શું હવાઈ મુસાફરી મોંઘી થશે? એટીએફના ભાવ સતત બીજા મહિને વધ્યા
ATF Price Hike In August: આંતરરાષ્ટ્રીય ક્રૂડના વધતા ભાવોના પગલે કેન્દ્ર સરકારે વિમાન ઈંધણ (એટીએફ)ના ભાવમાં 2 ટકાનો વધારો કર્યો છે. સાથે હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર (19 કિગ્રા)ની કિંમતમાં રૂ. 6.5 પ્રતિ સિલિન્ડરની વૃદ્ધિ થઈ છે. ગવર્નમેન્ટ ફ્યુલ રિટેલર્સના વેલ્યૂ નોટિફિકેશન અનુસાર, દિલ્હીમાં વિમાન ટર્બાઈન ઈંધણ (એટીએફ)ની કિંમત રૂ. 1827.34 પ્રતિ કિલોલીટર (1.9 ટકા વધી રૂ. 97975.72 પ્રતિ કિલોલીટર) થઈ છે.
સતત બીજી વખત વધારો
એટીએફના ભાવમાં સતત બીજા મહિને વધારો કરવામાં આવ્યો છે. 1 જુલાઈના એટીએફના ભાવમાં 1.2 ટકા (રૂ. 1179.37 પ્રતિ કિલોલીટર)નો વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ એક જૂનના 6.5 ટકા (રૂ. 6673.87 પ્રતિ કિલોલીટર)નો ઘટાડો કરવામાં આવ્યો હતો. મુંબઈમાં એટીએફનો ભાવ આજે રૂ. 89908.31 પ્રતિ કિલોલીટરથી વધી રૂ. 91650.34 પ્રતિ કિલોલીટર કરવામાં આવ્યો છે. સ્થાનિક ટેક્સના આધારે કિંમતો રાજ્યવાર જુદી-જુદી હોય છે. ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ રૂ. 6.5 વધારી રૂ. 1652.50 પ્રતિ 19 કિગ્રા કર્યો છે.
આ પણ વાંચોઃ છેલ્લા દિવસે પણ ITR ફાઈલ કરવાનું ભૂલી ગયા? તો હવે શું કરશો, જાણો જોગવાઈ
દરમહિનાની પહેલી તારીખે થાય છે ફેરફાર
ઉલ્લેખનીય છે, દર મહિનાના પહેલા દિવસે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) બેન્ચમાર્ક ઈન્ટરનેશનલ ક્રૂડના સરેરાશ કિંમતના આધારે વિમાનના ઈંધણ અને રસોઈ ગેસની કિંમત નક્કી કરે છે. ક્યારેક ભાવ વધારવામાં આવે છે તો ક્યારેક ભાવ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવે છે. તેની સીધી અસર સામાન્ય જનતા પર થાય છે. જો એટીએફના ભાવ વધે છે તો એરલાઇન કંપનીઓ તેમનો નફો મેળવવા માટે ટિકિટના ભાવમાં વધારો કરે છે અને તેના કારણે હવાઈ મુસાફરી મોંઘી બને છે. સારી વાત એ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. માર્ચના મધ્યમાં, ભાવમાં પ્રતિ લિટર રૂ. 2 ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. 94.72 પ્રતિ લીટર છે જ્યારે ડિઝલની કિંમત રૂ. 87.62 પ્રતિ લીટર છે.