણ એક થયા
America Tariff War : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રગટાવેલી ટેરિફ વોરના કારણે આગામી અઠવાડિયાથી વિશ્વને ટેરિફ, રેસિપ્રોકલ ટેરિફ અને તેના પગલે ઊભા થઇ રહેલા વિવાદોની જ્વાળાની ગરમીની તીવ્રતાનો અનુભવ થવા લાગશે. આર્થિક ક્ષેત્રે સંકળાયેલા લોકોની નજર સોમવારના બજાર પર સ્થિર થઈ ગઈ છે. અમેરિકાનાં બજારો તૂટ્યાં છે. ડાઉ જોન્સ નબળો ચાલી રહ્યો છે. સતત ત્રણ દિવસથી તેમાં પીછહઠ જોવા મળી રહી છે, જે અમેરિકામાં મંદીનો સંકેત આપી રહ્યા છે. ભારતનું શેરબજાર હજુ સંભવિત તેજીની ભ્રમણામાંથી બહાર આવતું નથી. તૂટેલા બજારમાં સસ્તા ભાવની સ્ક્રિપ ખરીદીને લોકો પોતાને ગણતરીબાજ રોકાણકાર સમજી રહ્યા છે. રિવર્સ ટેરિફ સામે ભારતે હજુ સુધી કોઇ વ્યૂહરચના તૈયાર કરી હોય એેમ લાગતું નથી.
ભારત અમેરિકા સાથે ફરી ટેરિફ મુદ્દે ચર્ચા કરશે
ભારત સરકારના પ્રતિનિધિ આવતા સપ્તાહે ફરી અમેરિકા જશે અને ટેરિફના મુદ્દે ચર્ચા કરશે. ‘અમેરિકા ફર્સ્ટ’ની વાત ભારપૂર્વક કર્યા કરતા પ્રમુખ ટ્રમ્પ બહુ બાંધછોડ કરે તેવું દેખાતું નથી, છતાં બીજી એપ્રિલ સુધી ભારત પ્રયાસો કર્યા કરશે. ભારતે તેના લોકલ માર્કેટમાં ઊભા થયેલા મોંધવારીના ટેન્શનને હળવું કરવાની જરૂર છે. તેની સીધી અસર રોજીંદી ચીજોના ભાવવધારા પર થઇ રહી છે. છૂટક બજારમાં મળતી ચીજોના ભાવોમાં થયેલો વધારો, વિદેશી રોકાણકારોની પીછેહઠ, તૂટતો રૂપિયો અને ટ્રમ્પનું ટેરિફ શસ્ત્ર વગેરે મુદ્દો ભારતના આર્થિક નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ભારત સરકાર પણ મૂંઝવણમાં છે, કેમ કે રોજીંદી ચીજોના ભાવો તમામ નાગરિકોના ખિસ્સાં પર કાતર ફેરવી રહ્યા છે.
ટ્રમ્પ બહુ કડક પગલાં લેવાના મૂડમાં
ગયા અઠવાડિયે સેન્સેક્સ અને નિફ્ટીમાં થોડો સુધારો જોવો મળ્યો હતો, પરંતુ ઉછાળો મારતા શેરબજાર પર અચાનક જ બ્રેક વાગી ગઈ છે. જ્યારથી ટ્રમ્પે ભારતને ઓઇલ ખરીદવાની ફરજ પાડી છે ત્યારથી ભારતનાં બજારોને સમજાઈ ગયું છે કે ટ્રમ્પ બહુ કડક પગલાં લેવાના મૂડમાં છે. યુરોપ અને કેનેડા જેવા કેટલાક દેશો ટેરિફના મામલે ટ્રમ્પને ગાંઠતા નથી. તેથી ટ્રમ્પ વઘુ ભૂરાંટા થયા છે. બીજી તરફ, ચીન-રશિયા-ભારતની નવી ધરી તૈયાર થઇ રહી હોવાની વાતોથી પણ ટ્રમ્પ અકળાયેલા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને ટેરિફ મારફતે લૂંટતા દેશોને અમે નહીં છોડીએ. તેઓ ભારતનું નામ સીઘું લેતા નથી, પરંતુ તેમના ઈશારો ભારત તરફ પણ છે તેમાં બેમત નથી.
સ્થાનિક રોકાણકારોના કારણે બજારમાં થોડી સ્થિરતા
વિદેશી રોકાણો પર નજર કરીએ તો આ રોકાણકારોએ 15,501 કરોડ પાછા ખેંચ્યા છે, તો સ્થાનિક રોકાણકારોએ 20,950 કરોડનું રોકાણ કર્યું છે. સ્થાનિક રોકાણકારોના કારણે બજાર થોડી સ્થિરતા પ્રાપ્ત કરી શક્યું છે. કોર્પેરેટ કંપનીઓના આવકના આંકડા બહાર આવશે ત્યારે થોડી વધારે સ્થિરતા જોવા મળશે એવી અપેક્ષા રાખી શકાય. સરકારે તૂટતા રૂપિયાના સ્થિર કરવા અનેક પ્રયાસો કર્યા છે. જોકે રૂપિયો હવે બહુ કિમતી રહ્યો નથી તેમજ લાંબો સમય સ્થિર રહી શકે એમ નથી. ડોનાલ્ડ ટ્રમ્પે પેદા કરેલી ટેરિફ વોર હજુ અનિશ્ચિત છે. દરમિયાન બે ઘટનાઓ તરફ સૌનું ઘ્યાન ખેંચાયું છે. એક, ટ્રમ્પના ખાસ મનાતા ઇલોન મસ્કે મુબઇમાં શોરૂમ ટેસ્લાના શોરૂમ માટે જગ્યા ખરીદીને ભારતમાં પધરામણી કરવાની જાહેરાત કરી દીધી છે. બીજી ઘટનામાં, ઇલોન મસ્કની સ્ટારલિંક કંપની ભારતની એરટેલ અને જીયો સાથે મળીને સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ પુરી પાડશે એવા સમાચાર. સ્ટારલિંકના કારણે ભારતનાં અંતરિયાળ ગામોને ઇન્ટરનેટથી જોડી શકાશે. ભારત ખેર, હાલ સાચવી સાચવીને કદમ માંડી રહ્યું છે.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, અનેક લોકોને ઈજા