Get The App

અમદાવાદ સોનામાં રૂ. 75,500નો નવો વિક્રમ

- રૂપિયા સામે ડોલર ઉછળીને ૮૩.૫૩ની નવી ઊંચી સપાટીએ: ક્રુડ તેલના ભાવ મક્કમ

- સોનાચાંદીની ટેરિફ વેલ્યુમાં નોંધપાત્ર વધારો : અમદાવાદ ચાંદી રૂ. એક હજાર ઉછળીને રૂ. ૮૪,૦૦૦ પહોંચી

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
અમદાવાદ સોનામાં રૂ. 75,500નો નવો વિક્રમ 1 - image


મુંબઈ : ઈઝરાયલ તથા ઈરાન વચ્ચે યુદ્ધના વાદળો હજુપણ ઘેરાયેલા રહેતા અને અમેરિકામાં માર્ચના રિટેલ વેચાણના આંક વધીને આવતા વ્યાજ દરમાં ઘટાડાની શકયતા લંબાઈ જવાને કારણે ડોલર ઈન્ડેકસ ઊંચકાયો હતો.  ડોલર ઊંચકાતા વિશ્વ બજારમાં સોનાચાંદીમાં ઊંચા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી પરંતુ ઘરઆંગણે રૂપિયા સામે ડોલરનો નવો ઊંચો ભાવ જોવા મળતા  સોનાચાંદીમાં સુધારો જોવાયો હતો.  અમદાવાદ સોનામાં રૂ. ૭૫૫૦૦ની નવી ઊંચી સપાટી જોવા મળી હતી. 

સોનાચાંદી પર ઈમ્પોર્ટ ડયૂટી વસૂલવા માટેની ટેરિફ વેલ્યુમાં કસ્ટમ સત્તાવાળાઓએ જોરદાર વધારો કર્યો છે.  ચીનમાં અર્થતંત્રમાં સુધારો થયાના અહેવાલોએ ક્રુડ તેલના ભાવ મક્કમ રહ્યા હતા. ઘરઆંગણે મુંબઈ બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ જીએસટી વગર રૂપિયા ૭૩૩૦૨ રહ્યું હતું જ્યારે ૯૯.૫૦ના ભાવ રૂપિયા ૭૩૦૦૮ બોલાતા હતા. જીએસટી વગર ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૮૩૨૧૩ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા કવોટ કરાતા હતા.

અમદાવાદ બજારમાં સોનું ૯૯.૯૦ના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૭૫૫૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના રૂપિયા ૭૫૩૦૦ કવોટ કરાતા હતા.અમદાવાદ સોનામાં નવી ઊંચી સપાટી જોવા મળી છે. ચાંદી .૯૯૯ એક કિલોના સોમવારની સરખામણીએ રૂપિયા ૧૦૦૦ વધી રૂપિયા ૮૪૦૦૦ મુકાતા હતા. 

સોનાચાંદીની આયાત પર ઈમ્પોર્ટ ડયૂટી વસૂલવા માટેના ટેરિફ દરમાં કસ્ટમ સત્તાવાળાઓએ નોંધપાત્ર વધારો કર્યો છે. સોનાની દસ ગ્રામ દીઠની ટેરિફ વેલ્યુ ૭૪૭ ડોલરથી વધારી ૭૭૩ ડોલર કરી છે જ્યારે ચાંદીની એક કિલોની ટેરિફ વેલ્યુ ૯૦૦ ડોલરથી વધારી ૯૩૯ ડોલર કરવામાં આવી છે. ટેરિફ વેલ્યુમાં વધારો કરાતા કિંમતી ધાતુની ઈફેકટિવ ઈમ્પોર્ટ ડયૂટી વધવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. 

વિશ્વ બજારમાં સોનું એક ઔંસ દીઠ ઉપરમાં ૨૩૯૨.૨૨ ડોલર થઈ નીચામાં ૨૩૬૩.૦૭ ડોલર જોવા મળ્યો હતો. મોડી સાંજે ભાવ ૨૩૭૦ ડોલર મુકાતો હતો. ચાંદી ઔંસ દીઠ ઉપરમાં ૨૯.૦૨ ડોલર તથા નીચામાં ૨૮.૨૩ ડોલર થઈ મોડી સાંજે ૨૮.૨૫ ડોલર મુકાતી હતી. 

સ્થાનિક શેરબજારમાં સતત ઘટાડો, ક્રુડ તેલના ઊંચા ભાવ તથા વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ ઊંચકાતા ડોલર સામે રૂપિયાની નવી નીચી સપાટી જોવા મળી હતી. ડોલરનો ભાવ વધુ સાત પૈસા વધી રૂપિયા ૮૩.૫૩ની નવી ઊંચી સપાટીએ રહ્યો હતો.  પાઉન્ડ ૧૭ પૈસા ઘટી ૧૦૪.૦૨ રૂપિયા જ્યારે યુરો ૧૦ પૈસા તૂટી ૮૮.૮૧ રૂપિયા બોલાતો હતો.  વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ ૧૦૬.૪૪ થઈ મોડી સાંજે ૧૦૬.૧૮ના સ્તરે જોવાયો હતો. 

ચીનમાં માર્ચ ત્રિમાસિક ગાળાનો આર્થિક વિકાસ દર અપેક્ષા કરતા સારો રહી ૫.૩૦ ટકા આવતા ચીનની ક્રુડ તેલની માગ નીકળવાની અપેક્ષાએ ભાવ મક્કમ રહ્યા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૮૪.૮૫ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૮૯.૫૯ ડોલર બોલાતું હતું. 

bullion

Google NewsGoogle News