અમેરિકાના મોટા નિર્ણયથી સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી ! ભારતને થયો મોટો ફાયદો
સાઉદી અરેબિયાએ ક્રુડ ઉત્પાદન વધારવાની અમેરિકા વાત ન માનવી ભારે પડી
સાઉદીની ક્રુડની માંગ ઘટી, અમેરિકાએ રેકોર્ડ સ્તરે ક્રુડ ઓઈલનું ઉત્પાદન કર્યું
નવી દિલ્હી, તા.07 નવેમ્બર-2023, ગુરુવાર
અમેરિકા ઘણા મહિનાઓથી સાઉદી અરેબિયાને તેલ ઉત્પાદન વધારવાની માંગ કરી રહ્યું હતું, જોકે સાઉદી અરેબિયાએ અમેરિકાની વાત માની નહીં અને હવે તેને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સાઉદી અરેબિયાએ મનમાની કરી તો અમેરિકાએ પોતાનું ક્રુડ ઉત્પાદન વધારી દીધું... અમેરિકાના આ નિર્ણય બાદ સાઉદી અરેબિયાએ મજબુર થવું પડ્યું છે અને પોતાના ક્રુડની માંગ વધારવા કિંમતો પર કાપ મુકી રહ્યો છે. બ્લૂમબર્ગના અહેવાલો મુજબ સાઉદીની સરકારી ક્રુડ કંપની અરામકોએ એશિયામાં જાન્યુઆરીમાં વેચનાર ક્રુડ ઓઈલ ‘અરબ લાઈટ ક્રુડ’ની કિંમતો 50 સેંટથી ઘટાડી 3.50 ડૉલર પ્રતિ બેરલ ટાડી દીધી છે. અરામકોએ જૂન બાદ પોતાના ક્રુડની કિંમતમાં પ્રથમવાર ઘટાડો કર્યો છે.
સાઉદી અરેબિયાની ક્રુડની માંગ ઘટી, અમેરિકાએ રેકોર્ડ સ્તરે ક્રુડ ઓઈલનું ઉત્પાદન કર્યું
સાઉદી અરેબિયા દ્વારા ક્રુડની કિંમતોના ઘટાડાની બાબત પરથી એવું કહી શકાય કે, મુખ્ય ક્રુડ નિકાસકાર સાઉદી અરેબિયાની ક્રુડની માંગ ઘટી રહી છે. સાઉદી અરેબિયા અમેરિકા જેવા અન્ય ઉત્પાદક દેશોમાં ક્રુડ પુરવઠો વધારી દીધો હોવાના કારણે ક્રુડની કિંમતો ઘટાડવા મજબુર થયું છે. તાજેતરના સપ્તાહોમાં ખાસ કરીને મીઠા અને લો સલ્ફરવાળા ક્રુડ ઓઈલની કિંમતો નીચે જઈ રહી છે. બ્લૂમબર્ગના અહેવાલો મુજબ, આનું મુખ્ય કારણ અમેરિકાએ ક્રુડ ઓઈલની નિકાસ વધારી હોવાનું કહેવાય છે. એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બરમાં અમેરિકાનું ક્રુડ ઓઈલનું ઉત્પાદન પ્રતિ દિવસ 1.32 કરોડ બેરલના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે.
અમેરિકા સહિત અન્ય દેશોએ પણ સાઉદ અરેબિયાની મુશ્કેલી વધારી
સાઉદી અરેબિયા અને રશિયાએ આગામી વર્ષ માટેના ક્રુડ ઉત્પાદન પર કામ મુકવાની જાહેરાત કર્યા બાદ અમેરિકા અને બ્રાઝીલ જેવા બિન-ઓપેક પ્લસ દેશો પણ ક્રુડ ઓઈલનું ઉત્પાદન વધારી રહ્યા છે. ઉપરાંત ઓપેકની બહારના દેશોએ તેલ ઉત્પાદન વધારતા ક્રુડ ઓઈલની કિંમતો વધી ગઈ છે, જેના કારણે સાઉદી અરેબિયાએ ક્રુડ મામલે ભારે સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.
અમેરિકા સહિતના દેશોએ સાઉદી અરેબિયાનો ખેલ બગાડતા ભારતને થશે ફાયદો
ઉલ્લેખનિય છે કે, ભારત એક ક્રુડ ઓઈલ આધારીત અર્થવ્યવસ્થા છે. દેશમાં ઘણીવાર ક્રુડ ઓઈલની વધતી-ઘટતી કિંમતો મોંઘવારીને અસર પહોંચાડતી હોય છે. ભારત 80 ટકાથી વધુ ક્રુડ ઓઈલ આયાત કરે છે, જેમાં રશિયા, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, ઈરાક જેવા દેશોમાંથી સૌથી વધુ ક્રુડ ઓઈલનું આયાત કરે છે, ત્યારે અમેરિકાએ ક્રુડ ઓઈલનું ઉત્પાદન વધારતા તેમજ સાઉદી અરેબિયાએ ક્રુડ ઓઈલની કિંમતો ઘટાડવા ભારતને જ ફાયદો થશે. સાઉદી અરેબિયાએ એશિયાઈ માર્કેટ માટે પોતાના ક્રુડ ઓઈલની કિંમતો ઘટાડી છે, જે ભારતમાં માટે ફાયદાકારક સાબિત થશે. અમેરિકાએ સાઉદી અરેબિયાનો ખેલ બગાડતા હવે ભારતનો પણ ફાયદો શરૂ થઈ ગયો છે, જેમાં ગઈકાલે બુધવારે ક્રુડ ઓઈલની કિંમતો સસ્તી થતા જ દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો.