Get The App

FIIની આક્રમક વેચવાલીથી રૂપિયામાં નવુ તળિયુ જોવા મળવાના સંકેત

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
FIIની આક્રમક વેચવાલીથી રૂપિયામાં નવુ તળિયુ જોવા મળવાના સંકેત 1 - image


- 2025ના પ્રથમ  દોઢ મહિનામાં જ ઈક્વિટી કેશમાં રૂપિયા 1.16 લાખ કરોડનું ઓફ્ફલોડિંગ 

મુંબઈ : ૨૦૨૫ના પ્રથમ છ  સપ્તાહમાં   ભારતીય ઈક્વિટી કેશમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની કુલ રૂપિયા ૧.૧૬  લાખ કરોડની વેચવાલી આ સમયગાળાની અત્યારસુધીની સૌથી મોટી વેચવાલી રહી છે. ભારતીય શેરબજાર માટે ૨૦૨૫નો પ્રારંભ છેલ્લા એક દાયકાનો સૌથી ખરાબ પ્રારંભ રહ્યો હોવાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે.

અમેરિકા દ્વારા વળતા ટેરિફની નીતિ, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો લંબાઈજવાની ધારણાં તથા કોર્પોરેટ અર્નિંગ્સ નબળા રહેતા વિદેશી રોકાણકારો ભારતમાંથી ઉચાળા ભરી રહ્યા છે. એફઆઈઆઈની આક્રમક વેચવાલી ચાલુ રહેશે તો ભારતીય રૂપિયા પર ૨૦૨૫માં વધુ દબાણ આવવાની શકયતા નકારાતી નથી. 

ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિને કારણે અમેરિકન ડેબ્ટ સિક્યુરિટીસ વધુ આકર્ષક બની રહી છે અને ડોલર પણ મજબૂત થયો છે જેને કારણે વિદેશી રોકાણકારો ડોલરમાં રોકાણ તરફ વળી રહ્યા છે.

જાન્યુઆરીમાં ઈક્વિટી કેશમાં એફઆઈઆઈએ રૂપિયા ૮૭૩૭૪ કરોડની નેટ વેચવાલી કરી હતી. ૨૦૨૫માં એફઆઈઆઈ દ્વારા  ઈક્વિટી કેશમાં આક્રમક વેચવાલી ચાલુ રહેશે તો  ૨૦૨૪ના સંપૂર્ણ  વર્ષના રૂપિયા ૩૦૪૨૧૭ કરોડની વેચવાલીનો આંક ટૂંકા ગાળામાં જ પાર થઈ જવાનું બજારના  વર્તુળો મત વ્યકત કરી રહ્યા છે. 

વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે ભારતીય રૂપિયામાં તાજેતરના સમયમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને વેચવાલી ચાલુ રહેશે તો ૨૦૨૫માં ડોલર સામે રૂપિયાનું નવુ તળિયું જોવા મળવાનો ભય વ્યકત કરવામાં આવી રહ્યો છે.  વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીને પરિણામે ૨૦૨૫ના પ્રથમ દોઢ મહિનામાં નિફટીમાં ૨.૬૦ ટકાથી વધુના ઘટાડો નોંધાયો છે જ્યારે નિફટી મિડકેપ ૧૦૦ તથા નિફટી સ્મોલકેપ ૧૦૦ અનુક્રમે ૧૧ ટકા અને ૧૫ ટકાથી વધુ ઘટયા છે. ૨૦૧૬ બાદ વર્તમાન વર્ષના પ્રથમ દોઢ મહિનામાં આ સૌથી મોટો ઘટાડો છે. 

વર્તમાન વર્ષમાં ઊભરતી બજારોમાં એફપીઆઈની સૌથી વધુ વેચવાલી ભારતમાં રહી છે. ૨.૫૦ અબજ ડોલર સાથે બીજા ક્રમે તાઈવાન રહ્યું છે. 


Google NewsGoogle News