અમદાવાદ ચાંદીમાં રૂ.2000નું ગાબડું

- ક્રૂડતેલ, કોપર, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ પણ ગબડયા: બ્રેન્ટ ક્રૂડ ૭૮ ડોલરની અંદર

- વૈશ્વિક સોનું પણ ૨૫૦૦ ડોલરની અંદર

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
અમદાવાદ ચાંદીમાં રૂ.2000નું ગાબડું 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી રહી હતી. વિશ્વ બજારના સમાચાર ઉછાળે ફંડોનું સેલીંગ બતાવતા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવતાં ઝવેરી બજારમાં આજે વેંચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ તૂટી રૂ.૮૪૦૦૦ બોલાયા હતા. જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૭૩૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૪૦૦૦ રહ્યા હતા.

 વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૫૦૮થી ૨૫૦૯ વાળા નીચામાં ૨૪૯૩ થઈ ૨૪૯૪થી ૨૪૯૫ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૨૯.૯૫થી ૨૯.૯૬ વાળા ગબડી નીચામાં ભાવ ૨૯.૧૮ થઈ ૨૯.૨૦થી ૨૯.૨૧ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચકાતાં તથા ક્રૂડતેલના ભાવ તૂટી જતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાની ચર્ચા હતી.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૧૪૭૫ વાળા રૂ.૭૧૪૦૪ તથા ૯૯.૯૦ના રૂ.૭૧૭૬૨ વાળા રૂ.૭૧૬૯૧ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૫૯૬૨ વાળા રૂ.૮૪૯૨૯ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૯૩૬ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમ ૯૫૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે બે ટકા ગબડયા હતા. દરમિયાન,  બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૮૧.૦૧ વાળા નીચામાં ૭૭.૯૫ થઈ ૭૮.૪૬ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૬.૯૧ વાળા નીચામાં ૭૩.૮૨ થઈ ૭૪.૪૫ ડોલર રહ્યા હતા.

bullion

Google NewsGoogle News