વૈશ્વિક મજબૂતાઈના પગલે અમદાવાદ ચાંદી રૂ. 2500 ઉછળી
- પેલેડિયમે ૧૦૦૦ ડોલરની સપાટી કુદાવી: ક્રુડ ઓઈલમાં ટકેલુ વાતાવરણ
- યુક્રેન-રશિયા યુદ્ધ ઘેરુ બનવાના એંધાણ
મુંબઈ : યુક્રેન-રશિયા યુદ્ધ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઊભા થઈ રહેલા ભૌગોલિકરાજકીય જોખમોને પરિણામે વૈશ્વિક સોનાચાંદીના ભાવને ટેકો મળી રહ્યો છે. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુના ભાવ ઊંચા બોલાતા હતા. અમદાવાદ ચાંદી રૂપિયા ૨૫૦૦ ઉછળી હતી જ્યારે સોનામાં રૂપિયા ૧૦૦૦નો સુધારો જોવાયો હતો. નોર્વેમાં ક્રુડ તેલનું ઉત્પાદન અટકી પડતા અને કઝાખસ્તાનમાં ઉત્પાદન નીચે જતા ક્રુડ તેલના ભાવમાં ટકેલુ વલણ હતું. રશિયા-યુક્રેન તંગદિલીએ પણ ભાવમાં મક્કમતા જાળવી રાખી હતી.
મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ સોમવારની સરખામણીએ રૂપિયા ૧૦૬૫ વધી રૂપિયા ૭૫૮૭૩ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૭૫૫૬૯ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલો જીએસટી વગર રૂપિયા ૧૬૬૭ વધી રૂપિયા ૯૦૯૫૬ બોલાતી હતી. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ સોમવારની સરખામણીએ રૂપિયા ૧૦૦૦ વધી રૂપિયા ૭૮૫૦૦ મુકાતુ હતું. ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૭૮૩૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૨૫૦૦ વધી રૂપિયા ૯૨૦૦૦ કવોટ કરાતા હતા.
રશિયા-યુક્રેન યુદ્ધ ઘેરુ બનવાના એંધાણ તથા મધ્ય પૂર્વમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિને પરિણામે વૈશ્વિક કિંમતી ધાતુમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. વૈશ્વિક સોનું પ્રતિ ઔંસ ૨૬૩૭ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૧.૨૯ ડોલર બોલાતી હતી. સેફહેવન તરીકે ફન્ડ હાઉસોની સોનામાં લેવાલી નીકળી હતી. અન્ય કિંમતી ધાતુ પેલેડિયમ ઔંસ દીઠ ૧૦૦૦ ડોલરને પાર કરી મોડી સાંજે ૧૦૦૬ ડોલર મુકાતુ હતું જ્યારે પ્લેટિનમ પ્રતિ ઔંસ ૯૬૬ ડોલર કવોટ કરાતું હતું.
વીજ અછતને કારણે નોર્વેના એક તેલ ક્ષેત્રમાં ઉત્પાદન અટકાવી દેવાની ફરજ પડી હતી. આ ઉપરાંત કઝાખસ્તાનના એક તેલ ક્ષેત્રમાં સમારકામ હાથ ધરાતા તેલના ઉત્પાદનમાં ખલેલ પડી હતી જેેને પગલે વૈશ્વિક ક્રુડ તેલમાં ટકેલુ વાતાવરણ જોવા મળ્યું હતું. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૮.૭૮ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૭૩ ડોલર મુકાતુ હતું. રશિયા-યુક્રેન તંગદિલીને કારણે પણ ભાવમાં મજબૂતાઈ જોવા મળી છે.