Get The App

શેર બજારમાં ધોવાણ સાથે એલઆઇસીના રૂ. 83,000 કરોડ પણ ધોવાયા

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
શેર બજારમાં ધોવાણ સાથે એલઆઇસીના રૂ. 83,000 કરોડ પણ ધોવાયા 1 - image


- વીમા જાયન્ટનું 330 કંપનીઓમાં એક ટકાથી વધુ હોલ્ડિંગ 

- એલઆઈસીનું એકંદર હોલ્ડિંગ રૂપિયા 14.72 ટ્રિલિયન થયું :ટીસીએસ, એસબીઆઈ, એલએન્ડટી, જિઓ ફાઈનાન્સિઅલ, એચસીએલ ટેકમાં મોટું ધોવાણ 

મુંબઈ : ગયા વર્ષના ઓકટોબરથી દેશના શેરબજારોમાં શરૂ થયેલો  આક્રમક ઘટાડો ૨૦૨૫માં પણ ચાલુ રહેતા સરકાર હસ્તકની વીમા કંપની લાઈફ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)ના પોર્ટફોલિઓમાં ૨૦૨૫ના પ્રથમ દોઢ મહિનામાં કુલ રૂપિયા ૮૩૦૦૦ કરોડનું ગાબડુ પડયું છે. પ્રાપ્ત ડેટા પ્રમાણે ડિસેમ્બર, ૨૦૨૪ ત્રિમાસિકના અંતે દેશની લિસ્ટેડ કંપનીઓમાં એલઆઈસીનું એકંદર હોલ્ડિંગ જે રૂપિયા ૧૪.૭૨ ટ્રિલિયન રહ્યું હતું તે ૧૯ ફેબુ્રઆરીના અંતે ઘટી રૂપિયા ૧૩.૮૯ ટ્રિલિયન પર આવી ગયું છે. 

આમ ૨૦૨૪ના અંત અત્યારસુધીમાં એલઆઈસીના ઈક્વિટી હોલ્ડિંગમાં રૂપિયા ૮૩૨૪૦ કરોડ અથવા  અંદાજે ૫.૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. 

ડિસેમ્બર ત્રિમાસિકના અંતે એલઆઈસીનું ૩૩૦ કંપનીઓમાં એક ટકાથી વધુ હોલ્ડિંગ હતું તેના અભ્યાસને આધારે આ અંદાજ મેળવાયો હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું. 

બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓના એકંદર માર્કેટ કેપમાં  આ ૩૩૦ કંપનીઓનો હિસ્સો ૬૭ ટકા જેટલો થવા જાય છે. 

એલઆઈસીના હોલ્ડિંગ સાથેની કંપનીઓ જેમ કે ટીસીએસ, એસબીઆઈ, એલએન્ડટી, જિઓ ફાઈનાન્સિઅલ સર્વિસીસ, એચસીએલ ટેકનો, અદાણી વગેરેના શેરભાવમાં વર્તમાન વર્ષના પ્રારંભથી નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 

મોટાભાગના ક્ષેત્રો જેમ કે ફાઈનાન્સિઅલ, ફાર્મા, વીજ, માળખાકીય વગેરેમાં વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી આવતા શેરભાવમાં  મોટો ઘટાડો જોવા મળ્યો હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. 

અમેરિકા દ્વારા શરૂ થયેલી ટેરિફ વોરને પરિણામે દેશના શેરબજારમાં શરૂ થયેલી વોલેટિલિટીને ધ્યાનમાં રાખતા શેરભાવ ફરી ઊંચકાવાની શકયતા હાલમાં જોવાતી નથી .ગયા વર્ષના ઓકટોબરથી અત્યારસુધીમાં ભારતીય ઈક્વિટી કેસમાં વિદેશી રોકાણકારોની  અંદાજેૈ રૂપિયા ૨.૯૪ લાખ કરોડની નેટ વેચવાલી આવી છે. બીએસઈ પર લિસ્ટેડ શેરોની સંયુકત માર્કેટ કેપમાં  સપ્ટેમ્બર, ૨૦૨૪ની ટોચેથી  છેલ્લા સાડાચાર મહિનામાં રૂપિયા ૭૪ લાખ કરોડથી વધુનું ધોવાણ થયાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે.   

વણસતી ભૂરાજકીય સ્થિતિ અને સપ્લાય ચેઈનમાં વિક્ષેપોને કારણે કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના ત્રીજા ક્વાર્ટરમાં આવેલી મંદીની અસર માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય દેશો પર પણ પડી છે. 


Google NewsGoogle News