અમદાવાદ ચાંદીમાં રૂ.2000નો ઉછાળો
- પ્લેટીનમ, પેલેડીયમ આગેકૂચ: ખાનગીમાં રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો
- યુએસમાં વ્યાજ ઘટાડો ચોક્કસ જણાતાં ડોલર ઈન્ડેક્સમાં પીછેહટ : ક્રૂડ તથા કોપરના ભાવમાં પણ ઉછાળો
મુંબઈ : વિશ્વબજાર ફરી ઉંચી જતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં આજે દેશના ઝવેરીબજારોમાં તહેવારો ટાણે ભાવ ફરી ઉંચા બોલાતા થયા હતા એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરીબજારમાં ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઉછળી રૂ.૮૬૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ ૯૯.૫૦ના રૂ.૭૩૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૪૦૦૦ રહ્યા હતા. મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયાના નિર્દેશો મળ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૨૫૦૧થી ૨૫૦૨ વાળા વધી ઉંચામાં ૨૫૧૮થી ૨૫૧૯ થઈ છેલ્લે સપ્તાહના અંતે ૨૫૧૨થી ૨૫૧૩ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.
વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૨૯.૪૪થી ૨૯.૪૩ વાળા ઉંચામાં ૨૯.૮૮થી ૨૯.૮૯ થઈ છેલ્લે ભાવ ૨૯.૮૧થી ૨૯.૮૨ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૧૧૩૮ વાળા રૂ.૭૧૪૦૦ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૧૪૨૪ વાળા રૂ.૭૧૭૦૦ બોલાઈ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૪૬૧૫ વાળા વધી રૂ.૮૫૩૦૦ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, અમેરિકામાં મેન્યુફેકચરીંગના આંકડા પણ નબળા આવતા ત્યાં હવે વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા વધુ બળવત્તર બન્યાનું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં મુંબઈ કરન્સી બજારમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૮૯થી ૮૩.૯૦ વાળા ઘટી રૂ.૮૩.૮૧થી ૮૩.૮૨ રહ્યા હતા.
વિશ્વબજારમાં અન્ય કિંમતી ધાતુઓના ભાવ તથા કોપર અને ક્રૂડતેલના ભાવ પણ આજે વધી આવ્યાના સમાચાર મળ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે સપ્તાહના અંતે ૧.૪૦થી ૧.૪૫ ટકા પ્લસમાં રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૯૪૭થી ૯૪૮ વાળા ઉંચામાં ૯૬૬ થઈ છેલ્લે ભાવ ૯૬૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૩૭થી ૯૩૮ વાળા ઉંચામાં ૯૬૫ થઈ છેલ્લે ભાવ ૯૬૪ ડોલર રહ્યા હતા.
ક્રૂડતેલના ભાવ પણ વિશ્વબજારમાં વધી આવ્યાના સમાચાર હતા. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૭૮.૩૯ વાળા ઉંચામાં ૭૯.૨૭ થઈ છેલ્લે ભાવ ૭૯.૦૨ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડતેલના ભાવ ૭૪.૩૬ વાળા ઉંચામા ૭૫.૦૭ થઈ છેલ્લે ૭૪.૮૩ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ ૧૦૧.૪૦ વાળા ઘટી નીચામાં ૧૦૦.૪૮ થઈ ૧૦૦.૬૧ રહ્યાના સમાચાર હતા.