ઇઝરાયેલ સાથે સંકળાયેલી 14 લિસ્ટેડ કંપનીઓના શેર પર પ્રતિકૂળ અસર
- વૈશ્વિક વેપાર ખોરવાઈ જવાની શકયતા વચ્ચે ભારતના વેપારને પણ મોટો ફટકો પડશે
નવી દિલ્હી : ઈરાન દ્વારા ઈઝરાયેલ પર ૧૮૦ જેટલી બેલેસ્ટિક મિસાઈલોનો મારો ચલાવવામાં આવ્યા બાદ બન્ને દેશો વચ્ચે યુદ્વની ભીતિ વચ્ચે મિડલ ઈસ્ટમાં તનાવ વધતાં આજે ભારતીય શેર બજારોમાં આજે મોટો કડાકો બોલાઈ ઈઝરાયેલ સાથે સંકળાયેલી લિસ્ટેડ કંપનીઓના શેરો પર પણ નેગેટીવ અસર જોવાઈ છે. ઈરાન, ઈઝરાયેલ સાથેનો વૈશ્વિક વેપાર ખોરવાઈ જવાની શકયતા વચ્ચે ભારતના વેપારને પણ મોટો ફટકો પડવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે.
ઈઝરાયેલ સાથે અત્યારે ૧૪ જેટલી ભારતીય લિસ્ટેડ કંપનીઓ કનેકશન ધરાવે છે. જેમાં અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડ અત્યારે ઈઝરાયેલમાં હૈફા પોર્ટ ધરાવે છે. જેના શેરનો ભાવ આજે રૂ.૪૦.૧૫ ઘટીને રૂ.૧૪૨૬.૬૫ રહ્યો હતો. જ્યારે સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ પણ ઈઝરાયેલમાં ટારો ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં મહત્તમ હોલ્ડિંગ ધરાવે છે.
કંપનીના શેરનો ભાવ રૂ.૫.૮૦ ઘટીને રૂ.૧૯૧૩.૬૦ રહ્યો હતો. જ્યારે ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ અને લુપીન લિમિટેડ પણ તેલ અવિવ સ્થિત ટેવા ફાર્માસ્યુટિકલ્સને અસર પડવાના સંજોગોમાં કંપનીઓ પર અસર પડી શકે છે. ડો.રેડ્ડીઝ લેબનો શેર રૂ.૩૨.૭૫ ઘટીને રૂ.૬૭૧૪.૨૦ અને લુપીન લિ.નો શેર રૂ.૧૧.૧૫ ઘટીને રૂ.૨૧૮૩.૧૦ રહ્યા હતા.
માઈનીંગ કંપનીઓ એનએમડીસી અને જવેલર્સ કલ્યાણ જવેલર્સ તમ જ ટાઈટન કંપની પણ ઈઝરાયેલ કનેકશન ધરાવે છે. એનએમડીસીનો શેર રૂ.૪.૪૦ ઘટીને રૂ.૨૩૯.૪૫, કલ્યાણ જવેલર્સ ઈન્ડિયાનો શેર રૂ.૧૮.૯૫ ઘટીને રૂ.૭૩૧.૧૦ અને ટાઈટન કંપનીનો શેર રૂ.૯૭.૫૦ તૂટીને રૂ.૩૬૭૭.૦૫ રહ્યા હતા. આઈટી કંપનીઓમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ-ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પણ ઈઝરાયેલમાં અસ્તિત્વ ધરાવે છે. આ કંપનીઓના શેરોના ભાવો પણ આજે ઘટયા હતા.
આ સિવાય ઈરાન-ઈઝરાયેલ યુદ્વના સંજોગોમાં ક્રુડ ઓઈલ સપ્લાય અટકવાના સંજોગોમાં ક્રુડ ઓઈલની કાચામાલ તરીકે ઉપયોગ કરનાર ઉદ્યોગો અને એની કંપનીઓ પર પણ અસર થવાની શકયતા છે. જેમાં આજે ખાસ એશીયન પેઈન્ટસ, બર્જર પેઈન્ટસના શેરના ભાવો તૂટયા હતા. આ સાથે અપોલો ટાયર્સ અને એમઆરએફ તેમ જ જેકે ટાયર્સના શેરના ભાવો પણ ઘટયા હતા.