Get The App

સેબી જેવી સંસ્થાઓ પણ કોર્પોરેટ જૂથોની કઠપૂતળી, હિંડનબર્ગના ધડાકા પછી નાણાકીય સિસ્ટમ સામે સવાલ

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News

Hindenburg report On SEBI





Hindenburg Report On Sebi Chairperson: હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથની કંપનીઓના શેરમાં થતી ગેરરીતિનો સનસનીખેજ ખુલાસા કર્યા પછી દેશની નાણાકીય સિસ્ટમ સામે અનેક સવાલ સર્જાયા હતા. હવે હિંડનબર્ગ રિસર્ચે 10 ઓગસ્ટે અદાણી અને સેબીની સાંઠગાંઠની પણ પોલ ખોલી નાંખી. હિંડનબર્ગનો દાવો છે કે અદાણી જૂથની વિદેશી સંપત્તિમાં સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પણ હિસ્સો ધરાવે છે. આ દાવાથી દેશમાં શેરબજારનું નિયમન કરનારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાની પ્રતિષ્ઠા ધૂળધાળી થઈ ગઈ છે. 

સરકાર અને કોર્પોરેટ્સની કઠપૂતળી જેવું વર્તન 

હિંડનબર્ગના રિપોર્ટમાં એવો સંકેત અપાયો છે કે, અદાણી જૂથની વિદેશી સંપત્તિમાં સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પણ હિતો ધરાવતા હતા. આ જ કારણસર સેબીએ 18 મહિના પછીયે અદાણી જૂથ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી. નોંધનીય છે કે, હિંડનબર્ગે 18 મહિના પહેલા અદાણી જૂથ કેવી રીતે તેની કંપનીઓના શેરની કિંમતમાં ગેરકાયદે રીતે વધારો ઘટાડો કરે છે, તેનો પર્દાફાશ કર્યો હતો. આ જ કારણસર કોર્પોરેટ જગતમાં ચર્ચા છે કે, સેબી જેવી નિયામક સંસ્થાઓ કોર્પોરેટ જગત અને સરકારની કઠપૂતળીથી વિશેષ કશું જ નથી. 

માધબી બુચની સાંઠગાંઠની તપાસ થવી જરૂરી

હિંડનબર્ગના તાજા રિપોર્ટમાં દાવો કરાયો છે કે, અદાણી જૂથે મોરેશિયસ સહિતના દેશોમાં અનેક શેલ કંપનીઓ ઊભી કરીને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો કર્યા છે. તેમાં નાણાકીય લેવડદેવડ, શંકાસ્પદ રોકાણો અને શેરબજારની ગરબડો સહિતના અનેક વ્યવહારો સામેલ છે. આ દાવો કરીને હિંડનબર્ગના રિપોર્ટમાં ભારપૂર્વક જણાવાયું છે કે, આ પ્રકારમાં મજબૂત પુરાવા અને અન્ય 40 મીડિયા હાઉસ દ્વારા કરાયેલી ઊંડી તપાસ પછી પણ સેબીએ અદાણી જૂથ સામે કોઈ પગલાં નથી ભર્યા. તેનું કારણ એ છે કે માધબી પુરી બુચ અને તેમના પતિ અદાણી જૂથના મોરેશિયસ અને બર્મુડા સ્થિત વિદેશી ફંડોમાં રોકાણ ધરાવે છે. ભારતના નાણાકીય બજારમાં ગેરકાયદે રીતે ગરબડ કરવા માટે અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ  આ જ ફંડોનો ઉપયોગ કર્યો હતો. 

આ પણ વાંચોઃ હિંડનબર્ગની દુનિયાભરમાં ચર્ચા, જાણો કોણ છે તેનો માલિક નથાન અને કેવી રીતે કમાય છે આ કંપની?

માધબી બુચ આરોપો ફગાવાથી નિર્દોષ સાબિત નથી થતા 

માધબી બુચે હિંડનબર્ગ રિપોર્ટમાં કરાયેલા તમામ આરોપો ફગાવી દીધા છે, પરંતુ આરોપો ફગાવી દેવાથી તેઓ નિર્દોષ સાબિત નથી થતા. અહીં બીજો પણ એક ઉલ્લેખ કરવો જરૂરી છે. દેશની ટોચની નિયમનકારી સંસ્થાઓ પર કંઈ પહેલીવાર આવા આરોપ નથી લાગ્યા. અગાઉ પણ ઘણી વાર આ સંસ્થાઓના ટોચના હોદ્દેદારોએ તેમની સત્તાનો દુરુપયોગ કર્યાના સમાચારો આવી જ ચૂક્યા છે. જેમ કે, એનએસઈનું કો-લોકેશન કૌભાંડ કેવી રીતે ભૂલી શકાય. એનએસઈના પૂર્વ એમડી અને સીઈઓ સહિત લગભગ 18 લોકોને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. જેમાં તત્કાલીન રાજકારણીઓની પણ સાંઠગાંઠ હતી. 

શું હતું એનએસઈનું કો-લોકેશન કૌભાંડ

વર્ષ 2015ની વાત છે. દેશના અગ્રણી સ્ટોક એક્સચેન્જ ગણાતા NSEના હોદ્દેદારોએ ઈક્વિટી માર્કેટ સંબંધિત મહત્ત્વની માહિતી અમુક લોકોને અગાઉથી જ આપી દેતા હતા. એનએસઈના અલ્ગો-ટ્રેડિંગ અને કો-લોકેટેડ સર્વર્સની મદદથી કેટલાક ઉચ્ચ હોદ્દેદારો તેમના મળતિયા શેર બ્રોકર્સને અગાઉથી જ શેરની સ્થિતિ જણાવી દેતા હતા. આ રીતે એનએસઈના ઉચ્ચ હોદ્દેદારોએ શેરબજાર અને તેની કિંમતો પર વિપરિત અસર પડે એવી રીતે સાંઠગાંઠ કરી હતી.  ત્યાર પછી આ ઘટના કો-લોકેશન કૌભાંડ તરીકે જાણીતી થઈ. સેબીને જાન્યુઆરી 2015માં એક વ્હિસલ-બ્લોઅરે પત્ર લખીને માહિતી આપી, ત્યારે આ કૌભાંડનો પર્દાફાશ થયો. આ પત્રમાં આક્ષેપ કરાયો હતો કે, ટ્રેડિંગ સભ્યો કેટલાક એક્સ્ચેન્જ અધિકારીઓ સાથે મિલીભગત કરીને આગોતરી જાણકારીનો લાભ ઉઠાવી રહ્યા છે. આ કૌભાંડમાં પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમનું નામ પણ ઉછળ્યું હતું.  

આરબીઆઈને પણ સરકાર કઠપૂતળી બનાવે છે

દેશની સેન્ટ્રલ બેન્ક આરબીઆઈને પણ સરકાર કઠપૂતળી બનાવવા માગતી હોવાના કિસ્સા અવારનવાર જોવા મળ્યા છે. આરબીઆઈની કામગીરીમાં સરકારની દખલગીરી અને સરકારના દબાણના કારણે ભૂતકાળમાં ગવર્નરે રાજીનામું આપી દીધું હોય એવી ઘટનાઓ પણ નોંધાઈ ચૂકી છે. જેમ કે, આરબીઆઈની કામગીરીમાં સરકારના હસ્તક્ષેપથી કંટાળીને રઘુરામ રાજન અને ઉર્જિત પટેલે પણ રાજીનામાં આપી દીધા હતા.

સેબી જેવી સંસ્થાઓ પણ કોર્પોરેટ જૂથોની કઠપૂતળી, હિંડનબર્ગના ધડાકા પછી નાણાકીય સિસ્ટમ સામે સવાલ 2 - image


Google NewsGoogle News